બોલીવુડના પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની વ્હાલી પુત્રી દુઆ પાદુકોણ સિંહ માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં, પરંતુ તેના પરિવારમાં પણ સૌની લાડકી છે. તાજેતરમાં જ દીપિકાના પિતા અને ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણે તેમની પૌત્રી દુઆ વિશે અત્યંત હૃદયસ્પર્શી વાતો શેર કરી છે. તેમણે જણાવ્યું કે પૌત્રીના આવ્યા પછી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.


દાદા બન્યા પછી બદલાઈ ગઈ પ્રકાશ પાદુકોણની દુનિયા

એક ઇન્ટરવ્યુમાં પ્રકાશ પાદુકોણે ખુલાસો કર્યો કે, "હું હંમેશા વિચારતો કે દાદા-દાદી કે નાના-નાની તેમના પૌત્ર-પૌત્રીઓ માટે આટલા બધા કેમ ચિંતિત અને પાગલ હોય છે? પરંતુ દુઆના જન્મ પછી મને સમજાયું કે આ લાગણી કેવી અદ્ભુત હોય છે. મને પહેલાં ક્યારેય આ અહેસાસ નહોતો થયો." જ્યારે પણ દુઆ તેમને મળવા બેંગલુરુ આવે છે, ત્યારે તે અને તેમની પત્ની ઉજાલા તેને સામાન્ય જીવન અને દરેક નાની ખુશીઓનો સ્વાદ ચખાડવાનો પ્રયાસ કરે છે. હું દુઆને બેંગલુરુમાં મેટ્રો ટ્રેન અને ઓટો-રિક્ષાની સવારી કરાવે છે તેમજ સાંજના સમયે પાર્કમાં ફરવા લઈ જાય છે.

ટ્રેનો જોવી ગમે છે અને બધાને 'નમસ્તે' કહે છે નાની દુઆ

પોતાની પૌત્રીના મૈત્રીપૂર્ણ સ્વભાવ વિશે વાત કરતા દાદાએ જણાવ્યું કે, દુઆ ખૂબ જ સોશિયેબલ અને મિલનસાર બાળક છે. તેને રસ્તામાં જે પણ મળે, તે તેને હોંશે હોંશે 'નમસ્તે' કહે છે. તેને ટ્રેનો જોવી ખૂબ ગમે છે, તેથી તેઓ અવારનવાર તેને કેમ્પ સ્ટેશન પાસે ટ્રેનો બતાવવા પણ લઈ જાય છે. આ ઉપરાંત તેને ઘર નજીકના ગ્રાઉન્ડ પર પેડલિંગ કરવું (સાયકલના પેડલ ચલાવવા) ખૂબ ગમે છે. નાનપણથી જ માતા-પિતા સાથે ટ્રાવેલ કરવાના કારણે તેનો માનસિક વિકાસ ખૂબ સારો થયો છે અને તે અત્યારે ખૂબ જ ક્યુટ અને રસપ્રદ ઉંમરમાંથી પસાર થઈ રહી છે.

દીપિકા અને રણવીર છે બેસ્ટ પેરેન્ટ્સ

પ્રકાશ પાદુકોણે દીપિકા અને રણવીરના પેરેન્ટિંગના પણ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે બંને બાળકની ખૂબ જ કાળજી રાખે છે. દીપિકા માતા તરીકેની જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવે છે, તો રણવીર પણ પોતાના બિઝી શૂટિંગ શેડ્યૂલમાંથી સમય કાઢીને પુત્રી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. આ સિવાય પાદુકોણ અને સિંહ પરિવાર બંને બાળકની સંભાળ રાખવા માટે હંમેશા તત્પર રહે છે.

જમાઈ રણવીર સિંહની ફિલ્મ 'ધૂરંધર' પર સસરાનો રિવ્યૂ

રણવીર સિંહે બોક્સ ઓફિસ પર પોતાની નવી ફિલ્મ 'ધૂરંધર' થી ઈતિહાસ રચી દીધો છે. રણવીરના સસરા પ્રકાશ પાદુકોણે પણ આ ફિલ્મ જોઈ અને પોતાનો સ્પષ્ટ રિવ્યૂ આપ્યો. તેમણે ફિલ્મને શાનદાર ગણાવવા સાથે સ્વીકાર્યું કે ફિલ્મ થોડી વધુ પડતી હિંસક છે. આ ઉપરાંત જમાઈ રણવીર સાથેના બોન્ડિંગ વિશે વાત કરતા જણાવ્યું કે, આખો પરિવાર વર્ષમાં એકવાર અચૂક સાથે વેકેશન ગાળવા જાય છે, જ્યાં તેઓ રમતગમતથી લઈને સિનેમા જગતની તમામ બાબતો પર ખુલીને ચર્ચાઓ કરે છે.


આ પણ વાંચો : Maa Inti Bangaram ફિલ્મ પ્રમોશન દરમિયાન સામંથા રૂથ પ્રભુએ ખોલ્યા કરિયર અને અંગત જીવનના અનેક રાઝ

  • Follow us on: