બોલિવૂડમાં સફળતા સાથે વિવાદો પણ હાથમાં હાથ નાખીને ચાલે છે, અને હાલમાં અક્ષય ખન્નાનું નામ એનું તાજું ઉદાહરણ બની ગયું છે. આદિત્ય ધરના દિગ્દર્શન હેઠળ આવેલી ફિલ્મ ‘ધુરંધર’ને મળેલા સારા પ્રતિસાદ બાદ અક્ષય ખન્નાએ અજય દેવગણની બહુ અપેક્ષિત ફિલ્મ ‘ Drishyam 3’માંથી પીઠ પાછી ખેંચી લીધી હતી. આ નિર્ણયે નિર્માતાઓને ભારે નારાજ કર્યા છે.
માત્ર 10 દિવસ પહેલા જ ફિલ્મ છોડવાનો નિર્ણય
ખાસ વાત એ છે કે અક્ષય ખન્નાએ શૂટિંગ શરૂ થવાના માત્ર 10 દિવસ પહેલા જ ફિલ્મ છોડવાનો નિર્ણય કર્યો હતો. એક ઇન્ટ્રવ્યૂમાં ‘Drishyam 3’ના નિર્માતા કુમાર મંગત પાઠકે આ નિર્ણયને સંપૂર્ણપણે અનપ્રોફેશનલ ગણાવ્યો અને સ્પષ્ટ કહ્યું કે તેઓ અક્ષય ખન્ના સામે કાનૂની કાર્યવાહી કરશે.
ફિલ્મ માટે સત્તાવાર કરાર
કુમાર મંગત પાઠકે જણાવ્યું કે અક્ષય ખન્ના સાથે ફિલ્મ માટે સત્તાવાર કરાર થયો હતો, તેમની ફી પણ નક્કી થઈ ગઈ હતી અને એડવાન્સ ચુકવણી પણ કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે અક્ષય ખન્નાએ ફિલ્મમાં વિગ પહેરવાની માંગણી કરી હતી, પરંતુ દિગ્દર્શક અભિષેક પાઠકે તેને સમજાવ્યું કે આથી ફિલ્મના સાતત્યમાં સમસ્યા ઊભી થશે. શરૂઆતમાં અક્ષય આ વાતે સહમત થયો હતો, પરંતુ બાદમાં તેના આસપાસના લોકોએ તેને ફરી વિચારવા પ્રેર્યો.
અભિનેતા પાસે કામ નહોતું
નિર્માતાએ અક્ષય ખન્નાના ભૂતકાળનો ઉલ્લેખ કરતા કહ્યું કે એક સમય એવો પણ હતો જ્યારે અભિનેતા પાસે કામ નહોતું. “મેં તેની સાથે ‘Section 375’ બનાવી હતી. તે સમયે પણ ઘણા લોકોએ મને તેના અનપ્રોફેશનલ વર્તન અને સેટ પરની નેગેટીવીટી માટે ચેતવણી આપી હતી,” એમ કુમાર મંગત પાઠકે કહ્યું.
અક્ષય ખન્નાને કાનૂની નોટિસ
આ સમગ્ર ઘટનાથી દુઃખી થયેલા નિર્માતાએ જણાવ્યું કે તેમણે અક્ષય ખન્નાને કાનૂની નોટિસ મોકલી છે, પરંતુ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. “તેમના વર્તનથી મને ખૂબ આઘાત પહોંચ્યો છે. હવે હું આ મામલાને કાયદાકીય રીતે આગળ લઈ જઈશ,” એમ તેમણે ઉમેર્યું. આ સાથે જ નિર્માતાએ ‘Drishyam 3’માં અક્ષય ખન્નાના રિપ્લેસમેન્ટની પણ પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે ફિલ્મમાં હવે જયદીપ અહલાવતની એન્ટ્રી થઈ ચૂકી છે. “Drishyam એક મોટો પ્રોજેક્ટ છે. કોઈ એક અભિનેતા ફિલ્મમાં હોય કે ન હોય, તેનાથી ફિલ્મના ભાગ્ય પર અસર થતી નથી. ભગવાનની કૃપાથી, અમને વધુ યોગ્ય અભિનેતા મળ્યો છે,” એમ તેમણે જણાવ્યું
આ પણ વાંચો : Salman Khan Birthday : કેટરિના કૈફે સલમાન ખાનને કહ્યા સુપર હ્યુમન, 60મા જન્મદિવસે શેર કરી ખાસ પોસ્ટ!