બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ શૂન્યમાંથી સર્જન કરનારા અને આકરા સંઘર્ષ સામે લડીને સફળતા મેળવનારા કલાકારોની વાત આવે, ત્યારે પ્લેબેક સિંગર નેહા કક્કરનું નામ મોખરે લેવાય છે. નેહાનો જુસ્સો, સખત મહેનત અને સમર્પણ આજે લાખો ઉભરતા કલાકારો માટે એક આદર્શ ઉદાહરણ છે. આજે ૬ જૂનના રોજ બોલીવુડની આ પોપ્યુલર સિંગર પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે, ત્યારે આવો જાણીએ ઋષિકેશની ગલીઓથી લઈને માયાનગરી મુંબઈ સુધીની તેની રોમાંચક અને પ્રેરણાદાયી સફર.


બાળપણમાં ગરીબી જોઈ..નેહા કક્કર

નેહા કક્કરનો જન્મ ૬ જૂન, ૧૯૮૮ના રોજ ઉત્તરાખંડના ધાર્મિક નગરી ઋષિકેશમાં થયો હતો. તેના પિતાનું નામ ઋષિકેશ કક્કર અને માતાનું નામ નીતિ કક્કર છે. નેહા જ્યારે ખૂબ જ નાની હતી, ત્યારે તેનો પરિવાર આર્થિક સધ્ધરતાની શોધમાં ઉત્તરાખંડ છોડીને દિલ્હી આવી ગયો હતો. નેહાને એક બહેન સોનુ કક્કર અને એક ભાઈ ટોની કક્કર છે, અને આ બંને પણ આજે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના જાણીતા નામ છે. આજે ભલે નેહા દેશની સૌથી મોંઘી અને અમીર સિંગર્સમાં સામેલ હોય, પરંતુ તેનું બાળપણ ભારે આર્થિક તંગી અને ગરીબીમાં વીત્યું હતું.એક રિયાલિટી શો દરમિયાન નેહાએ ભાવુક થઈને ખુલાસો કર્યો હતો કે, "જ્યારે અમે નાના હતા ત્યારે અમારા પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. મારી મોટી બહેન સોનુ જે સ્કૂલમાં ભણતી હતી, મારા પિતા તે જ સ્કૂલની બહાર સમોસા વેચીને ઘરનું ગુજરાન ચલાવતા હતા."

માતાના જાગરણમાં મળતા હતા માત્ર ₹૫૦૦

નેહાને બાળપણથી જ સૂર અને સંગીત પ્રત્યે ભારે લગાવ હતો. તેણે માત્ર ચાર વર્ષની કુમળી વયે ગાવાનું શરૂ કરી દીધું હતું. પરિવારને આર્થિક મદદ કરવા માટે તે તેની મોટી બહેન સોનુ કક્કર સાથે રાત્રે માતા રાણીના જાગરણ અને ચૌકીઓમાં ભજન ગાવા જતી હતી. આખી રાત જાગરણમાં ભજનો ગાઈને શ્રદ્ધાળુઓને ભક્તિરસમાં ડુબાડનારી નેહાને તે સમયે ગાવા બદલ માત્ર ₹૫૦૦ મળતા હતા.

'ઇન્ડિયન આઇડલ'માં મળ્યું રીજેક્શન

નેહા કક્કરના જીવનમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તે ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. માત્ર ૧૬ વર્ષની ઉંમરે તેને દેશના સૌથી લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો "ઇન્ડિયન આઇડલ - સીઝન ૨" માં ભાગ લેવાની સુવર્ણ તક મળી. પોતાના દમદાર અવાજથી તેણે જજ અને ઓડિયન્સના દિલ તો જીત્યા, પરંતુ ઓછા વોટ મળવાને કારણે તે ટોપ-૧૦ માં સ્થાન મેળવી શકી નહીં અને શોમાંથી બહાર થઈ ગઈ. આ રીજેક્શનથી હિંમત હારવાને બદલે નેહાએ પોતાની જાત પર વધુ મહેનત કરવાનું શરૂ કર્યું.

બોલીવુડમાં કમાલ અને લાખો દિલો પર રાજ

'ઇન્ડિયન આઇડલ'માંથી બહાર થયા બાદ નેહાએ ક્યારેય પાછું વળીને જોયું નથી. વર્ષ ૨૦૦૮: નેહાએ પોતાનું પ્રાઈવેટ મ્યુઝિક આલ્બમ "નેહા ધ રોકસ્ટાર" લોન્ચ કર્યું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું. વર્ષ ૨૦૧૨માં તેને સૌથી મોટો બ્રેક ફિલ્મ 'કોકટેલ'ના સુપરહિટ ગીત "સેકન્ડ હેન્ડ જવાની" થી મળ્યો. આ એક હિટ ગીત બાદ નેહા કક્કર સિંગિંગ સેન્સેશન બની ગઈ. ત્યારબાદ તેણે એક પછી એક ચાર્ટબસ્ટર ગીતોની લાઈન લગાવી દીધી, જેમાં "સની સની", "કાલા ચશ્મા", "દિલબર", "આઓ રાજા", "મૈં તેરા બોયફ્રેન્ડ" અને "મિલે હો તુમ હમકો" જેવા સુપરહિટ ગીતો સામેલ છે. આજે નેહા માત્ર ગીતો જ નથી ગાતી, પરંતુ જે શોમાંથી તે ક્યારેક કન્ટેસ્ટન્ટ તરીકે બહાર થઈ ગઈ હતી, આજે તે જ 'ઇન્ડિયન આઇડલ'માં જજની ખુરશી પર બેસીને દેશભરના ટેલેન્ટને પારખે છે.

આ પણ વાંચો : Varun Dhavanની "હૈ જવાની તો ઇશ્ક હોના હૈ"નો બોક્સ ઓફિસ પર ચાલ્યો જાદુ, 1s Dayએ ₹7.50 કરોડની કમાણી

  • Follow us on: