બોલીવુડના ફેમસ સિંગર સોનુ નિગમના વીડિયોએ ફેન્સની ચિંતામાં વધારો કર્યો છે. આ વીડિયોમાં સોનુ નિગમે બીમારીને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો. ગાયકે ચાહકો સાથે પોતાના સ્વાસ્થ્ય અપડેટ શેર કરતાં કહ્યું કે હું છેલ્લા એક અઠવાડિયાથી ખૂબ દર્દમાં છું. છેલ્લા કેટલાક સમયથી નર્વસ બીમારી સામે લડી રહ્યો છે અને તબીબી સારવાર લઈ રહ્યો છે. જો કે આ સાથે સિંગરે ચાહકોને પ્રોમિસ આપ્યું કે તેઓ આ પીડા વચ્ચે પણ મુંબઈમાં સ્ટેજ શો કરશે.


સોનુ નિગમે બીમારીનો કર્યો ચોંકાવનારો ખુલાસો

એક બાજુ જયાં કલાકારો પોતાની બીમારી છુપાવતા હોય છે ત્યાં સોનુ નિગમે ચાહકોની બીમારીનું અપડેટ શેર કરી. સોનુ નિગમના સ્વાસ્થ્યને લઈને આ હકીકત જણાવતા ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં ફેમસ સિંગરે જણાવ્યું કે અસહ્ય દુખાવો હોવા છતાં તેઓ પોતાની વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓને ભૂલ્યા નથી અને ચાહકો માટે પર્ફોર્મ કરવા મક્કમ છે. સોનુ નિગમે તાજેતરમાં મુંબઈમાં યોજાનારા એક લાઈવ પર્ફોર્મન્સ પહેલાં પોતાની હેલ્થ અપડેટ શેર કરી હતી.

નર્વ્સના દુખાવાથી પીડિત છે સિંગર

સોનુ નિગમે જણાવ્યું કે તેમને નર્વ્સમાં (નસોમાં) ભારે ખેંચાણ આવી ગયું છે. આ સ્થિતિનું ચોક્કસ નિદાન કરવા માટે છેલ્લા એક અઠવાડિયાથી તેમના અનેક મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. પોતાની ગંભીર સ્થિતિ વિશે વાત કરતાં સોનુ નિગમે કહ્યું, "મને નર્વ્સમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો છે. હું એક અઠવાડિયાથી સતત MRI અને CT સ્કેન કરાવી રહ્યો છું અને હાલ ઘણી બધી દવાઓ પર છું." સારવારના અનુભવ વિશે જણાવતા તેમણે ઉમેર્યું કે તેમના ફિઝીયોથેરાપી સેશન્સ ખૂબ જ પીડાદાયક હતા, અને હાલ તેઓ આ પીડાને નિયંત્રિત કરવા માટે ભારે પેઇનકિલર્સનો સહારો લઈ રહ્યા છે.

સ્વાસ્થ્યમાં તકલીફ છતાં કોન્સર્ટ કેન્સલ નહીં થાય

દવાઓની આડઅસર વિશે વાત કરતા ગાયકે જણાવ્યું કે, સ્નાયુઓને આરામ આપવા માટે તેમને જે હાઈ ડોઝ દવાઓ આપવામાં આવી છે, તેના કારણે તેમના ગળા પર અસર થઈ છે. લાઈવ શો પહેલાં અવાજમાં કર્કશતા અને ગળામાં દુખાવો થવો એ કોઈ પણ ગાયક માટે ચિંતાનો વિષય છે. પરંતુ, સોનુ નિગમે સ્પષ્ટ કર્યું છે કે ગમે તેટલી તકલીફ હોય, તેઓ આગામી કોન્સર્ટ રદ કરવાના મૂડમાં બિલકુલ નથી. તેઓ લાંબા સમય પછી સ્ટેજ પર આવી રહ્યા છે, તેથી ગમે તે થાય તેઓ પરફોર્મન્સ આપીને જ જંપશે.

ચાહકોએ સોનુ નિગમના સારા સ્વાસ્થ્યની કરી પ્રાર્થના

સોનુ નિગમનો આ વીડિયો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર તેમના ચાહકો સતત કમેન્ટ્સ કરી રહ્યા છે. ફેન્સ તેમના વ્યાવસાયિક જુસ્સાને બિરદાવી રહ્યા છે અને તેઓ ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. બોલીવુડનો આ ગાયક હંમેશા તેના ફેન્સ સાથે કનેકટ રહે છે. સોનુુ નિગમનો મેલોડીભર્યો અવાજ સાંભળવા ફેન્સના પ્લેલિસ્ટમાં તેના ગીતો મોખરે હોય છે.


આ પણ વાંચો : Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: