બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચાર આજે મળ્યા અને એક ક્ષણ માટે જાણે વર્ષો જૂની એક યાદ ફરી જીવંત થઈ ગઈ. 75 વર્ષની ઉંમરે નાના પાટેકરે દુનિયાને અલવિદા કહી દીધી. તેમના અચાનક નિધનથી તેમના અસંખ્ય ચાહકોની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. લોકો તેમના અભિનયને યાદ કરી રહ્યા છે, તેમણે ભજવેલા અવિસ્મરણીય પાત્રોને યાદ કરી રહ્યા છે, તેમની સામાજિક સંવેદનાને યાદ કરી રહ્યા છે અને તેમના બેબાક વિચારોને પણ યાદ કરી રહ્યા છે.
પણ મારા માટે નાના પાટેકર માત્ર પડદા પરનો એક મહાન અભિનેતા નહોતા. તેઓ મારા જીવનની એક એવી યાદ સાથે જોડાયેલા છે, જેને કદાચ હું ક્યારેય ભૂલી નહીં શકું.
હું નાનાનો ચાહક છું. તેમની ફિલ્મો અને નાટકોએ હંમેશા મને તેમના પ્રત્યે આકર્ષિત કર્યો છે. તેમના અભિનયમાં એક અલગ જ તીવ્રતા હતી. સંવાદ બોલવાની તેમની રીત હોય કે પાત્રમાં ઉતરી જવાની તેમની કળા, નાના પાટેકર પડદા પર આવે એટલે નજર તેમના પરથી હટતી નહોતી.
પણ તેમના સાચા કલાકારત્વનો પરચો મને એક ફિલ્મના પડદા પર નહીં, પરંતુ વડોદરાના એક રંગમંચ પર મળ્યો હતો.
વર્ષ હતું 2000... અને હું એક નવો પત્રકાર હતો
વર્ષ 2000ની વાત છે. હું ત્યારે વડોદરામાં એક ગુજરાતી અખબારમાં નવો નવો પત્રકાર તરીકે કામ કરતો હતો. પત્રકારત્વની દુનિયામાં હજી પગ માંડ્યા હતા. ઉત્સાહ ઘણો હતો અને દરેક નવી તક મારા માટે રોમાંચ લઈને આવતી હતી. એક દિવસ ખબર પડી કે નાના પાટેકર તેમનું નાટક ભજવવા વડોદરા આવ્યા છે અને ગાંધીનગર ગૃહ ટાઉન હોલમાં નાટકનું રિહર્સલ ચાલી રહ્યું છે.
નાના પાટેકર
નામ સાંભળતાં જ મનમાં એક જ વિચાર આવ્યો—નાનાનો ઇન્ટરવ્યૂ તો કરવો જ જોઈએ. મેં મારા ફોટોગ્રાફરને જાણ કરી. તેમણે પણ તરત કહ્યું, “તમે ગાંધીનગર ગૃહ પહોંચી જાઓ, હું પણ પહોંચું છું.” હું લગભગ બપોરે 12 વાગ્યાના અરસામાં ગાંધીનગર ગૃહ પહોંચી ગયો.
રંગમંચ પર એકલા નાના...
હોલમાં પ્રવેશ્યો ત્યારે જે દૃશ્ય જોયું તે આજે પણ આંખ સામે છે. નાના પાટેકર રંગમંચ પર રિહર્સલ કરી રહ્યા હતા. આસપાસ કોઈ ખાસ ભીડ નહોતી. કોઈ સહકલાકાર પણ તેમની સાથે નહોતો. તેઓ પોતાના પાત્રમાં સંપૂર્ણપણે ઓતપ્રોત હતા. હું તો નવો પત્રકાર. જીવનમાં પહેલીવાર કોઈ મોટી સેલિબ્રિટીને મળવાનો અને તેનો ઇન્ટરવ્યૂ કરવાનો ઉત્સાહ મારા પર સવાર હતો. મને લાગ્યું કે આ તક ફરી નહીં મળે. અને ઉત્સાહમાં મેં એ ભૂલ કરી જે કદાચ આજે પણ મને યાદ આવે ત્યારે હાસ્ય પણ આવે છે અને શરમ પણ...હું સીધો રંગમંચ પર ચઢી ગયો. નાના પાટેકરની પાસે જઈને ઊભો રહ્યો. પોતાના પાત્રમાં ડૂબેલા નાનાએ એક ક્ષણ માટે મારી સામે જોયું. બે પળ મારી તરફ જોયું... અને અચાનક તેઓ અટકી ગયા. તેમના ચહેરા પર ગુસ્સો આવી ગયો. તેમણે મને રંગમંચ પરથી નીચે ઉતારી દીધો. મેં મારી ઓળખાણ આપી. કહ્યું કે હું પત્રકાર છું અને તેમનો ઇન્ટરવ્યૂ કરવા આવ્યો છું.
