તેલુગુ સુપરસ્ટાર જૂનિયર NTR હાલમાં પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં છે. એક્ટરે આ પોસ્ટ દ્વારા દેવરા: પાર્ટ 1માં જાહ્નવી કપૂર સાથેના પોતાના જાણીતા ગીત ચુટ્ટામલ્લેના વિઝ્યુઅલ્સ સાથે છેડછાડ કરીને બનાવેલા AI-જનરેટેડ વીડિયો સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે મોર્ફ્ડ અને AI જનરેટેડ વીડિયોને ઘૃણાસ્પદ ગણાવતા વીડિયો સાથે ચેડાં કરનારાઓને ચેતવણી પણ આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ આ વીડિયો પાછળ રહેલા અને તેને ફેલાવનારા લોકો સામે કાનૂની પગલાં લઈ શકે છે.

મોર્ફ્ડ AI-જનરેટેડ વીડિયો પર જૂનિયર NTR ગુસ્સે થયા

જૂનિયર NTRએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ક્લિપ પર પ્રતિક્રિયા આપતાં એક લાંબી પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ખોટા ઉપયોગ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. વીડિયોને ઘૃણાસ્પદ અને શરમજનક ગણાવતાં એક્ટરે સવાલ ઉઠાવ્યો કે કોઈ સ્ત્રી સાથે જોડાયેલું આવું વાંધાજનક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ આ બાબતને જતી નહીં કરે અને આના માટે જવાબદાર લોકો સામે કાનૂની પગલાં લેશે.
Jr NTR, Janhvi Kapoor (2)

જૂનિયર NTRની ચેતવણી

એક્ટરે મોર્ફ્ડ વીડિયો પાછળના લોકોને કડક ચેતવણી આપતાં લખ્યું કે, ઘૃણાસ્પદ, બીમાર માનસિકતાવાળું અને શરમજનક. જે દેશમાં સ્ત્રીઓને માતાનો દરજ્જો આપવામાં આવે છે અને દેવી તરીકે પૂજવામાં આવે છે, એક એવો દેશ જ્યાં માતૃદેવો ભવ માત્ર એક કહેવત નથી પણ આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે, ત્યાં કેટલાક લોકો એટલી હદે નીચે પડી ગયા છે કે તેઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એક સ્ત્રીનું ખૂબ જ અપમાનજનક રીતે અનાદર કરી રહ્યા છે. AI નો ઉપયોગ કરીને આવી ગંદી બાબત બનાવવી ખૂબ જ શરમજનક અને દુઃખદ છે.
Jr NTR, Janhvi Kapoor (1)

ફેન્સને કરી ખાસ અપીલ

પોતાની પોસ્ટમાં જૂનિયર NTRએ આવા વીડિયો અને કન્ટેન્ટને પ્રોત્સાહન ન આપવાની પણ અપીલ કરી છે. પોતાની પોસ્ટમાં તેમણે આગળ લખ્યું કે, 'ચુટ્ટામલ્લે' ગીતના આ AI-મોર્ફ્ડ વીડિયો પાછળ જે પણ લોકો છે, હું તેમાંથી કોઈને પણ છોડીશ નહીં. હું આ વીડિયો બનાવનારા અને તેને ફેલાવનારા તમામ લોકો સામે શક્ય તેટલા તમામ કાનૂની પગલાં લઈશ. કૃપા કરીને આવા કન્ટેન્ટને જોશો નહીં, શેર ન કરશો અને તેના પર કોઈ પ્રતિક્રિયા પણ આપશો નહીં. આજે આ બીજી સ્ત્રી સાથે થઈ રહ્યું છે, કાલે તમારી માતા, બહેન, પત્ની કે દીકરી સાથે થઈ શકે છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. હું તમામ રાજ્ય સરકારો અને ભારત સરકારને અપીલ કરું છું કે તેઓ આ રીતે AI નો દુરુપયોગ ન થવા દે અને તેની સામે કડક પગલાં ભરે તેમજ કડક નિયમો લાગુ કરે.

દેવરા: પાર્ટ 1નું ચુટ્ટામલ્લે ગીત

ચુટ્ટામલ્લે ગીત વર્ષ 2024 માં રિલીઝ થયેલી ફિલ્મ દેવરા: પાર્ટ 1નું છે. આ તેલુગુ ફિલ્મમાં જૂનિયર NTR અને જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે અને સૈફ અલી ખાને વિલનનો રોલ ભજવ્યો છે. ફિલ્મની વાર્તા કોરાટાલા સિવાએ લખી છે અને ફિલ્મનું ડિરેક્શન પણ તેમણે જ કર્યું છે. ગીતની વાત કરીએ તો આ ગીત શિલ્પા રાવે તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં ગાયું છે. હાલના દિવસોમાં જૂનિયર NTR પોતાના ખભાની ઈજાને લઈને પણ ચર્ચામાં રહ્યા હતા. ઓગસ્ટમાં જ અભિનેતાના ખભાની સર્જરી થઈ હતી, જે પછી તેમણે હેલ્થ અપડેટ શેર કરીને જણાવ્યું હતું કે તેમને રિકવરીમાં 2 થી 3 મહિના જેટલો સમય લાગી શકે છે.

આ પણ વાંચો-Bollywood : માયાનગરી મુંબઈ છોડી પહાડોમાં શિફ્ટ થઈ ગઈ યામી ગૌતમ! પતિ આદિત્ય ધર સાથે હિમાચલમાં વસાવ્યું ડ્રીમ હોમ!