પીએમ નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થતાં તેમની રાજકીય સફર ફરી ચર્ચામાં આવી છે. 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ શરૂ થયેલી આ સફર 2014માં દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચી અને ત્યારબાદ 2024માં ત્રીજી વખત વડાપ્રધાન બનવા સુધી આગળ વધી. આ સમગ્ર સફરમાં માત્ર સરકારો અને ચૂંટણી જ બદલાઈ નથી, પરંતુ મોદીના રાજકીય નારા પણ સમય, મુદ્દા અને લક્ષ્યાંક પ્રમાણે બદલાતા ગયા છે. 7 ઓક્ટોબર 2026ના રોજ 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે પીએમ મોદીએ હવે “We Will Do It” એટલે કે “અમે કરીને રહીશું” નો સંદેશ આપ્યો છે. પીએમ મોદીનો આ નારો ઝેન-જીને આકર્ષવાનો મહત્વનો નારો બની શકે છે તો વિકસીત ભારતની યાત્રાને કોઇ પણ ભોગે પૂર્ણ કરવાની મક્કમતા દર્શાવે છે. રસપ્રદ અને મહત્વની વાત એ છે કે પીએમ મોદીએ આ વખતે અંગ્રેજીમાં નારો આપ્યો છે. અત્યાર સુધીના મોટાભાગના નારા મોટાભાગે ગુજરાતી અને હિન્દીમાં આપેલા છે જેથી કહી શકાય કે આ વખતે સાંપ્રત સ્થિતિને ધ્યાનમાં રાખીને ઝેન-જીને આકર્ષવા માટે પીએમ મોદીએ અંગ્રેજીમાં નારો આપ્યો છે.

50 મિનીટના ભાષણમાં 15થી વધુ વખત “We Will Do It”

બુધવારે પીએમ મોદીના ભાષણમાં એક વસ્તુ મહત્વની જોવા મળી કે પીએમ મોદીના 50 મિનીટના ભાષણમાં 15થી વધુ વખત “We Will Do It” સાંભળવા મળ્યું હતું. અંગ્રેજીમાં આ રીતે 15થી વધુ વાર બોલીને તેમણે ફરી એક વાર ઝેન-જીને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે

2002: ગુજરાતની ચૂંટણી અને આક્રમક રાજકીય સંદેશ

2002ની ગુજરાત વિધાનસભા ચૂંટણી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના પ્રથમ મોટા ચૂંટણી પરીક્ષણોમાંની એક હતી. આ ચૂંટણી દરમિયાન તેમના પ્રચારમાં સીધી અને આક્રમક ભાષાનો ઉપયોગ જોવા મળ્યો હતો. તે સમયે ચર્ચામાં રહેલા સૂત્રોમાં “12 વાગ્યા પહેલાં મત કરો અને કોંગ્રેસના બાર વગાડી દો” જેવા સંદેશનો પણ સમાવેશ થતો હતો. આ સમયગાળાના નારાઓમાં રાજકીય વિરોધ, ગુજરાતની ઓળખ અને ચૂંટણીમાં સીધી ટક્કરનો સંદેશ સ્પષ્ટ દેખાતો હતો. અહીંથી મોદીની એવી રાજકીય શૈલી ઊભી થતી ગઈ જેમાં ટૂંકા, સરળ અને લોકોના મોઢે ચઢી જાય તેવા સૂત્રોનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ થતો રહ્યો.

PM Modi Slogans:  From Gujarat to We Will Do It

2007: ‘જીતેગા ગુજરાત’થી ગુજરાતની અસ્મિતા પર ફોકસ

2007ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે “જીતેગા ગુજરાત” ને મુખ્ય ચૂંટણી સૂત્ર બનાવ્યું હતું. આ નારામાં માત્ર ચૂંટણી જીતવાની વાત નહોતી, પરંતુ ગુજરાતની ઓળખ અને રાજ્યના ગૌરવને રાજકીય સંદેશ સાથે જોડવામાં આવ્યું હતું. 2007 સુધીમાં મોદીની ચૂંટણી પ્રચાર શૈલીમાં ગુજરાતના વિકાસ સાથે ગુજરાતની અસ્મિતા પણ મહત્વનો મુદ્દો બની ગઈ હતી. 

