પટના હાઈકોર્ટના એવા ચુકાદા પર સુપ્રીમ કોર્ટે સુઓ મોટો સંજ્ઞાન લીધું છે, જેમાં મહિલાની સલવાર ઉતારવાનો પ્રયાસ અને તેની છાતી દબાવી છેડતી કરવાના કૃત્યને રેપના પ્રયાસ તરીકે ન ગણવામાં આવ્યું હતું. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી 3 જજોની બેન્ચે કહ્યું કે હાઈકોર્ટના ચુકાદામાં કેટલીક ‘વાંધાજનક ટિપ્પણીઓ’ છે.
સુપ્રીમ કોર્ટે જાતે જ કેસ હાથમાં લીધો
23 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે આ મામલે સુઓ મોટો કાર્યવાહી શરૂ કરી છે. બેન્ચમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંત સાથે જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાનો સમાવેશ થાય છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સમગ્ર મામલાના તથ્યોની તપાસ કરવામાં આવશે.
‘આરોપીને સાંભળ્યા વગર ચુકાદો રદ નહીં કરી શકાય’
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે આરોપીને સાંભળ્યા વિના હાઈકોર્ટનો ચુકાદો રદ કરી શકાય નહીં. બિહારના એડવોકેટ જનરલ એસ.ડી. સંજયને આરોપી સુધી નોટિસ પહોંચે તે સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે.
પટના HCનો ચુકાદો શું હતો?
9 જુલાઈ, 2026ના ચુકાદામાં પટના હાઈકોર્ટે એક આરોપીની અપીલ મંજૂર કરી હતી. મામલો 2008માં બિહારના બાંકા જિલ્લાનો હતો. આરોપ હતો કે ફોટો પડાવવા માટે પિતા સાથે સ્ટુડિયોમાં આવેલી મહિલાના પિતાને બહાર રાહ જોવા કહી આરોપીએ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.
છેડતી કરવાનો આરોપ લાગ્યો
ત્યારબાદ મહિલાની સલવાર ઉતારવાનો પ્રયાસ અને તેની છાતી દબાવી છેડતી કરવાનો આરોપ લાગ્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતાં તેના પિતાએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો અને આરોપી ત્યાંથી ભાગી ગયો હોવાનો કેસ હતો.
હાઈકોર્ટે રેપ એટેમ્પ્ટ કેમ ન ગણ્યો?
પટના હાઈકોર્ટે કહ્યું હતું કે આ કૃત્યો મહિલાની ગરિમા ભંગ કરવાના ગુનાની શ્રેણીમાં આવી શકે છે, પરંતુ રેપના પ્રયાસ માટે રેપ કરવાની સ્પષ્ટ અને નિશ્ચિત મંશા દર્શાવતું કૃત્ય સાબિત થતું નથી. હાઈકોર્ટે IPCની કલમ 376 સાથે 511 હેઠળની સજા રદ કરીને મામલાને કલમ 354 હેઠળ ગણ્યો હતો.
આ પહેલાં પણ આવો જ મામલો SCમાં પહોંચ્યો હતો
સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મુદ્દો એવા સમયે ઉઠ્યો જ્યારે કોર્ટ પહેલાથી જ અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદા અંગે સુઓ મોટો કાર્યવાહી કરી ચૂકી હતી. તે કેસમાં સગીર બાળકી સાથેના જાતીય હુમલાના કૃત્યોને રેપના પ્રયાસ તરીકે ન ગણવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2026માં સુપ્રીમ કોર્ટે તે હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો હતો અને જાતીય ગુનાઓ સાથે જોડાયેલા કેસોમાં ન્યાયિક પ્રક્રિયામાં સંવેદનશીલતા અને સહાનુભૂતિપૂર્ણ અભિગમ અંગે માર્ગદર્શિકા તૈયાર કરવાની દિશામાં પગલાં લીધાં હતાં.
હવે સુપ્રીમ કોર્ટમાં શું થશે?
હાલ સુપ્રીમ કોર્ટે માત્ર સંજ્ઞાન લીધું છે. આરોપીને નોટિસ આપી તેનો પક્ષ સાંભળ્યા બાદ જ હાઈકોર્ટના ચુકાદા અંગે આગળનો નિર્ણય લેવાશે. એટલે સુપ્રીમ કોર્ટે હાલ પટના હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો નથી.
આ પણ વાંચો : Vav-Tharad: ‘ગુજ્જુ લવ ગુરુ’ મોત કેસમાં FIR બાદ સસ્પેન્સ વધ્યું, સામે આવી અકસ્માતની નવી કડી