નેશનલ ફિલ્મ અવોર્ડ્સનો 72મો સમારોહ દેશની રાજધાની દિલ્હીને બદલે ગુજરાતના કેવડિયામાં યોજાશે. ઘણા વર્ષોથી આ સમારોહ દિલ્હીમાં જ યોજાતો આવ્યો છે. આ સમારોહ 22 સપ્ટેમ્બરે યોજાશે. તેને લઈને કેટલાક લોકોએ સવાલો પણ ઉઠાવ્યા છે. હવે બોલીવુડ અભિનેતા પરેશ રાવલે ગુજરાતનો બચાવ કરતાં કહ્યું છે કે ગુજરાત ભારતનો જ એક ભાગ છે અને ત્યાં મોટા રાષ્ટ્રીય કાર્યક્રમો યોજવામાં કંઈ ખોટું નથી.

પરેશ રાવલે શું કહ્યું?

ANI સાથે વાત કરતાં પરેશ રાવલે કહ્યું, શું ગુજરાત બાંગ્લાદેશ કે પાકિસ્તાનમાં છે? ગુજરાત પણ આપણા દેશનો જ એક ભાગ છે. તો આ કાર્યક્રમ ગુજરાતમાં કેમ ન યોજાય? ગુજરાતમાં પણ આવા કાર્યક્રમો યોજાવા જોઈએ. મારું કહેવું છે કે આવા કાર્યક્રમો દરેક રાજ્યમાં યોજાવા જોઈએ. તેમાં કંઈ ખોટું નથી. મોટો નિર્ણય લેતા મંત્રાલયે નક્કી કર્યું છે કે હવે નેશનલ ફિલ્મ અવોર્ડ્સનું આયોજન દેશના અલગ-અલગ ભાગોમાં કરવામાં આવશે. એટલે કે આ સમારોહને માત્ર દેશની રાજધાની સુધી સીમિત રાખવામાં આવશે નહીં.
https://twitter.com/ANI/status/2098311356357464549

72મા નેશનલ ફિલ્મ અવોર્ડ્સ સમારોહનું આયોજન ગુજરાતના કેવડિયામાં કરવામાં આવશે. 1954માં શરૂ થયેલા નેશનલ ફિલ્મ અવોર્ડ્સ ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાં સામેલ છે. અવોર્ડ સમારોહ 22 સપ્ટેમ્બરે યોજાશે.

આ કલાકારોને મળશે સન્માન

ફિલ્મ અવોર્ડ્સમાં કાર્તિક આર્યન અને મમૂટી ને બેસ્ટ એક્ટરનો અવોર્ડ આપવામાં આવશે. કાર્તિકને ચંદુ ચેમ્પિયન અને મમૂટીને બ્રહ્મયુગમમાં દમદાર અભિનય માટે આ સન્માન મળશે. આર્ટિકલ 370ને બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. યામી ગૌતમને આર્ટિકલ 370 માટે બેસ્ટ એક્ટ્રેસના સન્માનથી નવાજવામાં આવશે. જ્યારે ભંગારને બેસ્ટ નોન-ફીચર ફિલ્મ અને રામ-નામીને જ્યુરીએ બેસ્ટ ડોક્યુમેન્ટરી તરીકે પસંદ કરી છે. રણદીપ હુડ્ડાને સ્વાતંત્ર્ય વીર સાવરકર માટે બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરનો અવોર્ડ મળશે. કલ્કિ 2898 એડી, અમરન, પુષ્પા: ધ રૂલ પાર્ટ-02, ભૂલ ભુલૈયા 3 અને સ્ત્રી 2 જેવી ફિલ્મોને પણ અલગ-અલગ કેટેગરીમાં અવોર્ડ મળશે.

આ પણ વાંચો-Retro TV : 40 વર્ષ પહેલાં આવેલી દૂરદર્શનની એ હિટ સિરિયલ જેના નામ પર છે રેલવે સ્ટેશન!