સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે, ડૉક્ટરનો પુત્ર ડૉક્ટર અને અભિનેતાનો દિકરો અભિનેતા જ બને છે. જોકે, હકીકતમાં એવું નથી હોતું. ઘણા લોકો અલગ રીતે પોતાના માતાપિતાનું નામ રોશન કરતા હોય છે. આવી જ રીતે એક ફિલ્મ અભિનેતાના પુત્રએ UPSCની પરીક્ષા ક્રેક કરીને IAS બન્યો છે. આ IAS અધિકારી ફિલ્મ અભિનેતાનો પુત્ર છે, જેણે ભણતરને પોતાનાનું જીવન બનાવ્યું અને ભારતની સૌથી મુશ્કેલ માનવામાં આવતી પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બન્યો છે.


સ્ટારકીડ બન્યો IAS અધિકારી

ફિલ્મ સ્ટારનો પુત્ર ફિલ્મ સ્ટાર બને તે હવે કોઈ નવાઈની વાત નથી. લગભગ દરેક ફિલ્મી સ્ટારના બાળકો તેમના માતા-પિતા જેમ જ ફિલ્મી સ્ટાર બનવાનું સપનું જોતા હોય છે. જેમાં કોઈ અભિનેતા બને છે, તો કોઈ ડાયરેક્ટર કે પ્રોડ્યુસર બને છે. આવામાં અમુક લોકો અલગ રીતે પોતાના માતાપિતાનું નામ રોશન કરે છે. આજે આપણે આવા જ એક સ્ટારકીડ વિશે જાણીશું. આ સ્ટારકીડને રીલ લાઈફમાં નહીં પણ રિયલ લાઈફમાં હીરો બનવાની પસંદગી કરી હતી. આ સ્ટારકીડ છે IAS અધિકારી શ્રુતંજય નારાયન. IAS શ્રુતંજય નારાયન પ્રખ્યાત તામિલ કોમેડિયન ચિન્ની જયંત એટલે કે કૃષ્ણમૂર્તિ નારાણયનો પુત્ર છે.

શ્રુતંજયે પોતાનું કરિયર જાતે પસંદ કર્યું

ચિન્ની જયંત તામિલ સિનેમાનું ખુબ જાણીતું નામ છે. 80ના દાયકામાં તેમણે રજનીકાંતની ઘણી ફિલ્મોમાં પોતાની કોમેડી દ્વારા લોકોને ખુબ હસાવ્યા છે. એક જમાનામાં દર્શકો તેમના વગર ફિલ્મ અધુરી સમજતા હતા. જોકે, તેમના પુત્ર શ્રુતંજયે પોતાનું કરિયર જાતે પસંદ કર્યું અને ફિલ્મજગતથી દૂર ભણતર પર વધારે ધ્યાન આપ્યું. તેમણે ભણતરના સહારે સૌથી મોખરાનું સ્થાન મેળવ્યું અને બની ગયા IAS અધિકારી.

કામ સાથે કરી તૈયારી

શ્રુતંજયે ચેન્નાઈની ગિંડી કોલેજ ઓફ એન્જિનિયરિંગથી ગ્રેજ્યુએશન કર્યું અને બાદમાં અશોકા યુનિવર્સિટીથી માસ્ટર કર્યું. જે બાદ તેમણે એક સ્ટાર્ટઅપ પર હાથ અજમાવ્યો હતો. તેમનું સપનું IAS અધિકારી બનવાનું હતું. જે કારણે તેમણે કામ કરવાની સાથે સાથે રોજ 4-5 કલાક તૈયારી કરવા વાંચતા હતા. તેઓ રાતની શિફ્ટમાં કામ કરતા હતા, જેથી તેઓ પોતાનો ખર્ચો ખુદ ઉઠાવી શકે. તેમણે પિતાના નામની છાયા હેઠળ જીવવા કરતા પોતાનો રસ્તો જાતે બનાવાનું નક્કી કર્યું.

આખરે મહેનત રંગ લાવી

સતત મહેનત સારા પરિણામ આપે છે. તેમને તેમની મહેનતનું પરિણામ 2015માં મળ્યું. જ્યારે તેમણે UPSC પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક 75 મેળવ્યો. આ તેમનો બીજો અટેમ્પ્ટ હચો. તેમણે સમાજશાસ્ત્રને પોતાનો વૈકલ્પિક વિષય પસંદ કર્યો અને ભૂગોળમાં ગહન રસ દાખવ્યો. હાલ શ્રુતંજય તમિલનાડુ ઈ-ગવર્નન્સ એજન્સીમાં જોઈન્ટ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે. આ અગાઉ તેઓ તિરુપુર જિલ્લાના સબ-કલેક્ટર હતા. તેઓ તમિલનાડુના તુતીકોરિનમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમની સક્સેસ સ્ટોરી શીખવે છે કે, માતાપિતા તમને નામ આપી શકે છે, પણ સફળતા તો તમારે તમારી મહેનતના જોરે જ મેળવવી પડશે.

  • Follow us on: