કથિત સોનાની તસ્કરીના મોટા કેસમાં અભિનેત્રી હર્ષવર્ધિની રાન્યા, જેને રાન્યા રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, સહિત 4 લોકો સામે કસ્ટમ્સે કુલ 270.8 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કસ્ટમ્સના જણાવ્યા મુજબ આ સિન્ડિકેટ દ્વારા માર્ચ 2024થી માર્ચ 2025 વચ્ચે ભારત ખાતે 127 કિલોથી વધુ સોનું કથિત રીતે તસ્કરી મારફતે લાવવામાં આવ્યું હતું, જેની કિંમત આશરે 102.5 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે.

રાન્યા રાવ પર સૌથી મોટો 102.5 કરોડનો દંડ

30 સપ્ટેમ્બરે જારી કરાયેલા આદેશ મુજબ રાન્યા રાવને સમગ્ર કથિત તસ્કરી કરાયેલા સોનાના કન્સાઇનમેન્ટ માટે જવાબદાર ગણાવવામાં આવ્યા છે. તેમના પર 102.5 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. તરુણ કોંડુરુ રાજુ પર 62.1 કરોડ રૂપિયા, જ્યારે સાહિલ સકરિયા જૈન અને ભરત કુમાર જૈન પર 53.1-53.1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

3 માર્ચે દુબઈથી પરત ફરતાં ઝડપાઈ હતી

આ કેસ 3 માર્ચ 2025ના રોજ સામે આવ્યો હતો. રાન્યા રાવ દુબઈથી બેંગલુરુ પહોંચી ત્યારે કસ્ટમ્સે તેમની તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેમની પાસેથી આશરે 14.2 કિલો સોનું મળી આવ્યું હતું, જેની તે સમયે કિંમત લગભગ 12.6 કરોડ રૂપિયા હતી.

શરીરના અલગ-અલગ ભાગોમાં છુપાવ્યું હતું સોનું

કસ્ટમ્સની તપાસ મુજબ સોનું શરીરના અલગ-અલગ ભાગોમાં છુપાવવામાં આવ્યું હતું. પગની પિંડળીઓ, કમર, પેન્ટની જેબ અને જૂતાની અંદર સોનું રાખવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

દુબઈમાં દસ્તાવેજો અને ડિલિવરીની જવાબદારી

કસ્ટમ્સના આદેશ મુજબ તરુણ કોંડુરુ રાજુની કથિત ભૂમિકા દુબઈમાં દસ્તાવેજો સંબંધિત કામ અને સોનાની ડિલિવરી સાથે જોડાયેલી હતી. જ્યારે સાહિલ સકરિયા જૈન અને ભરત કુમાર જૈન પર ભારતમાં કથિત રીતે તસ્કરીનું સોનું ખપાવવાની અને તેના વેચાણથી મળેલા નાણાંની વ્યવસ્થા કરવાની ભૂમિકા હોવાનો આરોપ છે.

હવાલા નેટવર્કનો પણ કથિત ઉપયોગ

તપાસમાં કસ્ટમ્સે સોનાની કથિત તસ્કરી સાથે નાણાકીય લેવડદેવડની પણ તપાસ કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ કથિત ચુકવણી માટે હવાલા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના પુરાવા તપાસમાં સામે આવ્યા હતા.

રાન્યા રાવના ઘરમાંથી રોકડ અને દાગીના મળ્યા

તપાસ દરમિયાન બેંગલુરુના લાવેલ રોડ સ્થિત રાન્યા રાવના ઘરની પણ તપાસ કરવામાં આવી હતી. કસ્ટમ્સના જણાવ્યા મુજબ અહીંથી આશરે 2.7 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત લગભગ 2.1 કરોડ રૂપિયાની કિંમતના દાગીના અને અન્ય કિંમતી સામાન પણ મળ્યો હતો.

14 જૂની ખેપોમાં 113 કિલોથી વધુ સોનું

કસ્ટમ્સના આદેશ મુજબ મામલો માત્ર 3 માર્ચે ઝડપાયેલા 14.2 કિલો સોના પૂરતો મર્યાદિત નથી. તપાસમાં અગાઉ ભારત લાવવામાં આવેલી 14 કથિત તસ્કરીની ખેપોની પણ માહિતી સામે આવી હતી. આ ખેપોમાં કુલ 113 કિલોથી વધુ સોનું હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જોકે તે સમયે કસ્ટમ્સ તેને જપ્ત કરી શક્યું નહોતું.

CCTVથી લઈને 152 દસ્તાવેજો સુધી તપાસ

કસ્ટમ્સે આદેશ તૈયાર કરતી વખતે એરપોર્ટની 16 કલાકથી વધુની CCTV ફૂટેજની તપાસ કરી હતી. સાથે જ 152 દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ અને નાણાકીય લેવડદેવડ સંબંધિત પુરાવાઓની પણ તપાસ કરવામાં આવી હતી. આ તમામ પુરાવાઓના આધારે ચારેય લોકોની કથિત ભૂમિકા નક્કી કરવામાં આવી હતી.

ચારેય આરોપીઓને અપીલ કરવાનો અધિકાર

કસ્ટમ્સના આદેશ સામે ચારેય આરોપીઓ પાસે કસ્ટમ્સ કમિશનર, અપીલ્સ સમક્ષ અપીલ કરવાનો કાયદેસર રસ્તો ખુલ્લો છે. આદેશની જાણ થયાની તારીખથી 60 દિવસની અંદર અપીલ દાખલ કરી શકાય છે. એટલે કસ્ટમ્સના આ નિર્ણયને કાનૂની રીતે પડકારવાની પ્રક્રિયા હજુ બાકી છે.  


આ પણ :   Smit Machchharએ ઇન્ટરનેટની દુનિયામાં ભૂચાલ સર્જ્યો, વાંચો.. Google પર સૌથી વધુ શું સર્ચ થયું?