'ચીનના નાસ્ત્રેદમસ' તરીકે વૈશ્વિક સ્તરે ખ્યાતિ પામેલા જિયાંગ ઝુકિને તાજેતરમાં થિયો વોન સાથેના એક યુટ્યુબ પોડકાસ્ટમાં ભવિષ્યને લઈને કેટલીક ચોંકાવનારી આગાહીઓ કરી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે. અગાઉ ઝુકિને ડોનાલ્ડ ટ્રમ્પની ૨૦૨૪ની ચૂંટણી જીત, ઈરાન સાથે યુદ્ધ અને ત્યારબાદ અમેરિકાની હાર જેવી સચોટ આગાહીઓ કરી હતી, જેમાંથી બે બાબતો સાચી સાબિત થઈ ચૂકી છે. આ સફળતા બાદ હવે તેમણે વર્ષ ૨૦૨૭ સુધીમાં અમેરિકા અને વિશ્વની સ્થિતિને લઈને પાંચ નવી અને ગંભીર ચેતવણીઓ આપી છે.
જિયાંગ ઝુકિનની 5 મુખ્ય આગાહી
1. સેના અને નેશનલ ગાર્ડની તૈનાતી: ઝુકિનનું માનવું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઇમિગ્રેશન કાયદાઓને વધુ કડક બનાવવા માટે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ (ICE) ને અપાર સત્તાઓ સોંપશે. આ ઉપરાંત, વધતી આર્થિક અસ્થિરતા અને સંભવિત લશ્કરી ડ્રાફ્ટની તૈયારીઓને ધ્યાનમાં રાખીને અમેરિકાના મુખ્ય શહેરોમાં નેશનલ ગાર્ડની તૈનાતી વધારવામાં આવી શકે છે.
2. ગૃહયુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ: ઝુકિન સ્પષ્ટ કરે છે કે તેમનો અર્થ બે સૈન્ય વચ્ચેના પ્રત્યક્ષ યુદ્ધથી નથી, પરંતુ દેશવ્યાપી અસંતોષ, વિરોધ પ્રદર્શનો, હિંસક રમખાણો અને આંતરિક બળવા જેવી નીચલા સ્તરની સંઘર્ષની સ્થિતિ ઊભી થશે, જે ગૃહયુદ્ધ જેવું વાતાવરણ બનાવશે.
3. યુવાનોની ફરજિયાત લશ્કરી ભરતી (Draft): ઈરાન સાથે ચાલી રહેલા લાંબા અને ગંભીર સંઘર્ષને ધ્યાનમાં રાખીને, યુએસ સરકાર ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના યુવાનોને બળજબરીથી લશ્કરમાં ભરતી કરવા માટે ફરજિયાત ડ્રાફ્ટ લાગુ કરી શકે છે, કારણ કે ભૂમિ યુદ્ધ માટે મોટી સેનાની જરૂર પડશે.
4. નવેમ્બર ૨૦૨૬ની મધ્યસત્ર ચૂંટણીઓમાં આશ્ચર્યજનક પરિણામો: કોંગ્રેસ પર નિયંત્રણ નક્કી કરતી ૨૦૨૬ની ચૂંટણીમાં અણધાર્યા ઉથલપાથલ થઈ શકે છે. રિપબ્લિકન પાર્ટી દ્વારા કડક નાગરિકતા તપાસ અને 'સેવ અમેરિકા એક્ટ' જેવા પ્રસ્તાવ લાવવામાં આવ્યા છે, જેના કારણે ચૂંટણી પરિણામોમાં મોટો પલટો આવી શકે છે.
5. વૈશ્વિક અર્થતંત્રનું પતન: જો અમેરિકા ઈરાનમાં લાંબા સમય સુધી (ચારથી પાંચ વર્ષ સુધી) ભૂમિ યુદ્ધ લડે અને તેમાં પરાજયનો સામનો કરવો પડે, તો તેનાથી અમેરિકન અર્થતંત્ર સંપૂર્ણપણે બરબાદ થઈ જશે, જેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પણ પડશે અને તે તૂટી પડશે.
આગાહીઓ પાછળનો આધાર:
જિયાંગ ઝુકિન આ તમામ ભવિષ્યવાણીઓ કરવા માટે 'ગેમ થિયરી' (Game Theory) નો ઉપયોગ કરે છે. તેમના મતે, ભૂરાજનીતિમાં અમેરિકા, ઈરાન, ઈઝરાયલ અને સાઉદી અરેબિયા જેવા દેશો અલગ-અલગ ખેલાડીઓ છે જે પોતાના હિતો અને વ્યૂહરચનાઓ દ્વારા પરિસ્થિતિનું સંચાલન કરે છે, જેના આધારે તેઓ આ સચોટ વિશ્લેષણ કરે છે.
આ પણ વાંચોઃ South Korea માં લગ્નનો આ અનોખો રિવાજ જાણીને તમે પણ કહેશો કે અલ્યા સાવ આવું? જુઓ Video