બોલીવુડ અભિનેતા તુષાર કપૂર સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાજેતરમાં જ એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો 'હેરી બોક્સર' બતાવ્યો હતો અને અભિનેતા પાસે સીધા ₹5 કરોડની ખંડણી માંગી હતી. આટલી મોટી રકમની માંગણીથી સાવધ થઈને તુષાર કપૂરે કોઈપણ જાતનું જોખમ લીધા વગર તરત જ મુંબઈ પોલીસનો સંપર્ક કરી લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસે આખો કેસ એન્ટી-એક્સટોર્શન સેલ અને ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો હતો.
તુષાર કપૂરને ધમકી મામલે થશે તપાસ
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ ટીમની મદદથી ધમકીભર્યા કોલનું રેકોર્ડિંગ મેળવ્યું હતું. ત્યારબાદ પોલીસે આ અવાજની સરખામણી પોલીસ રેકોર્ડમાં રહેલા અસલી "હેરી બોક્સર" ના અવાજ સાથે કરી હતી. ફોરેન્સિક પરીક્ષણમાં સ્પષ્ટ થયું કે બંને અવાજો બિલકુલ મેળ ખાતા નથી, એટલે કે ધમકી આપનાર વ્યક્તિ હેરી બોક્સર નહોતો. આ તપાસથી સાબિત થઈ ગયું કે અભિનેતાને ડરાવવા અને પૈસા પડાવવા માટે કોઈએ જાણી જોઈને કુખ્યાત ગેંગના નામનો દુરુપયોગ કર્યો હતો.
