સૌંદર્ય જગતની પ્રતિષ્ઠિત 75મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટોએ 'મિસ યુનિવર્સ 2026' નો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. પ્યુઅર્ટો રિકોના સાન જુઆન સ્થિત જોસ મિગુએલ એગ્રેલોટ કોલિઝિયમ ખાતે યોજાયેલા ભવ્ય ગ્રાન્ડ ફિનાલેમાં મેક્સિકોની પૂર્વ મિસ યુનિવર્સ ફાતિમા બોશે જેનિફરને વિજેતાનો તાજ પહેરાવ્યો હતો.
ભારતનું પ્રતિનિધિત્વ કરનારી કાઝિયા ટોપ-12માં
મળતી માહિતી પ્રમાણે આ સ્પર્ધામાં ડોમિનિકન રિપબ્લિકની સ્પર્ધક પ્રથમ રનર-અપ રહી હતી, જ્યારે વેનેઝુએલા ત્રીજા ક્રમે રહ્યું હતું. બીજી તરફ, ભારતનું પ્રતિનિધિત્વ કરનાર કાઝિયા લિઝ મેઝોએ ટોચના 30માં સ્થાન મેળવીને સારી શરૂઆત કરી હતી, પરંતુ ટોપ-12માં પ્રવેશતા પહેલા જ તે સ્પર્ધામાંથી બહાર થઈ જતાં ભારતની તાજ જીતવાની આશા અધૂરી રહી હતી.
કોણ છે મિસ યુનિવર્સ 2026 જેનિફર બેરેટો?
જેનિફર બેરેટો માત્ર એક બ્યુટી ક્વીન જ નહીં, પરંતુ ઉચ્ચ શિક્ષણ અને સામાજિક સેવા ક્ષેત્રે પણ આગવી ઓળખ ધરાવે છે. તેમણે સંશોધન મનોવિજ્ઞાન (Research Psychology) માં સ્નાતકની ડિગ્રી મેળવી છે, ઉપરાંત મનોવિજ્ઞાન અને ક્લિનિકલ સોશિયલ વર્કમાં બે માસ્ટર ડિગ્રી પણ હાંસલ કરી છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ સાથે સંકળાયેલી છે બેરેટો
વર્ષ 2021માં જેનિફરે ટેક્સાસના ફોર્ટ હૂડ ખાતે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ સાથે પોતાની વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરી હતી. અહીં તેમણે 'ફેમિલી એડવોકેસી પ્રોગ્રામ' હેઠળ શિક્ષક અને કટોકટી સહ-પ્રતિસાદકર્તા તરીકે ફરજ બજાવી હતી. આ દરમિયાન તેમણે ઘરેલુ હિંસા અને બાળ દુર્વ્યવહારનો ભોગ બનેલા લશ્કરી પરિવારોની મદદ કરી હતી અને નેતાઓને તેના નિવારણ અંગે તાલીમ પણ આપી હતી. આ ઉપરાંત, તેમણે કાર્લ આર. ડાર્નાલ આર્મી મેડિકલ સેન્ટરમાં પણ મહત્વપૂર્ણ સેવાઓ આપી છે.

75મી વર્ષગાંઠની ખાસ ઉજવણી
મિસ યુનિવર્સ સ્પર્ધાની 75મી વર્ષગાંઠ નિમિત્તે આ વર્ષે વિશ્વભરના 116 દેશોની સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાના વિવિધ તબક્કાઓમાં સ્પર્ધકોએ રાષ્ટ્રીય પોશાક, પ્રારંભિક રાઉન્ડ અને અંતિમ રાઉન્ડમાં પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું હતું, જેના આધારે નિર્ણાયકોએ વિજેતાની પસંદગી કરી હતી.
આ પણ વાંચોઃ
Solar Panel : છત પર મફતમાં નહીં લગાવી શકાય સોલાર, હવે તમારે પણ ચૂકવવા પડશે આટલા રૂપિયા