ભારતીય સિનેમા પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે, 3 જુલાઈ, 2026ના રોજ, 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના વિજેતાઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ પુરસ્કારો વર્ષ ૨૦૨૪ દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા પ્રમાણિત ફિલ્મોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કલાકારો અને ટેકનિશિયનોને સન્માનિત કરશે.
આજે થશે નામાંકન જાહેર
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં અગાઉથી કોઈ નામાંકન (Nominations) જાહેર કરવામાં આવતા નથી. વિજેતાઓની જાહેરાત સીધી સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવે છે, જેના કારણે ફિલ્મ ઉદ્યોગ અને પ્રેક્ષકોમાં પરિણામોને લઈને ભારે ઉત્કંઠા અને અટકળોનું વાતાવરણ જળવાઈ રહે છે. આ પુરસ્કારો ફીચર ફિલ્મ, નોન-ફીચર, અભિનય, દિગ્દર્શન અને ટેકનિકલ શ્રેણીઓમાં આપવામાં આવે છે.
જયરાજની અધ્યક્ષતામાં 11 સભ્યોની જ્યુરીએ કરી પસંદગી
આ વર્ષે પસંદગી પ્રક્રિયાનું નેતૃત્વ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા જયરાજની અધ્યક્ષતામાં 11 સભ્યોની જ્યુરીએ કર્યું છે. જ્યુરીએ દેશભરમાંથી આવેલી અનેક વિવિધ ભાષાઓની ફિલ્મોનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કર્યું છે. જોકે આ જાહેરાત આજે થશે, પરંતુ મુખ્ય પુરસ્કાર સમારોહ પાછળથી નવી દિલ્હીમાં ભવ્ય રીતે યોજાશે.
વર્ષ 2024ની ફિલ્મો પર રહેશે નજર
સ્પર્ધાના દાવેદારો પર નજર કરીએ તો, વર્ષ 2024 મલયાલમ સિનેમા માટે ખૂબ જ યાદગાર રહ્યું છે. ‘બ્રમયુગમ’, ‘મંજુમ્મેલ બોયઝ’ અને ‘કિષ્કિંધા કાંડમ’ જેવી ફિલ્મો ચર્ચાના કેન્દ્રમાં છે, જેમાં મામૂટીના અભિનયની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. તે જ રીતે, હિન્દીમાંથી ‘શ્રીકાંત’ અને ‘ચંદુ ચેમ્પિયન’, તમિલમાંથી ‘મહારાજા’ અને તેલુગુમાંથી ‘કલ્કી ૨૮૯૮ એડી’ જેવી ફિલ્મો વિવિધ કેટેગરીમાં મજબૂત સ્પર્ધક માનવામાં આવે છે.
અનેક અભિનેતાના નામ મોખરે
અભિનયની શ્રેણીમાં શિવકાર્તિકેયન, વિજય સેતુપતિ, કાર્તિ અને સાઈ પલ્લવી જેવા કલાકારોના નામો ચાહકોની અટકળોમાં મોખરે છે. સત્તાવાર રીતે વિજેતાઓના નામની જાહેરાત PIB ઇન્ડિયા અને DD ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર કરવામાં આવશે. આ પુરસ્કારો માત્ર કલાકારોનું સન્માન જ નથી કરતા, પરંતુ ભારતીય સિનેમાની વૈવિધ્યસભર અને સર્જનાત્મક સફરને પણ નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. આજે સાંજે જ્યારે જ્યુરી તેમના અંતિમ નિર્ણય જાહેર કરશે, ત્યારે એ સ્પષ્ટ થશે કે કઈ ફિલ્મોએ ૨૦૨૪ના વર્ષને ભારતીય સિનેમાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે.
આ પણ વાંચોઃ Alpha Advance Booking : આલિયા ભટ્ટની પ્રથમ ફીમેલ-લીડ સ્પાય ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકો કરવા તૈયાર