દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ અભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો વચ્ચે હવે તેમના પુત્ર મલ્હાર પાટેકરે પ્રથમ વખત મૌન તોડી પ્રતિક્રિયા આપી છે. મલ્હારે જણાવ્યું કે જે મામલો અદાલતમાંથી પહેલાં જ સંપૂર્ણ ખતમ થઈ ગયો છે, તેને લોકો વિના કારણે ઉછાળે છે. આવા લોકોનું ભગવાન ભલું કરે તેવી તેમણે વાત કહી.

અભિનેત્રી તનુશ્રી દત્તાએ 'ઈવિલ ડેડ' ગણાવી 

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 8 ઓક્ટોબરના રોજ સવારે 5:20 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું હતું. અભિનેતાના અવસાન બાદ અભિનેત્રી તનુશ્રી દત્તાએ આ બાબતને 'ઈવિલ ડેડ' ગણાવી હતી અને ત્યારથી તે વિવાદમાં છે.

મામલો અગાઉથી પુરો થઇ ગયો છે

આ સંદર્ભે મલ્હાર પાટેકરે જણાવ્યું હતું કે, કોઈનું નામ લીધા વિના તેઓ કહેવા માંગે છે કે જે મામલાને લોકો બિનજરૂરી રીતે ઉછાળી રહ્યા છે, તે અગાઉથી જ પુરો થઈ ચૂક્યો છે. કોર્ટમાંથી બધું સાફ થઈ ગયું છે અને કેસ પૂર્ણ થયો હોવા છતાં લોકો સતત બોલી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે જે સાચું છે તે જ રહેશે અને ભગવાન તેમનું ભલું કરે.

નાના પાટેકર પર જાતીય સતામણીનો ગંભીર આરોપ 

અત્રે ઉલ્લેખનીય છે કે, તનુશ્રી દત્તાએ વર્ષ 2008માં ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના શૂટિંગ દરમિયાન નાના પાટેકર પર જાતીય સતામણીનો ગંભીર આરોપ મૂક્યો હતો. તે સમયે તેમણે આ ઘટના અંગે 'સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન' સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ સંસ્થાએ કોઈ પગલાં ન લીધાનો તેમનો આક્ષેપ હતો. 

નાના પાટેકરે આ તમામ આક્ષેપો નકાર્યા હતા

ત્યારબાદ વર્ષ 2018માં MeToo અભિયાન દરમિયાન તનુશ્રીએ આ આરોપો ફરી જાહેર કર્યા હતા. પોલીસે નાના પાટેકર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જ્યારે નાના પાટેકરે આ તમામ આક્ષેપો નકાર્યા હતા. હાલ નાના પાટેકરના નિધન પછી આ વિવાદ ફરી વકર્યો છે. તનુશ્રી સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી નવા દાવા કરી રહી છે, જેમાં તેમણે અભિનેતા જીવિત હોવાની વાત પણ કહી હતી. આ પ્રકારના તમામ નિવેદનો સામે હવે મલ્હારે પૂર્ણવિરામ મૂક્યું છે. 


આ પણ વાંચો :    Explainer: ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ કેમ મળી? OCI કાર્ડના નિયમો શું કહે છે અને હવે આગળ શું થશે?