તાજેતરમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ 'હનુમાન અંશ' બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરીને ચર્ચામાં આવી છે. અહેવાલો મુજબ, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૩૨ કરોડ રૂપિયાથી વધુનું જબરદસ્ત કલેક્શન કર્યું છે. આધ્યાત્મિક ગુરુ બાબા નીમ કરોલીના જીવન અને પ્રભાવ પર આધારિત આ ફિલ્મની શરૂઆત બહુ મુશ્કેલ રહી હતી. જ્યારે ફિલ્મ રિલીઝ થવાની હતી ત્યારે ફિલ્મ ઉદ્યોગ અને વેપાર જગતના નિષ્ણાતોએ તેને 'ફ્લોપ' જાહેર કરી દીધી હતી. પરંતુ નિર્માતા અનુપ્રિયા નાગરનો અડગ વિશ્વાસ અને દર્શકોના મૌખિક પ્રચાર (વર્ડ ઓફ માઉથ)ને કારણે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર તમામ અંદાજો ખોટા સાબિત કરી દીધા અને અનેક મોટી બોલિવૂડ ફિલ્મોને પાછળ છોડી દીધી.

લંડનમાં નોકરી છોડીને બનાવી ફિલ્મ

આ ફિલ્મનું નિર્માણ કરનાર અનુપ્રિયા નાગરે અગાઉ લંડનમાં એક સારી નોકરી કરતી હતી. પરંતુ બાબા નીમ કરોલી પ્રત્યેની અગાધ આસ્થા અને આંતરિક પ્રેરણાને કારણે તેણે લંડનની પોતાની નોકરી છોડી દીધી અને ફિલ્મ નિર્માણ માટે પોતાની જીવનભરની બધી જ બચત દાવ પર લગાવી દીધી. અનુપ્રિયાના જણાવ્યા મુજબ, તેને બાબાનો આદેશ મળ્યો હોય તેમ અનુભવ થયો અને તેણે આ દિવ્ય પ્રોજેક્ટ સાથે જોડાવાનો નિર્ણય લીધો.

અનુપ્રિયાએ અનેક અનુભવો કર્યા શેર

તાજેતરમાં એક મુલાકાતમાં અનુપ્રિયાએ બાબા નીમ કરોલી સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કર્યા હતા. તેણે જણાવ્યું કે તે તાજેતરમાં ઉત્તર પ્રદેશના અકબરપુર સ્થિત બાબાના જન્મસ્થળ અને આશ્રમની મુલાકાતે ગઈ હતી. ત્યાં પહોંચ્યા પછી તેને એક અદ્ભુત માનસિક શાંતિનો અનુભવ થયો. ફિલ્મના નિર્માણ દરમિયાન તેને અનેક માનસિક અને વ્યાવસાયિક તણાવનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બાબાના આશ્રમમાં પહોંચતા જ તેને લાગ્યું કે જાણે કોઈ દિવ્ય શક્તિએ તેને સંભાળી લીધી હોય.

હનુમાન અંશે કરી કરોડોની કમાણી

આશ્રમમાં તેને સ્થાનિક લોકોનો ખૂબ પ્રેમ મળ્યો, જેમણે બાળપણમાં બાબા સાથે સમય વિતાવ્યો હતો. તેણે ત્યાં એક એવા બાળક સાથે પણ મુલાકાત કરી જેણે બાળપણમાં બાબાની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, બાબા દ્વારા વાવવામાં આવેલા એક ઐતિહાસિક લીમડાના ઝાડને સ્પર્શ કરતી વખતે તેને બાબાની ઉપસ્થિતિનો અહેસાસ થયો હતો. નવા કલાકારો અને સાદી વાર્તા સાથે બનેલી આ ફિલ્મે સાબિત કરી દીધું કે જો શ્રદ્ધા અને સમર્પણ સાચું હોય, તો મુશ્કેલીઓ ગમે તેટલી મોટી હોય, સફળતા ચોક્કસ મળે છે.

આ પણ વાંચોઃ 7 વર્ષ બાદ ભારતીય ધરતી પર મળશે મોદી અને જિનપિંગ, BRICS પહેલા થશે દ્વિપક્ષીય બેઠક