વર્ષ ૨૦૦૬માં રિલીઝ થયેલું આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર શકીરાનું સુપરહિટ ગીત "Hips Don't Lie" આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. પરંતુ શું તમે ક્યારેય આ પોપ ગીતનો રાજસ્થાની ફ્યુઝન અવતાર સાંભળ્યો છે? રાજસ્થાનના વિશ્વવિખ્યાત ઇસ્માઇલ લંગા ગ્રુપે આ ગ્લોબલ હિટ નંબરને પરંપરાગત રાજસ્થાની લોકસંગીતનો એવો તડકો આપ્યો છે કે સાંભળનાર ઝૂમી ઉઠે છે! આ અનોખા ફ્યુઝન ગીતનું નામ "હિપ્સ ડોન્ટ લાઈ એક્સ મોરુડા" (Hips Don't Lie x Moruda) રાખવામાં આવ્યું છે.
શકીરાના ગીતને મળ્યો રાજસ્થાની તડકો
યુટ્યુબ પર રિલીઝ થતાં જ આ ગીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ઇસ્માઇલ લંગા ગ્રુપે પોપ ક્વીન શકીરાને અનોખી શ્રદ્ધાંજલિ આપતા આ ગીત તૈયાર કર્યું છે. ફ્યુઝન કોકટેલ ગ્રુપે "Hips Don't Lie" ના લેટિન પોપ બીટ્સને લોકપ્રિય રાજસ્થાની લોકગીત "મોરુડા" સાથે જોડી દીધું છે.
પરંપરાગ અને આધુનિક ગીતનું અનોખું મિશ્રણ
મારવાડી અને અંગ્રેજી બોલીના અવાજોનું આહલાદક મિશ્રણ આ ગીતને અસાધારણ બનાવે છે. પહેલા પણ કર્યા છે પ્રયોગ: "Hips Don't Lie" પહેલાં પણ ઇસ્માઇલ લંગા ગ્રુપ શકીરાના વર્લ્ડ કપ એન્થમ "Waka Waka" નું પણ રાજસ્થાની વર્ઝન બનાવીને પ્રશંસા મેળવી ચૂક્યું છે.
કોણ છે ઇસ્માઇલ લંગા અને તેમનું ગ્રુપ?
રાજસ્થાનની પરંપરાગત લંગા લોકસંગીત પરંપરા સાથે જોડાયેલા ઇસ્માઇલ લંગા અને તેમનું ગ્રુપ આજે વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધારી રહ્યું છે. એક સમયે રાજવી ઘરાનાઓ અને લગ્નપ્રસંગોમાં પ્રદર્શન કરતા લંગા ગાયકોએ આજે તમામ સીમાઓ ઓળંગી લીધી છે. આ ગ્રુપ અત્યાર સુધી ૨૫ થી વધુ દેશોમાં રાજસ્થાની સંસ્કૃતિની છાપ છોડી ચૂક્યું છે.
રિયાલિટી શોથી થયું પોપ્યુલર
ઇસ્માઇલ લંગા ગ્રુપ રિયાલિટી શો India's Got Talent Season 8 ની સેમિફાઇનલ સુધી પહોંચ્યું હતું અને દેશભરમાં ભારે લોકપ્રિયતા મેળવી હતી. પરંપરાગત લોકસંગીત ઉપરાંત બોલિવૂડ અને આંતરરાષ્ટ્રીય ગીતોને પોતાની મારવાડી શૈલીમાં રજૂ કરવા માટે આ ગ્રુપ ખાસ ઓળખાય છે.
આ પણ વાંચો : Anupama Parameswaran: એક્સ બોયફ્રેન્ડે ત્રાસ આપતા 2 વર્ષ સુધી ડિપ્રેશનમાં રહી, અનુપમાનું છલકાયું દર્દ