પહેલી જ મુલાકાતમાં આ રીતે ઠપકો મળ્યો
પરંતુ એ સમયે નાના પાટેકર કંઈ સાંભળવાના મૂડમાં નહોતા. તેમણે ગુસ્સામાં મને ખખડાવી નાખ્યો અને હોલની બહાર જતા રહેવાનો આદેશ આપ્યો..હું બે મિનિટ માટે તો સાવ સ્તબ્ધ થઈ ગયો. પહેલીવાર કોઈ સેલિબ્રિટીને મળવા આવ્યો હતો અને પહેલી જ મુલાકાતમાં આ રીતે ઠપકો મળ્યો હતો! મને કંઈ સમજાયું નહીં કે હવે શું કરવું. હું સીધો હોલની બહાર નીકળી ગયો અને પાછળ આવેલા ગ્રીન રૂમમાં જઈને બેસી ગયો.
અડધો કલાક... અને પછી બદલાઈ ગયું બધું
ગ્રીન રૂમમાં બીજા ઘણા લોકો હતા. તેમણે પણ નાનાનો ગુસ્સો જોયો હતો. તેમની વચ્ચેના એક વડોદરાના સ્થાનિક વ્યક્તિ મને ઓળખતા હતા. મેં તેમને મારી વાત કહી કે હું નાના પાટેકરનો ઇન્ટરવ્યૂ કરવા આવ્યો છું. તેમણે મને ધીરજ રાખવા કહ્યું અને ત્યાં જ બેસી રહેવાનું કહ્યું. હું રાહ જોતો રહ્યો....લગભગ અડધો કલાક પસાર થયો.
નાના પાટેકર ગ્રીન રૂમમાં આવ્યા
પછી નાના પાટેકર ગ્રીન રૂમમાં આવ્યા. તેમની નજર મારા પર પડી. મારી સાથે રહેલા એ સ્થાનિક વ્યક્તિએ નાનાને મારી ઓળખાણ આપી. નાના મારી પાસે આવ્યા.અને પછી તેમણે મને એવો સવાલ કર્યો, જે આજે પણ મારા કાનમાં ગુંજે છે.
“તુમ કો પતા હૈ મૈંને તુમ પે ક્યું ગુસ્સા કિયા?”
હું થોડો ગભરાયો.
મેં ધીમેથી જવાબ આપ્યો, “સર, આપ રિહર્સલમાં વ્યસ્ત હતા અને એ સમયે મેં તમને ડિસ્ટર્બ કર્યા એટલે...”
મારી વાત પૂરી થાય એ પહેલાં જ તેમણે ના પાડી.
“નહીં... યે વજહ નહીં હૈ.”
હવે મને આશ્ચર્ય થયું. તો પછી કારણ શું હતું?
“આ રંગમંચ છે... અહીં કોઈ જૂતા પહેરીને નહીં આવે”
નાનાએ કહ્યું—
“વજહ યે હૈ કી તુમ અપના શૂઝ પહન કર રંગમંચ પર આયે થે.”
હું ચૂપ.
પછી તેમણે કહ્યું કે આ માત્ર સ્ટેજ નથી.
“યે રંગમંચ હૈ... યહાં મૈં કિસી કો ભી શૂઝ-જૂતા પહનને નહીં દેતા.”
અને પછી તેમણે જે વાત કહી, તે મારા માટે નાના પાટેકરની સૌથી મોટી ઓળખ બની ગઈ.
તેમણે કહ્યું—
“યે કલાકા મંચ હૈ. હમ મંદિર મેં જાતે હૈં તો શૂઝ-જૂતા બહાર નિકલ કર જાતે હૈં. તો યે હમારા મંદિર હૈ. હમ ક્યું કિસી કો ઇસ પર જૂતા પહેનકે આને કી ઇજાજત દે?”
હું તેમની સામે જોતો રહ્યો.
એ ક્ષણે મને સમજાયું કે થોડા સમય પહેલાં જે ગુસ્સો મને અણગમો લાગ્યો હતો, તેની પાછળ એક કલાકારની અતિશય સંવેદનશીલતા છુપાયેલી હતી. એ દિવસે મને નાના પાટેકરનો સાચો પરિચય થયો
મારા માટે એ માત્ર એક ઇન્ટરવ્યૂ નહોતો.
