ફોરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઓફિસ દ્વારા બોલિવૂડ અભિનેતા ઈમરાન ખાનને આપવામાં આવેલી લીવ ઈન્ડિયા નોટિસ સામે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન અભિનેતાએ અદાલતને વચન આપ્યું હતું કે તેઓ ભવિષ્યમાં કોઈ પણ પ્રદર્શનમાં સામેલ નહીં થાય. મુખ્ય ન્યાયાધીશ એમ.સી. ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની પીઠે આ નોટિસ પર અગાઉ રોક લગાવી હતી.
વિરોધ પ્રદર્શનકારી સંગઠન સાથે કોઈ લેવાદેવા નથી
અદાલતી સુનાવણી દરમિયાન ઈમરાન ખાન વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વેંકટેશ ધોંડે અરજીનો સંદર્ભ આપતાં જણાવ્યું કે અભિનેતાને કોઈ પણ વિરોધ પ્રદર્શનકારી સંગઠન સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે દલીલ કરી હતી કે આ મામલે તેમની કોઈ પૂછપરછ કરવામાં આવી નથી કે કોઈ સમન્સ પણ પાઠવવામાં આવ્યું નથી, તેમજ કેસમાં લાગેલી તમામ કલમો જામીનપાત્ર છે.
અભિનેતા વિરુદ્ધ પૂરતા પુરાવા મોજૂદ
બીજી તરફ રાજ્ય સરકારના વકીલે કોર્ટ સમક્ષ સ્પષ્ટ કર્યું કે આ પ્રકરણમાં વિધિવત એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. એફઆરઆરઓ તરફથી પેશ થયેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે અદાલતને જણાવ્યું કે તેમની પાસે અભિનેતા વિરુદ્ધ પૂરતા પુરાવા મોજૂદ છે, જે તેઓ કોર્ટમાં રજૂ કરી શકે છે. તેમણે કોર્ટનું ધ્યાન દોર્યું કે અરજદાર ભલે વિરોધ સાથે સંબંધ ન હોવાનો દાવો કરે, પરંતુ સોશિયલ મીડિયા પર તેમના લાખો ફોલોઅર્સ છે અને ત્યાં મૂકવામાં આવેલી પોસ્ટ્સ તેમજ અપલોડ કરાયેલું કન્ટેન્ટ ગંભીર છે. અભિનેતાએ આ મામલે એક ઇન્ટરવ્યુ પણ આપ્યો હતો, જે અરજી સાથે રજૂ કરાયો નથી.
તેમનું સમગ્ર જીવન ભારતમાં જ વીત્યું છે
અભિનેતાના વકીલે અદાલતને જણાવ્યું હતું કે તેમની પાસે અમેરિકન પાસપોર્ટ અને ઓસીઆઈ કાર્ડની નકલ છે. તેમનો જન્મ અમેરિકામાં થયો હોવાથી ત્યાંનું નાગરિકત્વ છે, પરંતુ તેમનું સમગ્ર જીવન ભારતમાં જ વીત્યું છે. અગાઉ તેમની પાસે પીઆઈઓ કાર્ડ હતું અને તેઓ બાળપણથી જ અહીં રહ્યા છે, અહીં જ લગ્ન કર્યા છે તેમજ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.
કોઈ પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ નહીં થાય
તેમણે વધુમાં જણાવ્યું કે પ્રદર્શનકારી સંસ્થામાં ગાંધીજીના વંશજ સહિત અનેક લોકો સામેલ હતા, તેમ છતાં અભિનેતા ભવિષ્યમાં કોઈ પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ નહીં થવા અદાલતમાં અંડરટેકિંગ આપવા સંપૂર્ણપણે તૈયાર છે.
ભારતીય નાગરિક જેવો વ્યવહાર કરી શકો નહીં
બીજી તરફ આ મામલે બોમ્બે હાઈકોર્ટે કડક વલણ અપનાવતા જણાવ્યું કે આક્ષેપો અત્યંત ગંભીર છે. તમે એક ઓસીઆઈ કાર્ડ ધારક છો અને ભારતીય નાગરિક જેવો વ્યવહાર કરી શકો નહીં. તમને એસઆઈઆર બાબતે કંઈ પણ બોલવાનો કે પ્રદર્શનમાં ભાગ લેવાનો કોઈ અધિકાર નહોતો.
ભારતીય નાગરિકત્વ કેમ સ્વીકારતા નથી?
બેન્ચે સવાલ કર્યો કે જો તમે બાળપણથી અહીં રહો છો અને બોલિવૂડ સ્ટાર બની ચૂક્યા છો, તો પછી ભારતીય નાગરિકત્વ કેમ સ્વીકારતા નથી? વકીલે આ અંગે સૂચના મેળવવાની ખાતરી આપી હતી, જ્યારે કોર્ટે આદેશ આપ્યો કે ઓસીઆઈ કાર્ડ ધારક હોવાના નાતે તેમણે અદાલતમાં લેખિત અંડરટેકિંગ આપવું પડશે.
આ પણ વાંચો : Crime : પરિવારના 4 સભ્યોની હત્યા કરી મોભીએ ટ્રેન સામે ઝંપલાવી આપઘાત કર્યો