ગઝલ સમ્રાટ પંકજ ઉધાસે પોતાના મધુર અવાજથી ભારતીય સંગીત જગતમાં અનેક ગીતોને અમર બનાવ્યા છે. તેમનું ગાયેલું એક એવું ગીત છે જેને આજે પણ કોઈ અન્ય ગાયકના અવાજમાં કલ્પવું મુશ્કેલ લાગે છે, તે છે – 'ના કજરે કી ધાર'. પરંતુ શું તમે જાણો છો કે આ ગીત પંકજ ઉધાસે ગાયાના લગભગ ત્રણ દાયકા પહેલા જ રેકોર્ડ થઈ ચૂક્યું હતું? જો આ ગીત 1960ના દાયકામાં મુકેશજીના અવાજમાં રિલીઝ થયું હોત, તો સંગીતનો ઇતિહાસ કંઈક અલગ જ હોત. આજે જાણીએ સુપરહિટ સોન્ગ  'ના કજરે કી ધાર'...નો રસપ્રદ ઇતિહાસ. મુકેશજીનું ગીત કેવી રીતે પંકજ ઉધાસ પાસે આવ્યું અને બ્લોક બસ્ટર બન્યું.

1960માં રચાઈ હતી મૂળ ધૂન: મુકેશે આપ્યો હતો અવાજ

છેલ્લા ૩૦ વર્ષથી લોકોના દિલ પર રાજ કરી રહેલું આ સદાબહાર ગીત ખરેખર ૧૯૬૦ના દાયકામાં તૈયાર કરવામાં આવ્યું હતું. જાણીતી સંગીતકાર જોડી કલ્યાણજી-આનંદજીએ આ ધૂન બનાવી હતી અને તેને મહાન ગાયક મુકેશના અવાજમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. જે ફિલ્મ માટે આ ગીત રેકોર્ડ કરાયું હતું તે ફિલ્મ ક્યારેય પૂરી જ ન થઈ અને ગીત પણ કબાટના કોઈ ખૂણામાં બંધ થઈને રહી ગયું.

'મોહરા' ફિલ્મ દ્વારા પંકજ ઉધાસ સુધી પહોંચ્યું ગીત

આ જૂની ધૂન દાયકાઓ સુધી અપ્રકાશિત રહી. ત્યારબાદ 90ના દાયકામાં સંગીતકાર વિજુ શાહે (કલ્યાણજીના પુત્ર) આ અદ્ભુત ધૂનને પુનર્જીવિત કરવાનો નિર્ણય લીધો. વિજુ શાહે ડિરેક્ટર રાજીવ રાયની બ્લોકબસ્ટર ફિલ્મ 'મોહરા' (1994) માટે આ ધૂનનો ઉપયોગ કર્યો. આ ગીત માટે સંગીત કલ્યાણજીના પ્રિય પંકજ ઉધાસ અને સાધના સરગમની પસંદગી કરવામાં આવી. સુનીલ શેટ્ટી અને પૂનમ ઝાવર પર ફિલ્માવવામાં આવેલું આ ગીત રિલીઝ થતાં જ ચાર્ટબસ્ટર સાબિત થયું. આજે પણ વરસાદની સિઝન અને જયારે રોમેન્ટીક ગીતની વાત થાય ત્યારે લોકો જરૂર આ સોન્ગ પોતાના પ્લેલિસ્ટમાં સામેલ કરે છે.

'મોહરા' ફિલ્મના અન્ય સદાબહાર ગીતો

1994માં આવેલી 'મોહરા' ફિલ્મના તમામ ગીતોએ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી હતી. 'ના કજરે કી ધાર' ઉપરાંત આ ફિલ્મના "તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત" અને "ટિપ ટિપ બરસા પાની" જેવા ગીતો આજે પણ હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય ગીતોમાં ગણાય છે. દાયકાઓ પહેલા અધૂરું રહી ગયેલું એક ગીત કેવી રીતે ભાગ્યવશાત પંકજ ઉધાસ સુધી પહોંચ્યું અને સંગીત જગતનું રત્ન બની ગયું, તેની આ કહાની ખરેખર અદ્ભુત છે!


આ પણ વાંચો : Virat Kohli અને અનુષ્કા શર્મા ફરી ભારતમાં થશે શિફ્ટ? મુંબઈમાં ખરીદ્યું કરોડોનું આલીશાન એપાર્ટમેન્ટ