મિલિંદ સોમણે મોડલિંગની દુનિયામાં એક અલગ અને ખાસ મુકામ હાંસલ કર્યો છે. મોડલિંગમાં સફળતા મેળવ્યા બાદ તેણે ફિલ્મી દુનિયામાં પણ કામ કર્યું. આ સિવાય તેઓ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ભારે ચર્ચામાં રહ્યો છે. ફ્રેન્ચ એક્ટ્રેસ સાથે છૂટાછેડા પછી તેણે પોતાનાથી 26 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જ્યારે તેનું નામ અન્ય ઘણી સુંદરીઓ સાથે પણ જોડાયું હતું.
ભારતનો પહેલો સુપરમોડલ છે મિલિંદ સોમણ
મિલિંદ સોમણનો જન્મ 4 નવેમ્બર 1965ના રોજ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં થયો હતો. તે આજે 61 વર્ષનો થઈ ગયો છે. જ્યારે મિલિંદ આઠ વર્ષનો હતો ત્યારે તેના માતાપિતા ભારત પાછા આવી ગયા હતા. એક સંપન્ન પરિવારમાંથી આવતા મિલિંદે એમ.એચ. સાબૂ સિદ્દીક પોલિટેકનિકમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું હતું. વર્ષ 1988માં તેણે એક મોડલ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી અને ટૂંકા સમયમાં જ ભારતના પહેલા સુપરમોડલ તરીકે ઓળખ બનાવવામાં સફળ રહ્યો.
મિલિંદ સોમણની ફિટનેસ સિદ્ધિઓ
મોડલ બનતા પહેલાં મિલિંદ એક સ્વિમર પણ હતો. તેણે સતત ચાર વર્ષ સુધી નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી અને 1984માં 19 વર્ષની વયે દક્ષિણ એશિયાઈ રમતોત્સવમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો.

2015માં તેણે Ironman Triathlon સ્પર્ધા જીતી હતી. તેણે આ સ્પર્ધા પહેલા જ પ્રયાસમાં 15 કલાક અને 19 મિનિટમાં પૂરી કરી લીધી હતી, જેમાં સાઇકલિંગ, મેરેથોન અને સ્વિમિંગ સામેલ હોય છે. આ પહેલાં વર્ષ 2012માં તેમણે 30 દિવસમાં 1500 કિલોમીટરની દોડ પૂરી કરીને લોકોને ચોંકાવી દીધા હતા. આ અદ્ભુત સિદ્ધિ માટે તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયું હતું.
મિલિંદ સોમણની એક્ટિંગ કારકિર્દી
મિલિંદ સોમણને પોપ્યુલર સિંગર અલીશા ચિનોયના જાણીતા મ્યુઝિક વીડિયો મેડ ઇન ઇન્ડિયા દ્વારા ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. મિલિંદે 16 ડિસેમ્બર, બાજીરાવ મસ્તાની અને અગ્નિ વર્ષા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે 1998માં આવેલા લોકપ્રિય ટીવી સિરિયલ કેપ્ટન વ્યોમમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

છૂટાછેડા પછી 26 વર્ષ નાની યુવતી સાથે કર્યા લગ્ન
મિલિંદનું નામ શહાણા ગોસ્વામી, દિપાનિતા શર્મા, ગુલ પનાગ, મધુ સપ્રે અને બિપાશા બાસુ જેવી જાણીતી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. મિલિંદે ફ્રેન્ચ એક્ટ્રેસ માયલીન જેમ્પાનોઈ સાથે વર્ષ 2006માં લગ્ન કર્યા હતા, પરંતુ 2009માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ તેણે વર્ષ 2018માં પોતાના કરતાં 26 વર્ષ નાની અંકિતા કુંવર સાથે બીજા લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો-Tabu-Nagarjuna : 10 વર્ષ સુધી ડેટ કર્યા પછી કેમ તૂટ્યો સંબંધ? તબુ અને નાગાર્જુનના બ્રેકઅપનું અસલ સત્ય