બોલીવુડમાં અઢી દાયકાથી પોતાની એક્ટિંગનો દમ બતાવનાર અભિનેત્રી કરીના કપૂર ખાન આજે કોઈ ઓળખની મોહતાજ નથી. તેણે પોતાની અલગ-અલગ પાત્રો ભજવવાની કળા અને શાનદાર એક્ટિંગથી કરોડો દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. પરંતુ સફળતાના આ મુકામ પર પહોંચ્યા પછી પણ તેના જીવનમાં એક એવી કમી રહી ગઈ છે, જેને લઈને તે ઘણીવાર ભાવુક થઈ જાય છે. નાની ઉંમરમાં જ ફિલ્મી દુનિયામાં જોડાઈ જવાના કારણે તેણે સ્કૂલનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો અને આ વાત આજે પણ તેને ખાલીપાનો અહેસાસ કરાવે છે.

કિશોરાવસ્થામાં લીધો હતો અભ્યાસ છોડવાનો નિર્ણય

એક ઈન્ટરવ્યૂમાં પોતાના શરૂઆતના જીવન વિશે વાત કરતાં અભિનેત્રીએ સ્વીકાર્યું કે 11મા ધોરણ પછી તેણે અભ્યાસ આગળ વધાર્યો નહોતો. તે સમયે તેનું સંપૂર્ણ ધ્યાન એક્ટિંગની દુનિયામાં પોતાને સાબિત કરવા પર હતું. તેણે જણાવ્યું કે એ ઉંમરે પોતાના સપના પૂરા કરવા અને મનની વાત સાંભળવાનો ઉત્સાહ એટલો વધારે હતો કે અભ્યાસ આગળ વધારવાની તક હોવા છતાં તેણે તેનાથી દૂર રહેવાનું પસંદ કર્યું. જોકે, ઉંમર અને અનુભવ વધવાની સાથે હવે તેને સમજાય છે કે ડિગ્રી અને ઔપચારિક શિક્ષણ માત્ર કાગળ પૂરતું નથી, પરંતુ તે વ્યક્તિના વ્યક્તિત્વને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અભિનેત્રી માને છે કે તેમણે પોતાના સપના પૂરા કર્યા, પરંતુ વ્યવસ્થિત શિક્ષણથી દૂર રહેવું તેના જીવનનો એવો અધૂરો ભાગ છે, જેને તેઓ બદલી શક્યા હોત.
Kareena Kapoor (8)

પહેલા શિક્ષણ, પછી કરિયર

પોતાના આ અનુભવમાંથી શીખ લઈને અભિનેત્રી હવે પોતાના બાળકોના ઉછેરને લઈને ખૂબ ગંભીર છે. તે ઈચ્છે છે કે તેના બાળકો તૈમુર અને જેહ તેની જેવી ભૂલ ન કરે. તેનું સ્પષ્ટ માનવું છે કે જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં કરિયર બનાવતા પહેલાં મજબૂત શૈક્ષણિક પાયો હોવો ખૂબ જરૂરી છે. તે પોતાના દીકરાઓને હંમેશા શીખવે છે કે પહેલા સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ પૂરા ધ્યાનથી પૂર્ણ કરો અને ત્યારબાદ જ કલા કે અન્ય કોઈ ક્ષેત્રમાં કરિયર બનાવવાનું વિચારો. તેના મતે શિક્ષણ વ્યક્તિને યોગ્ય નિર્ણય લેવાની સમજ અને માનસિક પરિપક્વતા આપે છે.
https://www.instagram.com/p/DctLbswCH4r/?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

દીકરીઓના શિક્ષણ માટે પણ કરીના કરે છે કામ

પોતાના જીવનમાં અભ્યાસ અધૂરો રહી ગયાનો અફસોસ જ તેને સામાજિક કાર્યો સાથે વધુ ઊંડાણથી જોડતો ગયો. છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી તેઓ બાળકો અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણ માટે કામ કરતી સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. જ્યારે તેને દેશભરમાં દીકરીઓના શિક્ષણ અને સ્ત્રી-પુરુષ સમાનતાના સમર્થનમાં આગળ આવવાની તક મળી, ત્યારે તેણે તેને ખુશીથી સ્વીકારી. તેનું માનવું છે કે જ્યાં સુધી દેશની દરેક દીકરીને ગુણવત્તાયુક્ત અને સમાન શિક્ષણનો અધિકાર નહીં મળે, ત્યાં સુધી સમાજનો સંપૂર્ણ વિકાસ શક્ય નથી. પોતાના જીવનના આ અફસોસને હવે તે લાખો દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરવાની પ્રેરણા બનાવી રહી છે.

દાયરામાં પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે કરીના

2000માં ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર કરીનાએ ખૂબ નાની ઉંમરમાં એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. પોતાની પહેલી જ ફિલ્મથી તેણે પોતાની અલગ ઓળખ બનાવી અને થોડા જ સમયમાં હિન્દી સિનેમાની ટોચની અભિનેત્રીઓમાં સામેલ થઈ ગયા. હવે તે મેઘના ગુલઝારના ડાયરેક્શનમાં બની રહેલી વાસ્તવિક ઘટનાઓ પર આધારિત ક્રાઇમ-થ્રિલર ફિલ્મ દાયરામાં પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સાઉથના જાણીતા અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન પણ મુખ્ય ભૂમિકામાં છે. કોઈ વ્યાવસાયિક ગીતો વગરની આ ગંભીર ફિલ્મ 18 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

આ પણ વાંચો-Laalo Remake : ગુજરાતી બ્લોકબસ્ટર લાલો ફિલ્મના તેલુગુ રીમેકમાં શ્રીકૃષ્ણ બનશે વિજય દેવરકોંડા?