નિતેશ તિવારી દિગ્દર્શિત ફિલ્મ રામાયણ ભારતીય મહાકાવ્યને અત્યંત ભવ્ય પાયે અને આધુનિક ટેકનિક સાથે મોટા પડદા પર રજૂ કરવાનો એક મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે. જાણીતી પૌરાણિક કથા હોવા છતાં, આ ફિલ્મ લાગણીઓ, મર્યાદા અને સત્તાના સંઘર્ષને નવા પરિમાણ સાથે દર્શાવીને શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે.

સ્ટોરીલાઇન: રાવણના ઉદયથી સીતાહરણ સુધી

ફિલ્મની સ્ટોરી વાલ્મીકિ રામાયણ પર આધારિત છે. શરૂઆતના ભાગમાં દેવ-દાનવ સંઘર્ષ અને પોતાની તપસ્યા તેમજ મહત્ત્વાકાંક્ષાથી ત્રણેય લોક પર આધિપત્ય જમાવનાર રાવણના ઉદયને મોટા પાયે દર્શાવવામાં આવ્યો છે. બીજી તરફ, અયોધ્યામાં ભગવાન રામનો જન્મ, શિક્ષણ, તાડકા વધ, અહલ્યા ઉદ્ધાર અને સીતા સ્વયંવર જેવા પ્રકરણો આગળ વધે છે. કૈકેયીના વચન પાલન માટે રામનો વનવાસ સ્વીકારવો, સીતા અને લક્ષ્મણનું તેમની સાથે જવું અને ત્યારબાદ શૂર્પણખાના પ્રકરણ પછી રાવણ દ્વારા સીતાનું હરણ થવા સુધીની ઘટનાઓ આ પહેલા ભાગમાં વિગતવાર વણી લેવામાં આવી છે.

Ramayana_ Part 1, Ranbir Kapoor

દિગ્દર્શન અને વિઝ્યુઅલ વૈભવ

પૌરાણિક તથ્યો કે લોકોની ભાવનાઓ સાથે છેડછાડ કર્યા વિના સ્ટોરીને તેના મૂળ સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ માત્ર યુદ્ધ કે ભપકા પૂરતી સીમિત નથી, પરંતુ પાત્રો વચ્ચેના સંબંધો અને સંવાદોને પણ પૂરતી જગ્યા આપે છે. અયોધ્યાની શાંતિ અને લંકાના સુવર્ણ વૈભવને DNEG ના આકર્ષક VFX તથા શાનદાર સિનેમેટોગ્રાફી દ્વારા જીવંત કરાયા છે. એ.આર. રહેમાન અને હંસ ઝિમરનું પૃષ્ઠભૂમિ સંગીત અને ગીતો ફિલ્મની દિવ્યતા અને નાટકીયતામાં અનેકગણો વધારો કરે છે.

Ramayana Advance Booking (3)

દમદાર અભિનય અને પ્રભાવ

ભગવાન રામના પાત્રમાં શાંતિ, કરુણા, સંયમ અને ગરિમા જોવા મળે છે. સામે પક્ષે રાવણનું પાત્ર અત્યંત શક્તિશાળી, પ્રભાવશાળી સ્ક્રીન પ્રેઝન્સ અને અહંકાર સાથે પડદા પર છવાઈ જાય છે. સીતાનું પાત્ર ખૂબ જ સ્વાભાવિક, સંવેદનશીલ અને આત્મવિશ્વાસથી ભરપૂર લાગે છે. આ ઉપરાંત લક્ષ્મણ, શૂર્પણખા અને કૈકેયી સહિતના અન્ય તમામ કલાકારોએ પણ પોતાની ભૂમિકાને પૂરો ન્યાય આપ્યો છે.

Ramayana Movie Craze (1)

લગભગ ત્રણ કલાકથી વધુ સમયગાળાને કારણે અમુક જગ્યાએ ગતિ થોડી ધીમી લાગે છે, છતાં ભવ્ય સેટ્સ, ભાવનાત્મક ઊંડાણ અને શાનદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ આ ફિલ્મને સિનેમાઘરોમાં માણવા જેવો યાદગાર અનુભવ બનાવે છે.

આ પણ વાંચો-Tabu-Nagarjuna : 10 વર્ષ સુધી ડેટ કર્યા પછી કેમ તૂટ્યો સંબંધ? તબુ અને નાગાર્જુનના બ્રેકઅપનું અસલ સત્ય