સની દેઓલની એક્શન અને દેશભક્તિથી ભરપૂર ફિલ્મ બોર્ડર 2 એ બોક્સ ઓફિસ પર એવી ગર્જના કરી છે કે મોટા-મોટા રેકોર્ડ્સ ધરાશાયી થઈ રહ્યા છે. રિલીઝના પહેલા જ અઠવાડિયામાં આ ફિલ્મે સાબિત કરી દીધું છે કે દર્શકો આજે પણ 'તારા સિંઘ' અને 'મેજર કુલદીપ સિંઘ' ના અંદાજને કેટલો પ્રેમ કરે છે.
પહેલા અઠવાડિયાનું કલેક્શન
ફિલ્મે શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. પહેલા ત્રણ દિવસ એટલે કે વીકએન્ડમાં જ ફિલ્મે 130 કરોડ રૂપિયાની માતબર કમાણી કરી લીધી હતી. ત્યારબાદ સોમવારે રિપબ્લિક ડે (26 જાન્યુઆરી) ની રાષ્ટ્રીય રજાનો ફિલ્મને ભરપૂર ફાયદો મળ્યો. સોમવારના રેકોર્ડબ્રેક કલેક્શન બાદ મંગળવાર, બુધવાર અને ગુરુવારે પણ કમાણીમાં કોઈ મોટો ઘટાડો જોવા મળ્યો નથી. પરિણામે માત્ર સાત દિવસમાં ફિલ્મે અંદાજે 245 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન મેળવીને હિન્દી સિનેમામાં નવો ઈતિહાસ રચ્યો છે.
જૂના રેકોર્ડ્સને છોડ્યા પાછળ
બોર્ડર 2એ પોતાની રફ્તારથી ગયા વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મો જેવી કે ‘ધુરંધર’ અને ‘છાવા’ ના કલેક્શનને પાછળ છોડી દીધા છે. ટ્રેડ એક્સપર્ટ્સના મતે, સની દેઓલના કરિયરનું આ બીજું સૌથી મોટું ફર્સ્ટ વીક કલેક્શન છે. આ પહેલાં માત્ર ‘ગદર 2’ એ જ આ પ્રકારે લોકોને હચમચાવી નાખ્યા હતા.
300 કરોડની ક્લબે પહોંચવા તૈયાર
હવે ટ્રેડ એનાલિસ્ટ્સની નજર બીજા વીકએન્ડ પર છે. જોકે આ અઠવાડિયે કેટલીક નવી ફિલ્મો રિલીઝ થઈ છે, પરંતુ ‘બોર્ડર 2’ નો ક્રેઝ જોતા એવું લાગતું નથી કે તેને કોઈ ખાસ પડકાર મળે. અંદાજ છે કે બીજા વીકએન્ડમાં ફિલ્મ વધુ 55 થી 60 કરોડ ઉમેરી શકે છે. આ ગતિ જોતા, ફિલ્મ આવતા અઠવાડિયાની શરૂઆતમાં જ 300 કરોડ ક્લબમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી લેશે.
સની દેઓલનું શાનદાર કમબેક
એક સમયે જે ટીકાકારો સની દેઓલને આઉટ ઓફ ફોર્મ ગણતા હતા, તેમને 'ગદર 2' અને હવે 'બોર્ડર 2' એ જડબાતોડ જવાબ આપ્યો છે. 60 થી વધુની ઉંમરે પણ સની દેઓલનો સ્ટાર પાવર અને માસ અપીલ યુવા અભિનેતાઓ પર ભારે પડી રહી છે. થિયેટરોમાં વાગતી સીટીઓ અને તાળીઓ સાક્ષી પૂરે છે કે 'બોર્ડર 2' લાંબી રેસનો ઘોડો સાબિત થઈ રહી છે.
આ પણ વાંચોઃ Entertainment : કરણ જોહર અને જહાનવી કપૂરને લઈને સોશિયલ મીડિયામાં કેમ ચર્ચા, જાણો