અમીષા પટેલ પોતાની સુંદરતા અને એક્ટિંગ માટે જાણીતી છે. તે લાંબા સમયથી એક્ટિંગથી દૂર હતી. જોકે, સની દેઓલની ફિલ્મ ગદર 2થી તેણે પડદા પર વાપસી કરી અને ફરી એકવાર છવાઈ ગઈ. હાલમાં અમીષાની ઉંમર 51 વર્ષ છે. જોકે, તે આજે પણ કુંવારી છે. અત્યાર સુધી એક્ટ્રેસે લગ્ન કર્યા નથી. ફેન્સના મનમાં પણ ઘણીવાર સવાલ થાય છે કે આખરે અમીષાએ અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા? હવે એક્ટ્રેસે પોતે ખુલાસો કર્યો છે કે તેના લગ્ન ન કરવા પાછળનું કારણ શું છે. લાંબા સમયથી તેના લગ્નને લઈને સવાલો ઉઠતા રહ્યા છે, પરંતુ હવે તેણે સ્પષ્ટ કરી દીધું છે કે હાલ તેનો લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે વાતચીત દરમિયાન અમીષાએ સિંગલ રહેવાનું કારણ પણ જણાવ્યું છે.

અમીષા પટેલે લગ્ન કેમ નથી કર્યા?

અમીષા પટેલે તાજેતરમાં X પર આસ્ક મી એનીથિંગ સેશન કર્યું હતું. આ દરમિયાન એક ફેને તેને પૂછ્યું, તમે લગ્ન ક્યારે કરશો? તેના જવાબમાં એક્ટ્રેસે સ્પષ્ટ રીતે લખ્યું, ક્યારેય નહીં. હું સિંગલ રહીને ખૂબ ખુશ છું. મારા 100 નજીકના પરિવારના સભ્યો અને મિત્રો છે, જે મને પ્રેમ કરે છે. હું એવું નથી ઈચ્છતી કે કોઈ એક વ્યક્તિ આવે અને આ બધું બદલી નાખે. અમીષાના આ જવાબને સોશિયલ મીડિયા પર ઘણું સમર્થન મળ્યું છે. ઘણા ફેન્સે કહ્યું કે સિંગલ રહીને પણ ખુશ અને સફળ જીવન જીવી શકાય છે. કેટલાક લોકોએ લખ્યું કે લગ્ન દરેક વ્યક્તિ માટે જરૂરી નથી અને દરેક વ્યક્તિને પોતાની પસંદ મુજબ જીવન જીવવાનો અધિકાર છે.

શું અમીષા સારા પાર્ટનરની શોધમાં છે?

જોકે, આ પહેલાં એક પોડકાસ્ટમાં અમીષાએ કહ્યું હતું કે તેણે લગ્ન કરવાનો વિચાર સંપૂર્ણપણે છોડ્યો નથી. તેણે જણાવ્યું હતું કે તે એક ગંભીર રિલેશનશિપમાં રહી ચૂકી છે, પરંતુ તેના પાર્ટનરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાના તેના નિર્ણયને સપોર્ટ કર્યો નહોતો. અમીષાનું કહેવું હતું કે જો તેને એવો જીવનસાથી મળે, જે તેની કારકિર્દી અને સપનાઓનું સન્માન કરે, તો તે લગ્ન કરવા માટે તૈયાર છે.

અમીષા પટેલની ફિલ્મો

વર્કફ્રન્ટની વાત કરીએ તો અમીષા પટેલ છેલ્લે 2024માં રિલીઝ થયેલી ફિલ્મ તૌબા તેરા જલવામાં જોવા મળી હતી. આ પહેલાં તેણે 'ગદર 2'માં સની દેઓલ સાથે સકીનાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી અને દુનિયાભરમાં લગભગ 686 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હાલમાં અમીષાએ પોતાના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી નથી.

આ પણ વાંચો-Trailer Record : રામાયણના ટ્રેલરે તોડ્યા તમામ રેકોર્ડ, 100 કરોડથી વધુ વ્યૂઝ સાથે રચ્યો ઇતિહાસ!