એ દિવસે મને સમજાયું કે સાચો કલાકાર પોતાના કામને માત્ર વ્યવસાય માનતો નથી. તેના માટે કળા એક સાધના છે. અને જ્યાં સાધના થાય એ જગ્યા તેના માટે મંદિરથી ઓછી નથી. નાના પાટેકર માટે રંગમંચ માત્ર લાકડાનું પ્લેટફોર્મ નહોતું. એ તેમની કળાનું મંદિર હતું. તેમના ગુસ્સામાં પણ કળા પ્રત્યેનો આદર હતો. આ ઘટના પછી તેમનો ગુસ્સો સંપૂર્ણપણે શાંત થઈ ગયો. તેમણે મને માત્ર બે મિનિટ જેટલો નાનકડો ઇન્ટરવ્યૂ આપ્યો અને પછી તેઓ ચાલ્યા ગયા.
પહેલી સેલિબ્રિટી મુલાકાત... અને જીવનભરનું સ્મરણ
મુલાકાત કદાચ બે-ચાર મિનિટની હતી.પરંતુ તેની અસર? દાયકાઓ સુધી રહી. પહેલી સેલિબ્રિટી મુલાકાત... અને જીવનભરનું સ્મરણ...પત્રકારત્વમાં પગ મૂક્યા પછીનો એ મારો પહેલો સેલિબ્રિટી ઇન્ટરવ્યૂ હતો.. મારી અપેક્ષા હતી કે મને કોઈ મોટી વ્યક્તિ મળશે, બે-ચાર સવાલોના જવાબ મળશે અને એક સમાચાર બની જશે. પરંતુ મને તેના કરતાં ઘણું મોટું કંઈક મળ્યું. મને એક કલાકારની કળા પ્રત્યેની શ્રદ્ધા જોવા મળી. મને સમજાયું કે પડદા પર કલાકારને જોવો એક વાત છે અને તેને તેના સર્જનના સ્થળે જોવો બીજી વાત. નાના પાટેકરે મને તે દિવસે એક એવી વાત શીખવી, જે કામને તમે દિલથી કરો છો, તેના સ્થાન અને પ્રક્રિયા માટે પણ એટલું જ સન્માન હોવું જોઈએ.
મને ગાંધીનગર ગૃહનો એ રંગમંચ યાદ આવ્યો
આજે નાના પાટેકરના નિધનના સમાચાર સાંભળ્યા ત્યારે સૌથી પહેલાં તેમની કોઈ ફિલ્મનો દૃશ્ય યાદ આવ્યું નહીં. મને ગાંધીનગર ગૃહનો એ રંગમંચ યાદ આવ્યો....એ રંગમંચ પર ઊભેલા નાના યાદ આવ્યા. મે પહેરેલું જૂતુ યાદ આવ્યું..તેમનો ગુસ્સો યાદ આવ્યો. અને ત્યાર પછી તેમની એ વાત યાદ આવી—આ કલાકારનું મંચ છે, આ અમારું મંદિર છે.
કેટલાક કલાકારો પડદા પરથી ઉતરી જાય છે, યાદોમાંથી નહીં
નાના પાટેકર હવે આપણી વચ્ચે નથી.પરંતુ કેટલાક કલાકારોનું મૃત્યુ તેમના શરીર સાથે થાય છે, તેમની કળા સાથે નહીં...તેમના પાત્રો જીવતા રહે છે. તેમના સંવાદો જીવતા રહે છે...તેમની ફિલ્મો જીવતી રહે છે. અને ક્યારેક તો કોઈ અજાણી, નાની લાગતી મુલાકાત પણ આખી જિંદગી માટે તેમની યાદને જીવંત રાખી દે છે. મારા માટે નાના પાટેકર સાથેની એ મુલાકાત એવી જ એક યાદ છે. આજે વર્ષો પછી પાછું વળીને જોઉં છું ત્યારે લાગે છે કે એ દિવસે હું નાના પાટેકરનો ઇન્ટરવ્યૂ લેવા ગયો હતો, પરંતુ ત્યાંથી પાછો ફર્યો ત્યારે હું એક મહાન કલાકારનો સાચો અર્થ લઈને આવ્યો હતો. નાના પાટેકર માટે રંગમંચ મંદિર હતો. અને તેઓ ખરેખર એ મંદિરના એક સાચા સાધક હતા.
આવા મહાન કલાકારને ભાવભીની શ્રદ્ધાંજલિ.**
નાના સાહેબ, પડદો પડી ગયો છે... પરંતુ કલાકારનો અભિનય હજી ચાલુ છે. અને કદાચ હંમેશાં ચાલુ રહેશે.
આ પણ વાંચો : PM Modiના નારામાં અંગ્રેજીની એન્ટ્રી, ‘We Will Do It’ પાછળનો સંદેશ શું? વાંચો રસપ્રદ માહિતી
