બોલીવુડના લોકપ્રિય કોમેડિયન રાજપાલ યાદવ સામે ₹9 કરોડના ચેક બાઉન્સ કેસમાં કાર્યવાહી ચાલી રહી છે. આ કેસની શરૂઆત 2010માં થઈ હતી, જ્યારે રાજપાલે પોતાની ફિલ્મ “આતા પતા લપતા” બનાવવા માટે દિલ્હીના એક ઉદ્યોગપતિ પાસેથી ₹5 કરોડની લોન લીધી હતી. આ ફિલ્મ 2012માં રિલીઝ થઈ, પરંતુ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી. ફિલ્મને નુકસાન થતા રાજપાલ લોન પરત આપી શક્યા નહીં. સમય જતાં વ્યાજ સાથે આ રકમ વધીને લગભગ ₹9 કરોડ થઈ ગઈ. 2018માં આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો અને રાજપાલ તથા તેમની પત્ની સામે કેસ દાખલ થયો.

કોર્ટમાં શું થયું?

દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ન્યાયાધીશે રાજપાલને કડક શબ્દોમાં ઠપકો આપ્યો. કોર્ટે કહ્યું: “તમને 25થી વધુ તક આપવામાં આવી હતી, પરંતુ તમે આદેશનો અનાદર કર્યો.” કોર્ટે પૂછ્યું કે જ્યારે રાજપાલે પહેલેથી જ લોન લેવાનું સ્વીકાર્યું હતું અને ચૂકવણી કરવાનો વચન આપ્યો હતો, ત્યારે હવે સજા સામે સ્ટે કેમ માંગવામાં આવી રહી છે?

મામલો સમાધાનથી ઉકેલવા

રાજપાલના વકીલે દલીલ કરી કે તેઓ મામલો સમાધાનથી ઉકેલવા માગે છે. તેમણે જણાવ્યું કે ₹3 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી ચૂકી છે અને બાકીની રકમ જમા કરાવવા માટે ફિલ્મ ઉદ્યોગમાંથી મદદ મળી રહી છે. વકીલે વધુમાં જણાવ્યું કે રાજપાલના પરિવારમાં લગ્ન હોવાથી તેમને જામીનની જરૂર છે. પરંતુ હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે કાયદો બધાને સમાન છે અને માત્ર સહાનુભૂતિના આધારે રાહત આપી શકાતી નથી.

સેલિબ્રિટીઓનો ટેકો

આ મુશ્કેલ સમયમાં ફિલ્મ ઉદ્યોગમાંથી અનેક લોકોએ રાજપાલ યાદવને મદદનો હાથ લંબાવ્યો છે. સલમાન ખાન, અજય દેવગન, વરુણ ધવન, સોનુ સૂદ, ડેવિડ ધવન, ગુરુ રંધાવા, મીકા સિંહ સહિત અનેક સેલિબ્રિટીઓએ નાણાકીય સહાય આપી હોવાનું જાણવા મળે છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) એ પણ લોકોને રાજપાલને મદદ કરવા અપીલ કરી છે. રાજપાલની પત્ની રાધાએ સમગ્ર ઉદ્યોગના ટેકાને લઈને આભાર વ્યક્ત કર્યો છે.

રાજપાલ યાદવને જેલ કેમ જવું પડ્યું?

કોર્ટના અનેક આદેશો છતાં સમયસર ચૂકવણી ન થતા રાજપાલને શરણાગતિ સ્વીકારવી પડી. અગાઉ પણ તેઓ આ જ કેસમાં બે વખત જેલમાં રહી ચૂક્યા છે. તાજેતરમાં તેમણે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું છે. હાલમાં કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે. જો બાકી રકમની ચૂકવણી માટે સંતોષકારક વ્યવસ્થા થાય, તો તેમને રાહત મળી શકે છે. નહીં તો કાયદેસરની કાર્યવાહી આગળ વધશે.

આગળ શું?

આ કેસ બોલીવુડ અને કાનૂની વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ સેલિબ્રિટીઓનો સહકાર છે, તો બીજી તરફ કોર્ટનો કડક અભિગમ છે. હવે જોવાનું રહ્યું કે રાજપાલ યાદવને જામીન મળે છે કે કાયદાની પ્રક્રિયા વધુ કડક બને છે.

આ પણ વાંચો : Rajpal Yadav : તિહાર જેલમાં રાજપાલ યાદવ: આજે મળશે જામીન?