ભારતીય મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા રેપર બાદશાહ અવારનવાર પોતાના ગીતોને કારણે ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ આ વખતે તે પોતાની પર્સનલ લાઈફને કારણે સમાચારોમાં છવાયેલા છે. ઘણા સમયથી ચાલી રહેલી અફવાઓ પર ત્યારે વિરામ લાગ્યો જ્યારે સોશિયલ મીડિયા પર બાદશાહના લગ્નના ફોટા વાયરલ થવા લાગ્યા. અહેવાલો અનુસાર, બાદશાહે પંજાબી અભિનેત્રી અને મોડેલ ઈશા રિખી સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે.

સાસુએ જાહેર કર્યા લગ્નના ફોટો

જોકે બાદશાહે પોતે હજુ સુધી સત્તાવાર રીતે લગ્નની જાહેરાત કરી નથી કે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કોઈ ફોટો શેર કર્યો નથી, પરંતુ ઈશા રિખીની માતા પૂનમ રિખી અને તેની બહેને આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની વિધિઓના ફોટા અને વીડિયો શેર કરીને નવદંપતીને આશીર્વાદ આપ્યા છે. એક વીડિયોમાં આ જોડી એકબીજાને હાર પહેરાવતી જોવા મળે છે, જ્યારે બીજામાં તેઓ પરંપરાગત વિધિઓ કરી રહ્યા છે.

https://www.instagram.com/p/DWQRJtTikV0/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

સાદગીભર્યો લગ્ન સમારોહ

બાદશાહ અને ઈશાના લગ્ન કોઈ મોટા ભપકા વગર ખૂબ જ સાદગીથી સંપન્ન થયા હતા. આ સમારોહમાં માત્ર પરિવારના સભ્યો અને અત્યંત નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. દેખાવની વાત કરીએ તો, બાદશાહ ચુડીદાર પાયજામા અને કુર્તામાં એકદમ સરળ લુકમાં જોવા મળ્યો હતો, જ્યારે તેની દુલ્હન ઈશા રિખીએ લાલ રંગનો સુંદર સૂટ પહેર્યો હતો.

બાદશાહનું ભૂતકાળનું જીવન

આ બાદશાહના બીજા લગ્ન છે. અગાઉ 2012માં તેણે જાસ્મીન મસીહ સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેમને એક પુત્રી પણ છે. જોકે, આ દંપતી વચ્ચે અણબનાવ થતા 2020માં પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. હવે છૂટાછેડાના લગભગ છ વર્ષ બાદ બાદશાહે ફરી એકવાર લગ્નજીવનમાં પ્રવેશ કર્યો છે.

કોણ છે ઈશા રિખી?

ઈશા રિખી પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેણે 2013માં "જટ્ટ બોય્ઝ પુટ જટ્ટન દે" થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે "હેપ્પી ગો લકી", "મેરે યાર કમીને" અને "વોટ ધ જટ્ટ" જેવી ફિલ્મોમાં અભિનય કરીને પોતાની ઓળખ બનાવી છે. મોડેલિંગ ક્ષેત્રે પણ તે ખૂબ જ સક્રિય છે.

આ પણ વાંચોઃ 26 વર્ષ નાની પાર્ટનરની સાથે લગ્નને લઇ ટ્રોલ થયો આ એક્ટર, વિવાદિત ફોટોશૂટ પર કહી આ વાત