દક્ષિણ ભારતીય સિનેમાની સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુ હાલમાં તેની આગામી ફિલ્મ "Maa Inti Bangaram" ને લઈને ભારે ચર્ચામાં છે. આ મોસ્ટ-અવેઇટેડ ફિલ્મ ૧૯ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. ફિલ્મની રિલીઝ પહેલાં પ્રમોશન દરમિયાન સામંથાએ તેની કારકિર્દી, અંગત જીવન અને ગંભીર બીમારીના ગાળા વિશે અત્યંત ચોંકાવનારા અને ખુલ્લા મનના ખુલાસા કર્યા છે.
'નાના શહેરની છોકરી માટે આ બધું એક સપના જેવું હતું' સામંથા
પોતાની સફરને યાદ કરતાં સામંથાએ જણાવ્યું કે, "મારા માટે એ ખરેખર અદ્ભુત હતું કે એક નાના શહેરની છોકરીને દર્શકો તરફથી આટલો બધો પ્રેમ મળ્યો. લોકો મને મોટા પડદા પર જોવાનું પસંદ કરતા હતા, મારી ફિલ્મોની આતુરતાથી રાહ જોતા અને થિયેટરોમાં મારા નામની બૂમો પાડતા. આ બધું મારા માટે કોઈ સુંદર સ્વપ્ન જેવું હતું." તેણે સ્વીકાર્યું કે એક સમય એવો હતો જ્યારે તેને સતત કામ કરવાની અને ફિલ્મો હિટ આપવાની આદત પડી ગઈ હતી.
સામંથા, સફળતાના કારણે મારામાં 'અહંકાર' આવી ગયો
સામંથાએ ઇન્ડસ્ટ્રીના પોતાના એક સમયના ગોલ્ડન પીરિયડ વિશે વાત કરતા કહ્યું કે, "મેં એક વર્ષમાં બેક-ટુ-બેક પાંચ ફિલ્મો કરી અને તે બધી જ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ. લોકો કહેવા લાગ્યા કે આ મારો સુવર્ણ યુગ છે. મને પણ લાગ્યું કે મારે ગમે તેમ કરીને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવું જ પડશે, તેથી હું મારી જાતને સતત કામ તરફ ધકેલતી રહી."
કલાકાર પર સફળતાનો નશો ચઢે છે
તેણે વધુમાં ઉમેર્યું કે, "એક કલાકાર તરીકે જ્યારે તમને આવી સફળતા મળે છે, ત્યારે તમારામાં એક પ્રકારનો અહંકાર (ઘમંડ) આવી જાય છે. જયારે પણ કલાકારની ફિલ્મો હિટ અને દર્શકો તરફથી પણ આટલો બધો પ્રેમ મળે છે ત્યારે સફળતાનો નશો ચઢી જાય છે. તમને લાગવા માંડે છે કે આ સ્ટારડમ અને સફર ક્યારેય ખતમ નહીં થાય. કલાકારને સ્ટારડમ મળતા તે પોતાને જ ઇન્ડસ્ટ્રી માનવા લાગે છે. તમે એ સ્વીકારવા જ તૈયાર નથી હોતા કે આ બધું એક દિવસ સમાપ્ત પણ થઈ શકે છે."
'ગંભીર બીમારીએ મારું આખું જીવન બદલ્યું
પોતાના જીવનના સૌથી મુશ્કેલ તબક્કા અને બીમારી વિશે વાત કરતા સામંથાએ કહ્યું કે, "જ્યારે હું બીમાર પડી, ત્યારે મને એક ક્ષણે એવું લાગવા માંડ્યું હતું કે મારી કારકિર્દી હવે સદંતર સમાપ્ત થઈ ગઈ છે. આ બીમારીએ મારા જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી નાખ્યો. મને સમજાયું કે જો હું આ બ્રેક પછી ફરીથી કામ પર પાછી ફરીશ, તો મારે ઘણી બધી વસ્તુઓ બદલવી પડશે. મારે મારી જૂની આદતો અને કામ કરવાની શૈલીમાં મોટો ફેરફાર કરવો પડશે."
'માયોસાઇટિસ' બીમારીની શિકાર થઈ સામંથા
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ "કુશી" ના શૂટિંગ દરમિયાન સામંથા 'માયોસાઇટિસ' નામની ગંભીર ઓટોઇમ્યુન બીમારીનો ભોગ બની હતી, જેના કારણે તેણે ઘણા મહિનાઓ સુધી કામથી દૂર રહેવું પડ્યું હતું. સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા બાદ હવે તે શાનદાર કમબેક કરી રહી છે. નંદિની રેડ્ડીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ "મા ઇન્તી બંગારામ" માં સામંથા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. લાંબા સમય પછી સામંથાને મોટા પડદા પર એક્શન અને ડ્રામા રોલમાં જોવા માટે ફેન્સ આતુર છે.
આ પણ વાંચો : 2026માં બોક્સ ઓફિસ પર રાજ કરશે અરશદ વારસી, આ 4 મોટી કોમેડી ફિલ્મો મચાવશે ધમાલ