મીના કુમારીની પાકીઝા હિન્દી સિનેમાની ક્લાસિક ફિલ્મ છે. વર્ષ 1972 માં રિલીઝ થયેલી આ રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી અને તેની વાર્તા દરેકના દિલમાં વસી ગઈ હતી. હવે ફરી એક વાર આ આઇકોનિક ફિલ્મ મોટા પડદા પર પાછી ફરવા જઈ રહી છે. સેન્ટ્રલ લંડનના બીએફઆઈ આઇમેક્સમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ થવા જઈ રહ્યું છે. જ્યારે એક મહિના પહેલાં જ આ ફિલ્મની ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ હતી, જેના પરથી ખબર પડે છે કે આજે પણ આ ફિલ્મનો જાદુ દર્શકો વચ્ચે અકબંધ છે. 54 વર્ષ પછી પણ આ ફિલ્મનો ક્રેઝ દર્શકો વચ્ચે ઓછો થયો નથી. 

ક્યારે અને ક્યાં થશે સ્ક્રીનિંગ?

18 ઓક્ટોબર 2026 ના રોજ સેન્ટ્રલ લંડનમાં બીએફઆઈ લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મ બતાવવામાં આવશે. નવા 4K રિસ્ટોરેશન સાથે આ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. મીના કુમારીના ફેન્સ આ સમાચારથી ખૂબ ખુશ છે કે તેઓ ફરી એક વાર આ આઇકોનિક ફિલ્મને મોટા પડદા પર જોઈ શકશે. કમાલ અમરોહીના ડિરેક્શનમાં બનેલી આ ક્લાસિક ફિલ્મને 54 વર્ષ પૂરા થઈ ગયા છે, પરંતુ સમય સાથે આ ફિલ્મની ચમક હજુ પણ એવી ને એવી જ છે. પરંતુ શું તમને ખબર છે કે આ ફિલ્મને બનવામાં 15 વર્ષ લાગ્યા હતા.

ફિલ્મને બનવામાં લાગ્યા 15 વર્ષ

પાકીઝા ફિલ્મને બનવામાં 15 વર્ષ લાગ્યા છે. આ ફિલ્મના શૂટિંગમાં થયેલા વિલંબના ઘણા કારણો રહ્યા છે. આ ફિલ્મની શરૂઆત વર્ષ 1957 માં થઈ હતી. મહલ ફિલ્મ બ્લોકબસ્ટર થયા પછી કમાલ અમરોહી બોલીવુડના મોટા ડિરેક્ટર બની ગયા હતા. જ્યારે મીના કુમારી તે સમયે એક ઉભરતા સ્ટાર હતાં અને તેઓ બાળપણથી જ ફિલ્મોમાં કામ કરી રહ્યાં હતાં. કમાલ અમરોહી અને મીના કુમારી વચ્ચે પ્રેમ થયો અને બંનેએ વર્ષ 1952માં લગ્ન કરી લીધાં હતાં. કમાલ ઉંમરમાં મીના કરતાં મોટા હતા અને તેમના 2 લગ્ન પણ થઈ ચૂક્યા હતા. જ્યારે પ્રેમમાં કમાલ અમરોહી મીના કુમારી માટે પાકીઝા મૂવી બનાવવા માંગતા હતા.
Pakeezah Re Release, Meena Kumari (2)

ટેકનિકલ ફેરફાર

કમાલ અમરોહીની આ ફિલ્મને પહેલાં ટેકનિકલ ફેરફારનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મ પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટમાં બનવા જઈ રહી હતી. પરંતુ કમાલ અમરોહીએ આ ફિલ્મને રંગીન ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. આ માટે તેમણે આ ફિલ્મને સિનેમાસ્કોપ લેન્સમાં બનાવવાનો નિર્ણય કર્યો. જ્યારે ફિલ્મ શરૂ કરવામાં આવી ત્યારે તેમને લેન્સનું ફોકસ બરાબર ન લાગ્યું, જેના કારણે લેન્સને રિસર્ચ માટે મોકલવામાં આવ્યો અને ફિલ્મના શૂટિંગમાં મોડું થયું.

બંને વચ્ચે અલગાવ

ત્યારબાદ ફિલ્મને બનતાં બનતાં એટલો સમય લાગી ગયો કે વર્ષ 1964 આવી ગયું. આ સમય દરમિયાન કમાલ અને મીના કુમારી વચ્ચે મતભેદ થઈ ગયો અને બંને અલગ થઈ ગયાં. ત્યારબાદ આ ફિલ્મનું કામ સંપૂર્ણપણે રોકી દેવામાં આવ્યું. અંગત જીવનના તણાવના કારણે મીના કુમારીને દારૂની લત લાગી ગઈ અને તે પછી સતત તેમની તબિયત લથડતી ગઈ. તેમને લિવર સિરોસિસ જેવી ગંભીર બીમારી પણ થઈ ગઈ હતી.
Pakeezah Re Release, Meena Kumari (3)

આંતરિક મતભેદ

વર્ષ 1968 માં કમાલ અમરોહીએ પોતાનાથી અલગ રહેતી પત્ની મીના કુમારીને એક પત્ર મોકલ્યો અને લખ્યું કે હવે પાકીઝાને પૂરી કરવાની જ બાકી છે. પરંતુ મીના કુમારીએ કહ્યું કે જ્યાં સુધી તેમને છૂટાછેડા નહીં મળે ત્યાં સુધી તેઓ આ ફિલ્મ નહીં કરે. કમાલ પણ આ શરત માનવા તૈયાર થઈ ગયા હતા, પરંતુ મીનાની બીમારીના કારણે તેઓ આ ફિલ્મનું શૂટિંગ કરી શકતાં નહોતાં. આ સમય દરમિયાન કમાલ અને મીના કુમારી વચ્ચે વાતચીત પણ બંધ હતી. મીના કુમારીની ખાસ ફ્રેન્ડ નરગિસે મીનાને સમજાવ્યું કે કમાલ તમારી રાહ જોઈને થાકી ગયા છે અને તેઓ કોઈ બીજી એક્ટ્રેસની શોધમાં છે.

મ્યુઝિક ડિરેક્ટરનું અવસાન

દરમિયાન ફિલ્મના મૂળ મ્યુઝિક ડિરેક્ટર ગુલામ મોહમ્મદનું પણ અવસાન થઈ ગયું. ત્યારબાદ ફિલ્મનું સંગીત અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ અધૂરું રહી ગયું. આ પછી તો જાણે કમાલ અમરોહીએ આ ફિલ્મ બનાવવાની આશા જ છોડી દીધી હતી. પરંતુ પાછળથી આ ફિલ્મનું મ્યુઝિક સંગીતકાર નૌશાદે પૂરું કર્યું.

આ પણ વાંચો-KBC 18 : અમિતાભ બચ્ચનને 'બુઢ્ઢાઉ' કહી બેઠા હતા આયુષ્માન ખુરાના! હવે શોમાં માગવી પડી માફી, જુઓ Video