મુંબઈમાં ફિલ્મો અને મનોરંજન પાછળ ખર્ચ કરતા લોકો માટે મોટો ફેરફાર આવી શકે છે. BMCએ એન્ટરટેઇનમેન્ટ ટેક્સના દરોમાં મોટો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો આ દરખાસ્તને મંજૂરી મળે તો કેટલીક કેટેગરીમાં ટેક્સમાં 570% સુધીનો વધારો થઈ શકે છે.

₹60માંથી સીધા ₹400?

સૌથી મોટો ફેરફાર AC સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સ માટે સૂચવાયો છે. હાલ ₹60નો પ્રતિ ટિકિટ એન્ટરટેઇનમેન્ટ ટેક્સ છે, જેને વધારીને ₹400 કરવાની દરખાસ્ત છે. એટલે કે હાલના દરની સરખામણીમાં આશરે 570%નો વધારો થઇ શકે છે

સિનેમા જોવા જશો તો ખિસ્સા પર કેટલો ભાર?

નોન-AC સિનેમા માટે પણ ટેક્સ ₹45થી વધારીને ₹200 કરવાની દરખાસ્ત છે. જો નવા દર લાગુ થાય અને તેનો ખર્ચ ટિકિટમાં સામેલ કરવામાં આવે તો દર્શકોને ફિલ્મ જોવા માટે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે.

કોન્સર્ટમાં પણ નડશે ભાવવધારો

લાઇવ મ્યુઝિક કોન્સર્ટ અને નાટકો જેવા પરફોર્મિંગ આર્ટ્સ કાર્યક્રમો માટેનો ટેક્સ ₹50થી વધારીને ₹100 કરવાની દરખાસ્ત છે. અન્ય મનોરંજન કાર્યક્રમો માટે ₹25થી વધારીને ₹75 કરવાની દરખાસ્ત છે.

હવે મિની થિયેટર પર પણ નવો ચાર્જ?

મિની થિયેટર અને વીડિયો પ્રદર્શન કરતા સ્થળો માટે પ્રતિ ટિકિટ ₹90નો નવો ટેક્સ લાવવાનો પ્રસ્તાવ છે. અગાઉ આ કેટેગરી પર આ પ્રકારનો ટેક્સ લાગતો નહોતો.

ગુજરાતી-મરાઠી ફિલ્મો માટે મોટી છૂટ

પ્રસ્તાવમાં પ્રાદેશિક સિનેમા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતી અને મરાઠી ફિલ્મો, નાટકો અને કોન્સર્ટ રજૂ કરતા થિયેટર તથા મલ્ટિપ્લેક્સ માટે 100% ટેક્સ માફીની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

પરંતુ અત્યારે ટિકિટ મોંઘી થઈ નથી

મહત્વની વાત એ છે કે આ હજુ માત્ર પ્રસ્તાવ છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગની મંજૂરી અને સત્તાવાર જાહેરાત બાદ જ નવા દર લાગુ થઈ શકે છે. એટલે હાલ જૂના દર જ અમલમાં છે.

હવે નજર મંજૂરી પર

જો પ્રસ્તાવ મંજૂર થાય તો મુંબઈના સિનેમા, કોન્સર્ટ અને અન્ય મનોરંજન કાર્યક્રમોના ખર્ચ પર તેની અસર પડી શકે છે. ખાસ કરીને ₹60થી ₹400 સુધીનો પ્રસ્તાવિત ફેરફાર ચર્ચાનો સૌથી મોટો મુદ્દો બન્યો છે.  


આ પણ વાંચો  :    Delhi: સલવાર ઉતારવાનો પ્રયાસ ‘રેપ એટેમ્પ્ટ’ નહીં? સુપ્રીમ કોર્ટે પૂછ્યા ગંભીર સવાલ