માઈકલ જેક્સનનું માનવું હતું કે સંગીત લોકોને સાથે લાવી શકે છે. તેમનું આ લક્ષ્ય દર્શાવે છે કે તેમણે સંગીત માત્ર પૈસા કમાવવા માટે નહીં, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પણ કર્યું હતું. સંગીત પ્રત્યેના તેમના આ પ્રેમને ફિલ્મ માઈકલમાં સુંદર રીતે વણી લેવામાં આવ્યો છે.
ફિલ્મની સ્ટોરી
સ્ટોરી વર્ષ 1966થી શરૂ થાય છે, જ્યાં ઇન્ડિયાનાના ગેરી શહેરમાં રહેતા જોસેફ જેક્સન પોતાના પાંચ પુત્રો સાથે જેક્સન 5 મ્યુઝિકલ બેન્ડ શરૂ કરે છે. આ બેન્ડનો ગાયક માઈકલ બાકીના ચારેયથી અલગ અને પ્રતિભાશાળી છે. ટૂંક સમયમાં જ એક મ્યુઝિક કંપનીની નજર તેના પર પડે છે અને તે પ્રખ્યાત થઈ જાય છે. મુશ્કેલી ત્યારે શરૂ થાય છે જ્યારે માઈકલ પોતાની સંગીતની સફર એકલા (સોલો) ખેડવા માંગે છે. આગળની સ્ટોરી થિયેટરમાં જોવી યોગ્ય રહેશે.
ફિલ્મ કેવી છે?
બે કલાક અને નવ મિનિટની આ ફિલ્મ તમને જકડી રાખશે, ભલે તમે માઈકલ જેક્સનની સ્ટોરીથી પરિચિત હોવ. માઈકલના પિતાનું વારંવાર એવું કહેવું કે- જે જીતે છે તે વિનર છે અને જે હારે છે તે લૂઝર છે, તેમજ તેઓ અશ્વેત છે એટલે તેમની મહેનત ગોરા અમેરિકનો કરતા વધારે હશે, તે વાત વિચારવા મજબૂર કરે છે. માઈકલનું બાળપણ, તેનું એકલવાયું જીવન, સંગીત પાછળની દીવાનગી અને આસપાસની ઘટનાઓથી પ્રેરિત તેનું સંગીત જોવામાં બિલકુલ કંટાળો આવતો નથી. જોકે, કેટલાક સવાલો મનમાં રહી જશે, પણ તેનો જવાબ ફિલ્મના પહેલા ભાગમાં શોધવો યોગ્ય નથી. ફિલ્મના અંતે જણાવાયું છે કે માઈકલની આગળની સ્ટોરી હજુ બાકી છે.
એક્ટિંગ
આ ફિલ્મના અસલી સ્ટાર માઈકલ જેક્સનના ભત્રીજા જાફર જેક્સન છે. જાફર, માઈકલના મોટા ભાઈ જર્મિનના પુત્ર છે. તેણે પોતાની પહેલી જ ફિલ્મમાં સાબિત કર્યું છે કે તે લાંબી ઈનિંગ રમવા માટે તૈયાર છે. પડદા પર જાફર નહીં પણ સાક્ષાત માઈકલ જ દેખાય છે. તેણે માત્ર માઈકલના હાવભાવ જ નહીં, પણ એક કમ્પ્લીટ પરફોર્મર તરીકેની તેની છાપને પણ આબાદ પકડી છે. 10 વર્ષના માઈકલનો રોલ કરનાર નથાલિયન લોગન મેકઇન્ટાયરનું કામ પણ જબરદસ્ત છે. જિદ્દી પિતાના રોલમાં કોલમન ડોમિંગો અને માઈકલની તાકાત સમાન તેની માતાના રોલમાં નિયા લોંગે ઉત્કૃષ્ટ કામ કર્યું છે. માઈકલના મેનેજર બનેલા માઈલ્સ ટેલર પણ પ્રભાવિત કરે છે.
લેખન અને નિર્દેશન
ફિલ્મનું લેખન જોન લોગને કર્યું છે અને નિર્દેશન એન્ટોઈન ફુકુઆએ સંભાળ્યું છે. જોને માઈકલની ઉંમર વધવાની સાથે તેના જીવન અને કરિયરમાં આવતા બદલાવો અને સફળતાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તે કોઈ બિનજરૂરી વિવાદ કે ભાષણબાજી વગર માત્ર માઈકલની સ્ટોરી પર ફોકસ રાખે છે. એન્ટોઈનનું પણ આ બે કલાકની સ્ટોરી પર મજબૂત પકડ છે.
મ્યુઝિક
આ ફિલ્મનો આત્મા તેનું સંગીત છે. 1966ના ગીતોની સાથે સાથે એંસીના દાયકાના ફેમસ ગીતો જેવા કે બીટ ઇટ, બિલી જીન, વાન્ના બી સ્ટાર્ટિંગ સમથિંગ સાંભળવા મળશે. આ સાથે જ તેની સ્ટેજ પરફોર્મન્સ જોવાની તક મળશે, જે તમને તેના લાઈવ કન્સર્ટમાં હોવાનો અહેસાસ કરાવશે. જો તમે માઈકલ જેક્સનના ફેન હોવ, તો માઈકલના બાળપણ અને સંગીત પ્રત્યેના તેના જુસ્સાને જોવા માટે આ ફિલ્મ તમારા માટે જ છે.
આ પણ વાંચો-HIT, સુપરહિટ, બ્લોકબસ્ટર...આ ફિલ્મે કરી અધધ કમાણી, 500% નફા સાથે માલામાલ થયા મેકર્સ!