બોલીવુડના દમદાર અભિનેતા કાર્તિક આર્યનની વર્ષ 2026માં એક પણ ફિલ્મ અત્યાર સુધી રિલીઝ થઈ નથી અને આગળ પણ રિલીઝ થવાની નથી. પરંતુ, વર્ષ 2027માં તે એક પછી એક ત્રણ ફિલ્મો લઈને આવવા જઈ રહ્યો છે. તેની બે ફિલ્મો વિશે ફેન્સને પહેલાંથી જ જાણ છે, જ્યારે હવે ત્રીજી ફિલ્મની રિલીઝ ડેટની પણ સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે.
કાર્તિક આર્યનની લડાકુની રિલીઝ ડેટ થઈ જાહેર
કાર્તિક આર્યન પાસે પહેલાંથી જ નાગઝિલા અને અનુરાગ બાસુની એક અનટાઈટલ્ડ ફિલ્મ છે. આ બંને ફિલ્મો આવતા વર્ષે સિનેમાઘરોમાં આવવાની છે. તેવામાં હવે અભિનેતાની નવી ફિલ્મ લડાકુની રિલીઝ ડેટ પણ સામે આવી ચૂકી છે. ચંદુ ચેમ્પિયન પછી કાર્તિક ફરી એકવાર ડિરેક્ટર કબીર ખાન સાથે કામ કરતો જોવા મળશે. આ ફિલ્મ 18 જૂન 2027ના રોજ રિલીઝ થશે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ કિક બોક્સર તજામુલ ઇસ્લામના જીવનથી પ્રેરિત છે.

લડાકુ પહેલાં રિલીઝ થશે અનુરાગ બાસુની ફિલ્મ
લડાકુ પહેલાં કાર્તિક આર્યનની અનટાઈટલ્ડ ફિલ્મ રિલીઝ થશે, જેને અનુરાગ બાસુ ડિરેક્ટ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલાં જ મેકર્સે એક તસવીર શેર કરીને માહિતી આપી હતી કે આ ફિલ્મ 30 એપ્રિલ 2027ના રોજ રિલીઝ થશે. આ એક રોમેન્ટિક ફિલ્મ છે, જેમાં કાર્તિકની જોડી સાઉથ એક્ટ્રેસ શ્રીલીલા સાથે જામશે.

2027માં સૌથી પહેલાં આવશે નાગઝિલા
વર્ષ 2027માં કાર્તિકની સૌથી પહેલી ફિલ્મ નાગઝિલા રિલીઝ થશે. જેમાં તે એક ઈચ્છાધારી નાગના રોલમાં જોવા મળવાનો છે. આ એક ફેન્ટસી કોમેડી ફિલ્મ છે, જેનું ડિરેક્શન મૃગદીપ સિંહ લાંબાએ કર્યું છે. જ્યારે આ ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહર અને મહાવીર જૈન છે. ફિલ્મમાં રવિ કિશન પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
https://www.instagram.com/p/DWEB06BiPw0/?utm_source=ig_web_copy_link&dlrf=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==
ચંદુ ચેમ્પિયન માટે જીત્યો હતો નેશનલ એવોર્ડ
કાર્તિકની આ ત્રણેય ફિલ્મો વર્ષ 2027માં ફેબ્રુઆરીથી જૂન વચ્ચે એટલે કે માત્ર પાંચ મહિનાના ગાળામાં રિલીઝ થવાની છે. કાર્તિક છેલ્લે ફિલ્મ તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરીમાં જોવા મળ્યો હતો. આ અગાઉ તેની ફિલ્મ ચંદુ ચેમ્પિયન આવી હતી, જેના ઉત્કૃષ્ટ અભિનય માટે કાર્તિકે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ પોતાના નામે કર્યો હતો.
આ પણ વાંચો-Ramayana Review : રામની મર્યાદા, રાવણનો અહંકાર અને સીતાની શક્તિ…નિતેશ તિવારીએ મોટા પડદા પર રચી ભવ્ય દુનિયા!