ભારતના રાજકારણમાં આજે ગરમાવો છે. બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈને મતગણતરી સવારથી જ શરૂ થઈ ગઈ છે. આજે 14 નવેમ્બરના દિવસે બિહારની રાજનીતિમાં મોટા બદલાવ જોવા મળી શકે. આ ચૂંટણી ફક્ત રાજનેતા નહીં પરંતુ ઇન્ડસ્ટ્રીના સિતારાઓ માટે પણ મહત્વની છે. કારણ કે મનોરંજન જગતની જાણીતી હસ્તીઓએ વિધાનસભા ચૂંટણીને લઈને બિહારમાં જોરદાર પ્રચાર કર્યો હતો. સિતારાઓના ભવિષ્યનો આજે થશે ફેંસલો.
મનોરંજન જગતના કલાકારોના ભાવિનો થશે ફેંસલો
આજે આ કલાકારોનું ભાગ્ય નક્કી થશે કે તેઓ રાજનીતિમાં જશે કે ફિલ્મીસ્તાનમાં રહેશે. બિહારની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. સૌની નજર સતત સામે આવતા ચૂંટણી પરિણામો પર છે. ત્યારે છપરા વિધાનસભા બેઠકને લઈને સૌથી વધુ ચર્ચા છે. કારણ કે આરજેડી ટિકિટ પર ચૂંટણી લડી રહેલા ખેસારીએ એટલા જોરશોરથી પ્રચાર કર્યો કે તેમની રેલીઓમાં ભીડ જોઈને તેમની જીત નિશ્ચિત મનાતી હતી. જયારે ભોજપુરી સ્ટાર્સ મનોજ તિવારી, રવિ કિશન અને પવન સિંહે તેમના મતવિસ્તારમાં તેમની વિરુદ્ધ ભારે પ્રચાર કર્યો છે.
શાસ્ત્રીય કલાકારોનો રાજકારણમાં પ્રવેશ
ભોજપુરી ગાયક રિતેશ પાંડે પણ આ વખતે રાજકારણમાં એન્ટ્રી કરી છે. તેમણે પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે. રિતેશ પાંડેએ બિહારના કરખાહાર વિધાનસભા મતવિસ્તારમાંથી પોતાના ઉમેદવારી નોંધાવી. રિતેશ પાંડેનું સુપરહિટ ગીત "હેલો કૌન" યુટ્યુબ પર 900 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે, જે તેને અત્યાર સુધીનું સૌથી વધુ જોવાયેલ ભોજપુરી ગીત બનાવે છે. જયારે લોક ગાયિકા મૈથિલી ઠાકુરે પણ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. મૈથિલી દરભંગાના અલીનગર વિધાનસભા મતવિસ્તારથી ચૂંટણી લડી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મૈથિલીને સમર્થન આપવા માટે વિસ્તારના એક ગામમાં રેલી યોજી હતી. જેના બાદ મૈથિલીની જીત નિશ્ચિત મનાઈ રહી છે.
ફેમસ કલાકારોના સંબંધી રાજકારણમાં પ્રવેશ
બિહારની ભાગલપુર બેઠક પણ વધુ ચર્ચામાં છે. કારણ કે બોલીવુડ અભિનેત્રી નેહા શર્માના પિતા અજિત શર્મા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. નેહા શર્માએ પોતાના પિતાને ટેકો આપવા અને મત માંગવા માટે ભાગલપુરમાં રોડ શોનું આયોજન કર્યું હતું. જયારે સ્વર્ગસ્થ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પિતરાઈ બહેન દિવ્યા ગૌતમે પણ રાજકારણમાં પ્રવેશ કર્યો. દિવ્યા ગૌતમને પટનાના દિઘા મતવિસ્તારમાંથી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી) દ્વારા ઉમેદવાર બનાવવામાં આવી છે. દિવ્યાએ ભાર મૂક્યો હતો કે જનતા નક્કી કરશે કે સિંહ રાજપૂત સાથે ન્યાય થયો કે નહીં. ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર પવન સિંહની પત્ની જ્યોતિ સિંહ કરકટ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહી છે.