સાઉથ સિનેમાના મેગાસ્ટાર ચિરંજીવીએ 70ના દાયકાના અંતમાં ફિલ્મી દુનિયામાં કામ શરૂ કર્યું હતું અને આજે પણ તેઓ મુખ્ય અભિનેતા તરીકે મોટા પડદા પર ફેન્સનું દિલ જીતી રહ્યા છે. સાઉથના સૌથી ચર્ચિત, સૌથી મોંઘા અને સૌથી અમીર અભિનેતાઓમાં તેમનું નામ લેવામાં આવે છે. અભિનેતા પોતાનો 71મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે.

માતાના કહેવાથી બદલ્યું હતું નામ

ચિરંજીવીનો જન્મ 22 ઓગસ્ટ 1955ના રોજ આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના મોગલતુરુમાં થયો હતો. તેમનું નામ કોનિડેલા શિવ શંકર વર પ્રસાદ રાખવામાં આવ્યું હતું. જોકે જ્યારે તેઓ ફિલ્મી દુનિયામાં આવ્યા ત્યારે માતાના કહેવાથી તેમણે પોતાનું નામ બદલીને ચિરંજીવી રાખ્યું હતું. ચિરંજીવીને બાળપણથી જ અભિનયનો શોખ હતો અને આ શોખ પૂરો કરવા માટે તેમણે ગ્રેજ્યુએશન બાદ મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો હતો. અહીંથી તેમણે અભિનયની બારીકીઓ શીખી અને ત્યારબાદ સિનેમાની દુનિયામાં પ્રવેશ કર્યો.

1978માં કર્યું હતું ડેબ્યૂ

ચિરંજીવીએ 23 વર્ષની ઉંમરે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. સૌપ્રથમ તેમણે ફિલ્મ પુનધીરલ્લુ 1979માં સાઇન કરી હતી, જોકે આ તેમની પહેલી રિલીઝ ફિલ્મ નહોતી. તેમની પહેલી રિલીઝ ફિલ્મ પ્રણામ ખરેંદુ હતી, જે 1978માં જ રિલીઝ થઈ હતી. જોકે તેમને પહેલી ઓળખ ફિલ્મ માના વૂરી પાંડવુલુથી મળી હતી. બાપુના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે તેમને તેલુગુ દર્શકોમાં લોકપ્રિય બનાવ્યા હતા.
Chiranjeevi net worth, South Megastar (1)

એક સમયે અમિતાભ બચ્ચનથી પણ મોટા સ્ટાર બન્યા હતા ચિરંજીવી

ચિરંજીવીની ફિલ્મી કારકિર્દીમાં એક એવો સમય પણ આવ્યો હતો જ્યારે તેમને અમિતાભ બચ્ચન જેવા અભિનેતા કરતાં પણ મોટા સ્ટાર માનવામાં આવતા હતા. વાત 90ના દાયકાની શરૂઆતની છે. તે સમયે અમિતાભ બચ્ચન પોતાની કારકિર્દીના શિખર પર હતા અને સૌથી વધુ ફી લેતા હતા. જોકે 1992માં ચિરંજીવીએ 1.25 કરોડ રૂપિયાની ફી લઈને અમિતાભ બચ્ચન સહિત તમામ સ્ટાર્સને પાછળ છોડી દીધા હતા. તે સમયે ફિલ્મફેર અને ઇન્ડિયા ટુડે જેવી મનોરંજન મેગેઝિનોએ ચિરંજીવીને 'બિગર ધેન બચ્ચન' નામ આપ્યું હતું. જ્યારે ધ વીકએ તેમને 'ધ ન્યૂ મની મશીન' કહ્યા હતા.

હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગલુરુમાં ભવ્ય મિલકતો

ચિરંજીવી પોતાના પરિવાર સાથે હૈદરાબાદના પોશ વિસ્તાર જુબિલી હિલ્સમાં રહે છે. અહીં 25,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો તેમનો ખૂબ જ ભવ્ય બંગલો છે. અહેવાલો અનુસાર તેની કિંમત લગભગ 30 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હૈદરાબાદ ઉપરાંત અભિનેતા પાસે ચેન્નાઈ અને બેંગલુરુ જેવા મોટા શહેરોમાં પણ ઘર અને ફાર્મ હાઉસ છે.
Chiranjeevi net worth, South Megastar (2)

પ્રાઇવેટ જેટ અને મોંઘી કારના માલિક

71 વર્ષના ચિરંજીવી પાસે ઘણી મોંઘી અને લક્ઝરી કારનું કલેક્શન છે. તેમના કાર કલેક્શનમાં રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી, ટોયોટા લેન્ડ ક્રૂઝર અને રોલ્સ રોયસ ફેન્ટમ જેવી કાર સામેલ છે. આ ઉપરાંત અભિનેતા પાસે પોતાનું પ્રાઇવેટ જેટ પણ છે. તેઓ ઘણીવાર તેમાં મુસાફરી કરતા જોવા મળે છે.

ક્યાંથી કમાણી કરે છે ચિરંજીવી?

ચિરંજીવી ફિલ્મોમાં અભિનય ઉપરાંત અન્ય ઘણા સ્ત્રોતોમાંથી પણ કમાણી કરે છે. એક ફિલ્મ માટે તેઓ 30થી 50 કરોડ રૂપિયા સુધીની ફી લે છે. તેમની કમાણીના સ્ત્રોતમાં અભિનય ઉપરાંત નફામાં ભાગીદારી અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ સામેલ છે. આ ઉપરાંત અભિનેતા રોકાણમાંથી પણ મોટી કમાણી કરે છે. તેમણે ઘણી મોંઘી જમીન અને મિલકતોમાં રોકાણ કર્યું છે. અભિનેતાએ નાગાર્જુન અને સચિન તેંડુલકર સાથે મળીને સ્થાનિક ફૂટબોલ લીગની ટીમ કેરળ બ્લાસ્ટર્સમાં પણ રોકાણ કર્યું છે.
Chiranjeevi net worth, South Megastar (3)

ચિરંજીવીએ પોતાના ભાઈ નાગેન્દ્ર બાબુ સાથે માતા અંજના દેવીના નામે 1998માં 'અંજના પ્રોડક્શન્સ' નામનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું. આ ઉપરાંત અભિનેતા પોતાના પુત્ર અને તેલુગુ સુપરસ્ટાર રામ ચરણના પ્રોડક્શન હાઉસ 'કોનિડેલા પ્રોડક્શન કંપની' સાથે પણ જોડાયેલા છે.

ચિરંજીવીનો પરિવાર

ચિરંજીવીના અંગત જીવનની વાત કરીએ તો અભિનેતાએ 1984માં સુરેખા કોનિડેલા સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નજીવનને 42 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ કપલને એક પુત્ર રામ ચરણ અને બે પુત્રીઓ છે. તેમની મોટી પુત્રીનું નામ સુષ્મિતા કોનિડેલા અને નાની પુત્રીનું નામ શ્રીજા કોનિડેલા છે.

આ પણ વાંચો-Govinda Divorce : ગોવિંદાથી છૂટાછેડા નહીં લે સુનીતા આહૂજા! સામે આવ્યું ફેમિલી કોર્ટ પહોંચવાનું સાચું કારણ