નેટફ્લિક્સ પર ટૂંક સમયમાં પાકિસ્તાની વેબ સિરીઝ ‘જો બચે હૈં સંગ સમેટ લો’ રિલીઝ થવાની છે. જોકે, રિલીઝ પહેલાં જ ભારતમાં આ સિરીઝનો વિરોધ શરૂ થઈ ગયો છે. ભારતીય સિનેમા સાથે સંકળાયેલા લોકો અને સામાન્ય નાગરિકોમાં આ મુદ્દે નારાજગી જોવા મળી રહી છે.

આ દરમિયાન ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન (AICWA)એ મોટું પગલું ભર્યું છે. સંગઠને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ પાકિસ્તાની સિરીઝની ભારતમાં રિલીઝ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

AICWAએ વડાપ્રધાનને લખેલા પત્રમાં ભારતમાં પાકિસ્તાની કન્ટેન્ટ બતાવવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. સંગઠનનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો ત્યારે અનેક પાકિસ્તાની કલાકારોએ ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યાં હતાં.

સંગઠનના મતે ભારતીય સ્ક્રીન પર પાકિસ્તાની ફિલ્મો, વેબ સિરીઝ, ગીતો કે પોડકાસ્ટ માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં.

કડક કાયદો બનાવવાની પણ માંગ

સિને વર્કર્સ એસોસિએશને સરકાર સમક્ષ માત્ર આ એક સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની જ નહીં, પરંતુ કાયમી અને મજબૂત કાયદો બનાવવાની પણ માંગ કરી છે. સંગઠન ઇચ્છે છે કે આવા નિયમોનું ઉલ્લંઘન કરનારા પ્લેટફોર્મ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ સાથે નેટફ્લિક્સ ઇન્ડિયા સહિત તમામ OTT પ્લેટફોર્મને ભારતમાં પાકિસ્તાની કન્ટેન્ટ પ્રસારિત ન કરવાની અપીલ કરવામાં આવી છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયની એડવાઇઝરીનો ઉલ્લેખ

AICWAએ પોતાની માંગને સમર્થન આપવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 8 મે, 2025ના રોજ જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીનો પણ ઉલ્લેખ કર્યો છે. સંગઠનનું કહેવું છે કે જો નેટફ્લિક્સ ભારતમાં આ સિરીઝ સ્ટ્રીમ કરશે તો તે સરકારી એડવાઇઝરીની ભાવનાની વિરુદ્ધ હશે. એસોસિએશને કેન્દ્ર સરકારને તમામ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર સરકારી માર્ગદર્શિકાનો કડક અમલ કરાવવાની અપીલ કરી છે.

https://www.instagram.com/p/DgJZ8GfhfTS/?utm_source=ig_web_copy_link&jplx=MzRlODBiNWFlZA==&avpt=MzRlODBiNWFlZA==

4 ડિસેમ્બરે રિલીઝ થશે લવ સ્ટોરી આધારિત સિરીઝ

વિવાદમાં આવેલી પાકિસ્તાની સિરીઝ ‘જો બચે હૈં સંગ સમેટ લો’ના નિર્માતાઓએ તેને 4 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ કરવાની જાહેરાત કરી છે. આ સિરીઝમાં ત્રણ અલગ-અલગ પેઢીની કુલ છ પ્રેમકથાઓ જોવા મળશે.

નેટફ્લિક્સે તાજેતરમાં સિરીઝનું સત્તાવાર પોસ્ટર શેર કર્યું હતું. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ત્રણ પેઢી, છ પ્રેમકથાઓ અને એક સવાલ... શું આપણા દિલમાં વસેલો પ્રેમ પૂરતો છે? પોસ્ટર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ફવાદ અને માહિરા સહિત અનેક જાણીતા કલાકારો જોવા મળશે

આ સિરીઝમાં પાકિસ્તાની મનોરંજન જગતના અનેક જાણીતા કલાકારો જોવા મળશે. તેમાં ફવાદ ખાન અને માહિરા ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત સનમ સઈદ, અહદ રઝા મીર, હમઝા અલી અબ્બાસી, અહમદ અલી અકબર, બિલાલ અશરફ, માયા અલી, ઇકરા અઝીઝ, હાનિયા આમિર, ખુશાલ ખાન, નાદિયા જમીલ, ઓમૈર રાણા અને સમીના અહમદ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો:Dengue: હવે મચ્છરો જ કરશે ડેન્ગ્યુનો ખાત્મો! વૈજ્ઞાનિકોની નવી ટેક્નોલોજીએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું