આગામી 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીના પ્રતિષ્ઠિત 'ભારત મંડપમ' ખાતે ૧૮મી બ્રિક્સ (BRICS) સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શનિવારે ભારત પહોંચે તેવી પ્રબળ શક્યતા છે. બેઇજિંગ સ્થિત ચીનના વિદેશ મંત્રાલય (MFA) દ્વારા આ મુલાકાત અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી અપેક્ષા છે. આ મુલાકાત દરમિયાન શનિવારે સાંજે અંદાજે 6 વાગ્યે ભારત મંડપમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય (બાયલેટરલ) બેઠક યોજાય તેવી સંભાવના છે.

BRICS પહેલા થશે દ્વિપક્ષીય બેઠક

આ મુલાકાત અને બેઠક ભારત અને ચીન વચ્ચેના રાજકીય સંબંધોની દ્રષ્ટિએ અત્યંત ઐતિહાસિક અને નિર્ણાયક સાબિત થઈ શકે છે. ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે વર્ષ ૨૦૨૦માં પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ છેલ્લા ૭ વર્ષમાં ભારતીય ધરતી પર વડાપ્રધાન મોદી અને શી જિનપિંગ વચ્ચે આ પહેલી સીધી દ્વિપક્ષીય બેઠક હશે. અગાઉ ચીનના રાષ્ટ્રપતિ છેલ્લે ૧૧-૧૨ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ભારતની મુલાકાતે આવ્યા હતા, જ્યારે તેઓ તમિલનાડુના મહાબલીપુરમ (મામલ્લાપુરમ) ખાતે PM મોદી સાથે અનૌપચારિક સમિટમાં સામેલ થયા હતા.

ભાગીદાર દેશો અનેક મુદ્દાઓ પર કરશે ચર્ચા

ભારત આ વર્ષે બ્રિક્સ જૂથની અધ્યક્ષતા સંભાળી રહ્યું છે, અને આ સમિટની મુખ્ય થીમ "સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને સ્થિરતા માટેનું નિર્માણ" રાખવામાં આવી છે. ખાસ કરીને વર્ષ ૨૦૨૬માં બ્રિક્સની સ્થાપનાના ૨૦ વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે, જે આ સમિટને વધુ ખાસ બનાવે છે. આ બેઠકમાં સભ્ય અને ભાગીદાર દેશોના ટોચના નેતાઓ રાજકીય સુરક્ષા, આર્થિક-નાણાકીય સહયોગ તેમજ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે.

આ પણ વાંચોઃ Donald Trump ચૂંટણી જીતવાથી લઇને 2027 સુધીમાં બનશે આ ભયાનક ઘટનાઓ, ચીનના નાસ્ત્રેદમસની ભવિષ્ય વાણી!