2012: ‘એકમત ગુજરાત, બને ભાજપ સરકાર’

2012ની ચૂંટણીમાં સૂત્રની ભાષા વધુ સંગઠિત રાજકીય સંદેશ તરફ ગઈ. “એકમત ગુજરાત, બને ભાજપ સરકાર” દ્વારા ગુજરાતને એકજૂટ રાખવા અને ભાજપને ફરી સત્તામાં લાવવાનો સંદેશ આપવામાં આવ્યો. આ સમય સુધીમાં મોદીના રાજકીય પ્રચારમાં વિકાસ, ગુજરાત મોડલ અને રાજ્યના હિત જેવા મુદ્દાઓ વધુ મજબૂત બન્યા હતા. 

2014: ‘અબ કી બાર, મોદી સરકાર’એ બદલી રમત

2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ગુજરાતની બહાર રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં આવ્યા. અને આ ચૂંટણીનો સૌથી યાદગાર નારો બન્યો: ‘અબ કી બાર, મોદી સરકાર’ આ એક લાઇનમાં આખી ચૂંટણીનો સંદેશ સમાઈ ગયો—સરકાર બદલવી અને વડાપ્રધાન તરીકે મોદીને પસંદ કરવાના આહ્વાન સાથે. આ સાથે “અચ્છે દિન આને વાલે હૈં” પણ મોટા પ્રમાણમાં પ્રચલિત થયું. એટલે 2014માં મોદીના નારાઓમાં બે અલગ સંદેશ જોવા મળ્યા—એક તરફ મોદીને નેતૃત્વ તરીકે રજૂ કરવું અને બીજી તરફ પરિવર્તનની આશા જગાવવી.

‘સબકા સાથ, સબકા વિકાસ’થી સરકારનો નવો સંદેશ

વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીના નારાઓમાં ચૂંટણીના સીધા સૂત્રો ઉપરાંત સરકારના કામકાજ અને વિકાસનો સંદેશ પણ ઉમેરાયો. “સબકા સાથ, સબકા વિકાસ” મોદી સરકારના સૌથી ઓળખી શકાય એવા સૂત્રોમાં સામેલ થયું. આ સાથે “એક ભારત, શ્રેષ્ઠ ભારત”, “મેરા દેશ બદલ રહા હૈ, આગે બઢ રહા હૈ”, “આત્મનિર્ભર ભારત” અને “વોકલ ફોર લોકલ” જેવા સંદેશો પણ અલગ-અલગ સમયગાળામાં આગળ આવ્યા.અર્થાત્, ગુજરાતની ચૂંટણીના નારાથી શરૂ થયેલી રાજકીય ભાષા હવે રાષ્ટ્રીય વિકાસ અને રાષ્ટ્ર નિર્માણના સંદેશ સુધી પહોંચી હતી.

2019: ‘ફિર એક બાર, મોદી સરકાર’

2019ની લોકસભા ચૂંટણીમાં 2014ના નારાનું નવું વર્ઝન સામે આવ્યું. ‘ફિર એક બાર, મોદી સરકાર’ આ નારામાં પ્રથમ વખત સત્તામાં આવ્યા બાદ ફરી એક વખત મોદી સરકાર બનાવવાનો સીધો સંદેશ હતો. સાથે જ “મૈં ભી ચોકીદાર” અભિયાન અને “મોદી હૈ તો મુમકિન હૈ” જેવા સૂત્રોએ ચૂંટણી પ્રચારમાં અલગ ઓળખ બનાવી. 2014માં જ્યાં “બદલાવ”નો સંદેશ હતો, ત્યાં 2019માં નેતૃત્વ, કામકાજ અને ફરી સરકાર બનાવવાનો દાવો વધુ સ્પષ્ટ બન્યો.

PM Modi Slogans:  From Gujarat to We Will Do It

2022: ‘આ ગુજરાત અમે બનાવ્યું છે’

2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ફરી ગુજરાતના વિકાસને કેન્દ્રમાં રાખ્યો. આ વખતે પ્રચારનો મુખ્ય સંદેશ હતો: ‘આ ગુજરાત અમે બનાવ્યું છે’ આ નારામાં છેલ્લા બે દાયકાના ગુજરાતના વિકાસને ભાજપના શાસન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટલે 2007ના “જીતેગા ગુજરાત”થી 2022ના “આ ગુજરાત અમે બનાવ્યું છે” સુધીના સફરમાં ગુજરાતની ઓળખથી ગુજરાતના વિકાસના દાવા સુધીનો ફેરફાર સ્પષ્ટ જોવા મળે છે. 

