ફિલ્મ પ્રોડ્યુસર અમિત જાનીની આગામી ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' સતત વિવાદોનો સામનો કરી રહી છે. એક તરફ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માગ કરવામાં આવી રહી છે. જેને લઈને ફિલ્મ સતત ચર્ચામાં છે.


આ પહેલા ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટે ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તેની વચ્ચે અમિત જાનીએ ધમકીઓ મળવાની વાત હતી. જો કે હવે તેમને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.

અમિત જાનીને સુરક્ષા માટે CRPF જવાનો આપવામાં આવશે. ગુપ્તચર એજન્સીના ઇનપુટ્સના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે અમિત જાનીના જીવને જોખમ છે. અમિત જાનીએ પોતે થોડા સમય પહેલા કહ્યું હતું કે તેમની સામે એક કટ્ટરપંથી સેના સક્રિય થઈ ગઈ છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. અમિત જાનીએ સુરક્ષા મેળવવા અંગે X પર પણ પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, "કેન્દ્રની Y કેટેગરીની સુરક્ષા આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ગૃહમંત્રી અમિત શાહજીનો હૃદયપૂર્વક આભાર"


ફિલ્મ નક્કી કરેલી તારીખે રિલીઝ થઈ શકી નહીં

મુસ્લિમ સંગઠનો જમિયત ઉલેમા-એ-હિંદ અને ઓલ ઈન્ડિયા મિલી કાઉન્સિલે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટે ગુજરાત, મુંબઈ અને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પહેલા આ ફિલ્મ 11 જુલાઈએ રિલીઝ થવાની હતી, પરંતુ કાયદાકીય મુશ્કેલીઓને કારણે ફિલ્મ સમયસર રિલીઝ થઈ શકી ન હતી. હવે આ ફિલ્મ 8 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.

કયા મુદ્દા પર આધારિત છે ફિલ્મ?

આ ફિલ્મની સ્ટોરી 2022માં ઉદયપુરના દરજી કન્હૈયાલાલની હત્યા પર આધારિત છે. 2 લોકોએ તેમની દુકાનમાં ગળું કાપીને તેમની હત્યા કરી હતી અને તેમણે તે ઘટનાનો વીડિયો પણ બનાવ્યો અને પછી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. અમિત જાની 'ઉદયપુર ફાઇલ્સ' માં આ જ વાર્તા બતાવી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન ભરત એસ શ્રીનેતે કર્યું છે. આ ફિલ્મને સેન્સર બોર્ડે પાસ કરી દીધી છે. પાસ કરતા પહેલા સેન્સર બોર્ડે તેમાં 130 કટ કર્યા હતા. થોડા સમય પહેલા ખુદ એસ શ્રીનેતે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે સીબીએફસીએ ફિલ્મને એ સર્ટિફિકેટ આપ્યું છે. અભિનેતા વિજય રાજ કન્હૈયાલાલ સાહુની ભૂમિકા ભજવી રહ્યા છે.

  • Follow us on: