ભારતમાં શિયાળો વિદાય લઈ રહ્યો છે અને વસંતના આગમન સાથે જ હવે સૌ કોઈ દેવાધિદેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહના આ ઉત્સવને આડે હવે બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે બોલિવૂડના કોઈ ગીત રિલીઝ થાય તે પહેલા જ એક દક્ષિણ કોરિયન સ્ટારે શિવભક્તિના ગીતથી સમગ્ર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. લોકપ્રિય કોરિયન ગાયિકા અને નૃત્યાંગના ઔરા (Aoora) એ તેના નવા ગીત 'શિવ શિવમ' ની ઝલક બતાવીને ઉત્સવનો માહોલ અત્યારથી જ તૈયાર કરી દીધો છે.
કોણ છે ઔરા? ભારત સાથેનો તેનો અતૂટ સંબંધ
દક્ષિણ કોરિયન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ એટલે આઉરા, જેમનું સાચું નામ પાર્ક મિન-જુન છે. 1986 માં જન્મેલા પાર્ક છેલ્લા 13 વર્ષથી ગાયક, રેપર અને પ્રોડ્યુસર તરીકે કાર્યરત છે. ભારતીયો માટે ઔરા નવું નામ નથી, કારણ કે તેણે 'બિગ બોસ 17' જેવા રિયાલિટી શોમાં ભાગ લઈને દરેક ભારતીયના દિલ જીતી લીધા છે. તેણે અગાઉ "પહેલા નશા", "તૌબા તૌબા" અને "હોલી રે રસિયા" જેવા બોલિવૂડ ગીતો પર પણ પરફોર્મન્સ આપ્યું છે.