2024: ‘મોદીની ગેરંટી’ અને ‘400 પાર’

2024ની લોકસભા ચૂંટણીમાં નારાઓ વધુ વ્યક્તિગત અને લક્ષ્યાંક આધારિત બન્યા. ‘ત્રીજી બાર મોદી સરકાર, અબ કી બાર 400 પાર’ આ નારામાં એક સાથે બે સંદેશ આપવામાં આવ્યા—ત્રીજી વખત મોદી સરકાર અને લોકસભામાં 400થી વધુ બેઠકોનો લક્ષ્યાંક. તેની સાથે “મોદીની ગેરંટી” પણ 2024ના પ્રચારની મહત્વની ઓળખ બની. “મોદી હૈ તો મુમકિન હૈ” અને “મોદી કા પરિવાર” જેવા સંદેશો પણ ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યા. 2024ના નારાઓમાં અગાઉના સમય કરતાં એક મોટો ફેરફાર હતો. હવે નારો માત્ર સરકાર બનાવવાની અપીલ નહોતો, પરંતુ નેતૃત્વ સાથે ચોક્કસ લક્ષ્યાંક અને ગેરંટીનો સંદેશ પણ આપતો હતો. 

2026: 25 વર્ષ બાદ નવો નારો—‘We Will Do It’

હવે 7 ઓક્ટોબર 2026એ મોદી સરકારના વડા તરીકે નહીં પરંતુ જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ કરવાના પ્રસંગે મોદીએ નવી દિશાનો સંદેશ આપ્યો. દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે “We Will Do It”નો નારો આપ્યો. તેનો ભાવાર્થ છે—“અમે કરીને રહીશું.” આ નારો ચૂંટણીની કોઈ ચોક્કસ બેઠક કે સરકાર બનાવવાના લક્ષ્યાંકને બદલે 2047 સુધી વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે જોડાયો છે. મોદીએ ભારતને વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સ્થાન અપાવવું, આત્મનિર્ભર ભારતને આગળ વધારવું, ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું, ઓલિમ્પિક્સનું આયોજન કરવું અને અંતરિક્ષ ક્ષેત્રે આગળ વધવા જેવા લક્ષ્યોની વાત કરી હતી. 

25 વર્ષમાં નારાઓની આખી ‘યાત્રા’

જો પીએમ મોદીના રાજકીય જીવનના મોટા અને પ્રચલિત સૂત્રોને એકસાથે જોવામાં આવે તો એક પેટર્ન જોવા મળે છે.

2002:  કોંગ્રેસના બાર વગાડી દો

2007: “જીતેગા ગુજરાત”

2012: “એકમત ગુજરાત”

2014: “અબ કી બાર, મોદી સરકાર”

2014 પછી: “સબકા સાથ, સબકા વિકાસ”

2019: “ફિર એક બાર, મોદી સરકાર”

2019: “મૈં ભી ચોકીદાર”

2022: “આ ગુજરાત અમે બનાવ્યું છે”

2024: “મોદીની ગેરંટી” અને “અબ કી બાર 400 પાર”

2026: “We Will Do It”

આથી કહી શકાય કે પીએમ મોદીના નારાઓની ભાષા પણ તેમની રાજકીય સફર સાથે બદલાતી ગઈ છે. ગુજરાતમાં રાજકીય ટક્કરથી શરૂઆત, પછી વિકાસ, ત્યારબાદ રાષ્ટ્રીય નેતૃત્વ, ગેરંટી અને હવે 2047ના વિકસિત ભારત સુધી—નારાઓએ દરેક તબક્કાની રાજકીય પ્રાથમિકતાને સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.

પીએમ મોદીએ અંગ્રેજીમાં નારો આપ્યો તે ખુબ સૂચક

25 વર્ષ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ થયેલી સફરમાં “જીતેગા ગુજરાત”થી લઈને 2024ના “મોદીની ગેરંટી” અને હવે 2026ના “We Will Do It” સુધી એક વાત સ્પષ્ટ છે—પીએમ મોદીના રાજકીય સંદેશમાં નાનો, સરળ અને યાદ રહી જાય એવો નારો સતત મહત્વનું સ્થાન ધરાવતો રહ્યો છે તમામ નારાઓનું વિશ્વલેશણ કરીએ તો જોવા મળે છે કે આ નારા હિન્દી અને ગુજરાતીમાં બોલાયેલા છે પણ આ વખતે ખાસ એવું બન્યું છે કે પીએમ મોદીએ અંગ્રેજીમાં નારો આપ્યો છે અને તે સાંપ્રત સ્થિતિમાં ખુબ સૂચક છે.


આ પણ વાંચો :    Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો