બોલિવૂડના જાણીતા કોમેડીના દિગ્ગજ રાજપાલ યાદવ હાલ તિહાર જેલમાં છે અને આજે તેમની જામીન અરજી પર કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે. વર્ષ 2010ના ચેક બાઉન્સ કેસને લઈને તેઓ કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે. હવે ફિલ્મ ઉદ્યોગના ઘણા સ્ટાર્સ તેમની આર્થિક મદદ માટે આગળ આવ્યા છે, જેના કારણે તેમની જામીન મળવાની આશા વધી છે.


 2010માં દિગ્દર્શક

રાજપાલ યાદવે વર્ષ 2010માં દિગ્દર્શક તરીકે પોતાની પહેલી ફિલ્મ “આતા પતા લપતા” બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ₹5 કરોડની લોન લીધી હતી. દુર્ભાગ્યે, ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ અને તેમને ભારે નુકસાન સહન કરવું પડ્યું. વ્યાજ સાથે આ રકમ વધી ને લગભગ ₹9 કરોડ થઈ ગઈ. લોન ચૂકવવા માટે તેમણે અનેક ચેક આપ્યા, પરંતુ તે ચેક બાઉન્સ થયા. આ કારણે તેમના સામે કાનૂની કાર્યવાહી શરૂ થઈ અને કેસ કોર્ટ સુધી પહોંચ્યો.

તેઓ પહેલાથી બે વખત જેલ જઈ ચૂક્યા

આ કેસમાં તેઓ પહેલાથી બે વખત જેલ જઈ ચૂક્યા છે. તાજેતરમાં કોર્ટ દ્વારા વધુ સમયની તેમની અરજી નકારી કાઢવામાં આવી, જેના કારણે તેમને આત્મસમર્પણ કરવું પડ્યું અને તેઓ તિહાર જેલમાં ગયા. આત્મસમર્પણ કરતા પહેલા રાજપાલ ખૂબ જ ભાવુક થયા હતા. અહેવાલો મુજબ તેમણે અધિકારીઓ સમક્ષ કહ્યું હતું કે તેમની પાસે પૈસા નથી અને તેઓ મુશ્કેલીમાં છે.

મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા લોકો તેમની મદદ માટે

હવે રાજપાલના આ મુશ્કેલ સમયમાં બોલિવૂડ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા લોકો તેમની મદદ માટે આગળ આવ્યા છે. સલમાન ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી, અજય દેવગણ, વરુણ ધવન, સોનુ સૂદ, મીકા સિંહ, ગુરુ રંધાવા, કમાલ આર ખાન, ગુરમીત ચૌધરી, રાવ ઇન્દ્રજીત સિંહ, તેજ પ્રતાપ યાદવ અને અન્ય ઘણા લોકોએ આર્થિક સહાય આપી છે.

₹1.11 કરોડનું દાન

સંગીત નિર્માતા રાવ ઇન્દ્રજીત સિંહે ₹1.11 કરોડનું દાન આપ્યું છે. તેજ પ્રતાપ યાદવ અને મીકા સિંહે ₹11 લાખ જેટલી મદદ કરી છે. કમાલ આર ખાને ₹10 લાખ આપ્યા છે. ગુરુ રંધાવાએ રાજપાલ સાથેના પ્રોજેક્ટ માટે એડવાન્સ પેમેન્ટ આપ્યુ છે. ભોજપુરી અભિનેતા નિરહુઆએ પણ પ્રોડ્યૂસર્સને રાજપાલને સાઇનિંગ રકમ પહેલા આપવાની અપીલ કરી છે. FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ) એ પણ ઉદ્યોગના સભ્યોને મદદ માટે આગળ આવવા વિનંતી કરી છે.

પત્ની રાધાએ ફિલ્મ ઉદ્યોગનો આભાર વ્યક્ત

રાજપાલની પત્ની રાધાએ ફિલ્મ ઉદ્યોગનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે દરેક વ્યક્તિએ મુશ્કેલ સમયમાં ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક પરિવારની જેમ ઉભો રહ્યો છે. હવે મુખ્ય પ્રશ્ન એ છે કે શું આ તમામ આર્થિક સહાય મળીને ₹9 કરોડની રકમ પૂરી કરી શકાશે અને શું કોર્ટ રાજપાલને જામીન આપશે? ફેન્સ અને પરિવારને આશા છે કે આજે કોર્ટમાં સકારાત્મક નિર્ણય આવશે અને રાજપાલ યાદવને રાહત મળશે. આ કેસ માત્ર એક અભિનેતાની કાનૂની લડાઈ નથી, પરંતુ તે દર્શાવે છે કે મુશ્કેલ સમયમાં ઉદ્યોગ એકતા બતાવી શકે છે. હવે સૌની નજર કોર્ટના નિર્ણય પર ટકેલી છે.

આ પણ વાંચો : Shreyas Talpade : શ્રેયસ તલપડે વિરુદ્ધ યુપીમાં છેતરપિંડીનો કેસ નોંધાયો, જાણો સમ્રગ મામલો


  • Follow us on: