તાજેતરમાં આદિત્ય ધર દિગ્દર્શિત ફિલ્મ 'ધુરંધર' એ બોક્સ ઓફિસ પર ₹1300 કરોડથી વધુની કમાણી કરીને અને બે મહિના સુધી થિયેટરોમાં ટકી રહીને નવો રેકોર્ડ બનાવ્યો છે. હવે તેનો બીજો ભાગ 'ધુરંધર: ધ રીવેન્જ' પણ આવી રહ્યો છે. પરંતુ, જ્યારે આપણે ભારતીય સિનેમાના ઈતિહાસના પાના ઉથલાવીએ છીએ, ત્યારે એક એવી ફિલ્મ સામે આવે છે જેણે આજના બ્લોકબસ્ટર યુગના પાયા નાખ્યા હતા. એ ફિલ્મ હતી 1969માં રિલીઝ થયેલી 'આરાધના'.

રાજેશ ખન્ના: પ્રથમ સુપરસ્ટારનો જન્મ

'આરાધના' એ ફિલ્મ છે જેણે રાજેશ ખન્નાને રાતોરાત હિન્દી સિનેમાના પ્રથમ 'સુપરસ્ટાર' બનાવી દીધા હતા. શર્મિલા ટાગોર અને રાજેશ ખન્નાની આ આઇકોનિક જોડીએ પડદા પર જે જાદુ વેર્યો હતો, તેની કલ્પના ભાગ્યે જ કોઈએ કરી હશે. આ ફિલ્મ થિયેટરોમાં સતત 100 દિવસ સુધી હાઉસફુલ રહી હતી, જે તે સમયના હિસાબે એક અતુલ્ય સિદ્ધિ હતી. સ્થિતિ એવી હતી કે લોકો માટે આ ફિલ્મની ટિકિટ મેળવવી લોઢાના ચણા ચાવવા જેવી બાબત બની ગઈ હતી.

સંવેદનશીલ વાર્તાએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા

આ ફિલ્મ 1946ની હોલીવુડ ફિલ્મ 'ટુ ઈચ હિઝ ઓન' (To Each His Own) પર આધારિત હતી. ફિલ્મની વાર્તા વંદના (શર્મિલા ટાગોર) ના પ્રેમ અને અસીમ બલિદાનની આસપાસ ફરે છે. વંદના વાયુસેનાના પાઈલટ અરુણ (રાજેશ ખન્ના) સાથે છૂપી રીતે લગ્ન કરે છે, પરંતુ કમનસીબે લગ્નના થોડા જ દિવસોમાં અરુણનું મૃત્યુ થાય છે. સામાજિક મર્યાદાઓ અને કલંકના ડર વચ્ચે વંદના ગર્ભવતી બને છે અને પોતાના જ બાળકને બીજાને સોંપી દઈને તેની આયા બનીને આખી જિંદગી વિતાવે છે. માતૃત્વ અને વિરહની આ સંવેદનશીલ વાર્તાએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.

પુરસ્કારો અને સફળતા

આ ફિલ્મને માત્ર વ્યવસાયિક સફળતા જ ન મળી, પરંતુ સમીક્ષકોએ પણ તેને ખૂબ વખાણી. શર્મિલા ટાગોર અને રાજેશ ખન્નાને તેમના શ્રેષ્ઠ અભિનય માટે ફિલ્મફેર એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા હતા. આ ફિલ્મના ગીતો, જેમ કે 'મેરે સપનો કી રાની', આજે પણ એટલા જ લોકપ્રિય છે. 'આરાધના' એ સાબિત કર્યું કે જો વાર્તામાં દમ હોય અને અભિનય જીવંત હોય, તો તે ફિલ્મ સદીઓ સુધી યાદ રાખવામાં આવે છે.

આ પણ વાંચોઃ Entertainment : ના ગોડફાધર, ઇન્ડસ્ટ્રીમાં 'આઉટસાઈડર' હોવાના અનુભવ પર જોન અબ્રાહમનું છલકાયું દર્દ