'હેરા ફેરી' બોલીવુડની એક લોકપ્રિય કોમેડી ડ્રામા ફ્રેન્ચાઇઝ છે. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટીએ ધૂમ મચાવી ફેન્સના દિલ જીતી લીધા હતા. ત્યારે ફરી ફેન્સ 'હેરા ફેરી 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2000માં રિલીઝ થયેલી ફ્રેન્ચાઇઝની પહેલી ફિલ્મ 'હેરા ફેરી'ની કોમેડીએ સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ બન્યા હતા. હાલમાં સુનીલ શેટ્ટીએ આ મીમ્સની લોકપ્રિયતા પર પ્રતિક્રિયા આપી હતી અને પુષ્ટિ પણ કરી હતી કે પરેશ રાવલ સિક્વલમાં પરત ફરી રહ્યા છે.


સુનિલ શેટ્ટીએ પ્રિયદર્શનના કર્યા વખાણ

સુનિલ શેટ્ટી એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ફિલ્મના બધા જોક્સ પ્રિયદર્શને પોતે લખ્યા હતા. 'અમે પહેલા કેટલાક ઇમ્પ્રુવાઇઝેશન કરતા હતા પરંતુ આ બધા પ્રખ્યાત જોક્સ તેમણે લખ્યા છે. દરેક શબ્દ તેમણે લખ્યો છે. મેં પ્રિયદર્શન જેવો દિગ્દર્શક ક્યારેય જોયો નથી. કોમેડીના દૃષ્ટિકોણથી તે એ જુએ છે જે તમે અને હું સાંભળી કે જોઈ શકતા નથી. કોમેડીની દ્રષ્ટિએ તે પ્રતિભાશાળી છે.'

પરેશ રાવલની વાપસી કન્ફર્મ!

સુનિલ શેટ્ટીએ પણ પુષ્ટિ આપી કે પરેશ રાવલ 'હેરા ફેરી 3' માં પાછા આવી રહ્યા છે. 'હા, હા, તે આવી રહ્યા છે. હું ખૂબ જ ઉત્સાહિત છું. જેમ મેં કહ્યું હતું હું ફક્ત રિલીઝના દિવસે જ વાત કરીશ કારણ કે ખરાબ નજર હોય છે. ક્યારેક આપણને આપણી સારી ખરાબ નજર પણ લાગી જાય છે.' સુનીલ કહે છે કે આજની પેઢી તેમને તેમના નામથી નહીં પણ શ્યામના પાત્રથી ઓળખે છે. 'જો કોઈ માતા તેમના 8 વર્ષના બાળકને પૂછે કે શું તે મને ઓળખે છે, તો તે ઓળખતો નથી પરંતુ હેરા ફેરીનું નામ આવતાની સાથે જ તે સ્મિત કરે છે. લોકો મને હેરા ફેરીના શ્યામ તરીકે ઓળખે છે સુનીલ શેટ્ટી તરીકે નહીં. એક આખી પેઢી એવી છે જે મને મારા વાસ્તવિક નામથી ઓળખતી નથી.'

પરેશ રાવલ પ્રોજેક્ટમાંથી બહાર હતા

આ વર્ષની શરૂઆતમાં 'હેરા ફેરી 3' એ ચર્ચા આવી હતી જ્યારે પરેશ રાવલે ફિલ્મ છોડી દેવાની જાહેરાત કરી હતી. જોકે, થોડા દિવસો પહેલા તેમણે પુષ્ટિ આપી હતી કે તેઓ 'હેરા ફેરી 3'માં કામ કરી રહ્યા છે. પ્રિયદર્શને આ ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી લીધી છે. જો બધું બરાબર રહ્યું તો અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની 'હેરા ફેરી 3'નું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે.


  • Follow us on: