સુપ્રીમ કોર્ટે બુધવારે મહાપ્રભુ જગન્નાથ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો. મામલે નિર્ણય સંભળાવતાં કોર્ટે કહ્યું કે અદાલતે કલા અને સર્જનાત્મકતાના માર્ગમાં અવરોધ ઊભો કરવો જોઈએ નહીં. ઓડિશા સરકારે એનિમેટેડ ફિલ્મ મહાપ્રભુ જગન્નાથની રિલીઝ પર રોક લગાવવાની માગ સાથે અરજી કરી હતી, પરંતુ કોર્ટે પોતાનો અગાઉનો આદેશ યથાવત રાખ્યો.

ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્નાની મહત્વપૂર્ણ ટિપ્પણી

સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્નાએ કહ્યું, જો આટલી સંવેદનશીલતા છે અને 2-3 લોકો રિટ અરજી દાખલ કરી રહ્યા છે, તો અમે એવો આદેશ આપી શકીએ કે ભારતમાં હિન્દુ દેવી-દેવતાઓ અથવા પૌરાણિક કથાઓ પર કોઈ પણ કલારચના જ બનાવવામાં ન આવે… દરેક વ્યક્તિની પોતાની સર્જનાત્મકતા હોય છે. જો અમે આવો આદેશ આપીશું, તો રામાયણ-મહાભારત બધું જ બંધ થઈ જશે. કોઈ પણ પ્રકારની કલા નહીં રહે, ટેલિવિઝન, સર્જનાત્મકતા, ચિત્રકામ, હિન્દુ દેવી કે દેવતાની મૂર્તિ પણ નહીં. જો તમે ઇચ્છતા હોવ તો અમે આવો આદેશ જાહેર કરી શકીએ. સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ મહાદેવને એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ આ ફિલ્મને પ્રમાણપત્ર આપ્યું છે.

17 જુલાઈએ આપ્યો હતો આ આદેશ

સુપ્રીમ કોર્ટે 17 જુલાઈની સુનાવણી દરમિયાન ફિલ્મની રિલીઝ પર રોક લગાવી હતી. તે સમયે કોર્ટે નિર્ણયમાં નિર્માતાઓને કહ્યું હતું કે રથયાત્રા બાદ ફિલ્મ રિલીઝ કરવામાં આવે. રથયાત્રા 16 જુલાઈથી 27 જુલાઈ સુધી ચાલી હતી. કોર્ટે 28 જુલાઈ અથવા ત્યારબાદ ફિલ્મની રિલીઝને મંજૂરી આપી હતી. જોકે, હવે ઓડિશા સરકારની અરજી પર ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ના અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની ખંડપીઠે 17 જુલાઈના પોતાના આદેશમાં ફેરફાર કરવાનો ઇનકાર કરી દીધો.

હાઈકોર્ટે લગાવી હતી રોક, સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત

હાઈકોર્ટે ભગવાન જગન્નાથ ફિલ્મની રિલીઝ પર રોક લગાવી હતી. આ મામલે રાહત મેળવવા માટે એલે એનિમેશન પ્રાઇવેટ લિમિટેડએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તે સમયે કોર્ટે નિર્માતાઓને રાહત આપી હતી. ત્યારબાદ ફરીથી ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે ઓડિશા સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી, જ્યાંથી તેને ઝટકો લાગ્યો છે.

આ પણ વાંચો-Indian Cinema : પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ટોપ 7 ફિલ્મો, આ મૂવી સામે ધુરંધર 2 અને બાહુબલી પણ ફેલ!