બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહ અભિનીત "ધુરંધર" ફ્રેન્ચાઇઝીએ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચી દીધો છે, અને આ અદભુત સફળતાની ગૂંજ હવે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના કાર્યાલય સુધી પહોંચી ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકોને લખેલા પોતાના તાજેતરના પત્રમાં, ચેરમેન મુકેશ અંબાણીએ જિયો સ્ટુડિયોની આ અભૂતપૂર્વ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે અને "ધુરંધર" ની અનોખી રિલીઝ વ્યૂહરચનાને ભારતીય સિનેમા માટે એક નવો માપદંડ ગણાવ્યો છે.
જિયો સ્ટુડિયોઝની હેટ્રિક: 'સ્ત્રી 2' થી લઈને 'ધુરંધર' સુધીનો દબદબો
મીડિયા અહેવાલ મુજબ, મુકેશ અંબાણીએ પત્રમાં જિયો સ્ટુડિયોના મજબૂત થતા વર્ચસ્વનો ઉલ્લેખ કરતા લખ્યું, "જિયો સ્ટુડિયોએ સતત ત્રણ વર્ષ સુધી સૌથી વધુ કમાણી કરતી ફિલ્મો આપવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ૨૦૨૪માં 'સ્ત્રી 2', ૨૦૨૫માં 'ધુરંધર' અને ૨૦૨૬માં 'ધુરંધર: ધ રીવેન્જ'. આ ફિલ્મોએ બોક્સ ઓફિસ કલેક્શન, રિલીઝ વ્યૂહરચના અને મુદ્રીકરણ મોડેલમાં વૈશ્વિક સ્તરે નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે." અંબાણીએ આ ફિલ્મના પ્રોડક્શન મોડેલની ખાસ પ્રશંસા કરી હતી કે, આ ભારતીય સિનેમામાં પહેલીવાર બન્યું છે જ્યાં કોઈ ફ્રેન્ચાઇઝીના બંને ભાગોનું શૂટિંગ અને ફંડિંગ એકસાથે થયું હોય અને તેને આટલા ટૂંકા ગાળામાં થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હોય.
ધુરંધરનો બોક્સ ઓફિસ પર પૈસાનો વરસાદ
આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત આ સ્પાય ફ્રેન્ચાઇઝીનું કુલ બજેટ આશરે ₹250 થી 300 કરોડ હતું, પરંતુ તેની કમાણીએ આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી છે. બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર ધુરંધર (ભાગ 1) વૈશ્વિક સ્તરે ₹1,307 કરોડથી વધુની કમાણી કરી. જયારે ધુરંધર: ધ રીવેન્જ (ભાગ 2)એ વિશ્વભરમાં ₹1,852 કરોડથી વધુનું કલેક્શન કર્યું, જે આમિર ખાનની 'દંગલ' પછી ભારતીય સિનેમાની બીજી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. બંને ભાગોએ મળીને વિશ્વભરમાં ₹3,100 કરોડથી વધુનું ઐતિહાસિક કલેક્શન કર્યું છે.
એક તરફ રેકોર્ડબ્રેક કમાણી, બીજી તરફ 'ડોન 3' ને લઈને મોટો વિવાદ
એક તરફ જ્યાં રણવીર સિંહ 'ધુરંધર' ની સફળતાનો આનંદ માણી રહ્યો છે, તો બીજી તરફ તે પોતાની આગામી ફિલ્મ "ડોન 3" ને લઈને કાનૂની વિવાદમાં ફસાયો છે. ગયા ડિસેમ્બરમાં રણવીર સિંહ અચાનક ફરહાન અખ્તરની ફિલ્મ "ડોન 3" માંથી બહાર નીકળી ગયો હતો. આના કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે ફરહાનની પ્રોડક્શન કંપનીએ રણવીર પાસે ₹45 કરોડની માંગણી કરી હતી. આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) એ રણવીર સામે 'અસહકાર આંદોલન' શરૂ કર્યું. જવાબમાં રણવીરે તેમને કાનૂની નોટિસ મોકલી હતી. હવે ડોન-3 અને રણવીર સિંહ વચ્ચેનો વિવાદ આગામી સમયમાં કેવો રંગ લેશે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો : Bollywood Actor : બે છૂટાછેડા અને 3 બાળકો બાદ આમિર ખાન 61 વર્ષની ઉંમરે ગૌરી સ્પ્રેટ સાથે કરશે લગ્ન?