દુનિયાભરમાં પોતાની અનોખી એક્શન અને કોમેડીથી કરોડો લોકોના દિલ જીતનાર જેકી ચેન આજે એક અલગ જ કારણસર ચર્ચામાં છે. 71 વર્ષની ઉંમરે પહોંચેલા આ દિગ્ગજ એક્ટરે તાજેતરમાં પોતાની 'મોતની તૈયારી' વિશે જે વાત કહી છે, તેણે તેમના ચાહકોની આંખો ભીની કરી દીધી છે. બેઇજિંગમાં પોતાની નવી ફિલ્મ ‘અનએક્સપેક્ટેડ ફેમિલી’ના પ્રીમિયર દરમિયાન જેકી ચેને જીવન અને મૃત્યુ વિશેના ગંભીર વિચારો વ્યક્ત કર્યા હતા.

મોત પછી સંભળાશે જેકી ચેનનો અવાજ

જેકી ચેને ખુલાસો કર્યો છે કે તેમણે એક ખાસ ગીત રેકોર્ડ કર્યું છે, જે તેમની વિદાય પછી દુનિયા સામે લાવવામાં આવશે. તેમણે આ ગીતને પોતાનો ‘અંતિમ સંદેશ’ ગણાવ્યો છે. જેકીએ ભાવુક સ્વરે કહ્યું, “છેલ્લા કેટલાક વર્ષોમાં મેં મારા ઘણા નજીકના મિત્રોને ગુમાવ્યા છે, જેનાથી મને અહેસાસ થયો કે જે કહેવું હોય તે સમયસર કહી દેવું જોઈએ. મેં મારા જીવનના નિષ્કર્ષને આ ગીતમાં પરોવ્યો છે. મારું મેનેજમેન્ટ ઇચ્છે છે કે આ ગીત મારા ગયા પછી જ રિલીઝ થાય.” જ્યારે ચાહકોએ ગીતની એક કડી ગાવા વિનંતી કરી, ત્યારે જેકીએ મજાકમાં કહ્યું કે, જો હું ગાઈશ તો અત્યારે જ બધા રડવા લાગશે.

એક્શન હીરોમાંથી 'અભિનેતા' બનવાની સફર

જેકી ચેનની નવી ફિલ્મ ‘અનએક્સપેક્ટેડ ફેમિલી’ તેમની પારંપરિક ઈમેજ કરતા સાવ અલગ છે. આ ફિલ્મમાં તેઓ અલ્ઝાઇમરથી પીડિત એક વૃદ્ધ વ્યક્તિનો રોલ કરી રહ્યા છે. જેકી ચેને જણાવ્યું કે, “હવે હું ઈચ્છું છું કે દુનિયા મને માત્ર એક 'એક્શન સ્ટાર' તરીકે નહીં, પરંતુ એક 'અનુભવી અભિનેતા' તરીકે ઓળખે જેને કુંગ ફૂ પણ આવડે છે.” આ રોલ માટે તેમણે હોસ્પિટલમાં દર્દીઓનું નિરીક્ષણ કર્યું હતું જેથી તેઓ અલ્ઝાઇમર જેવી ગંભીર બીમારી પ્રત્યે જાગૃતિ ફેલાવી શકે.

માનવીય અભિગમ અને શાંતિનો સંદેશ

આ કાર્યક્રમમાં જેકી ચેને ગાઝાની સ્થિતિ પર પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે એક બાળકનો વિડીયો ટાંકતા કહ્યું કે, જ્યારે મેં સાંભળ્યું કે ત્યાંના બાળકો ક્યારેય મોટા થઈ શકતા નથી, ત્યારે મને સમજાયું કે આપણે કેટલા નસીબદાર છીએ કે આપણે ઘરડા થઈ રહ્યા છીએ.” જેકીની આ વાતોએ દર્શાવ્યું કે તેઓ માત્ર પડદા પરના હીરો નથી, પણ વાસ્તવિક જીવનમાં પણ એક અત્યંત સંવેદનશીલ વ્યક્તિ છે. જેકી ચેનનો આ ખુલાસો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, અને દુનિયાભરના ફેન્સ તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.


  • Follow us on: