બોલીવુડના જાણીતા કોમેડિયન અને એક્ટર રાજપાલ યાદવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. 7 ચેક બાઉન્સ કેસને લઈને આજે સુપ્રીમ કોર્ટે એક્ટરને જોરદાર ફટકાર લગાવી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ત્રણ જજોની બેંચે સુનાવણી દરમિયાન ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં નોંધ્યું કે વારંવાર સ્પષ્ટ આદેશ આપવા છતાં રાજપાલ યાદવે હજુ સુધી 5 કરોડ રૂપિયા જમા કરાવ્યા નથી.
સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી
સુનાવણી દરમિયાન બેંચે એક્ટરના વલણ સામે નારાજગી દર્શાવતાં કહ્યું કે, આમનો અહંકાર તો જુઓ... અમે ફરિયાદ કરનાર વ્યક્તિને થોડી રાહત મળે તે માટે આ એક્ટરના આવા વર્તનને અવગણવા તૈયાર હતા. નહીં તો અમે ક્યારનીય આમની અરજી ફગાવી દીધી હોત. કોર્ટે આ મામલે કડક વલણ અપનાવીને રાજપાલ યાદવને આવતીકાલ સુધીમાં અદાલતના આદેશનું પાલન કરવાની આખરી તક આપી દીધી છે. જો નિર્ધારિત સમયમાં રૂપિયા જમા નહીં થાય તો એક્ટરની કાયદાકીય મુશ્કેલીઓ વધી શકે છે.

શું છે આખો વિવાદ?
આ સમગ્ર મામલો રાજપાલ યાદવના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ અતા પતા લાપતા સાથે જોડાયેલો છે. વર્ષ 2010 માં આ ફિલ્મના નિર્માણ માટે એક્ટરે દિલ્હીના એક બિઝનેસમેન પાસેથી લગભગ 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહીં અને ફ્લોપ સાબિત થઈ. ત્યારબાદ જ્યારે લોન ચૂકવવાનો સમય આવ્યો ત્યારે એક્ટરે જે ચેક આપ્યા હતા તે બેંકમાં બાઉન્સ થઈ ગયા.
દિલ્હી હાઈકોર્ટની સજા અને સુપ્રીમ કોર્ટ પહોંચ્યો કેસ
ચેક બાઉન્સ થવાના કારણે બિઝનેસમેને એક્ટર સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી. લાંબી સુનાવણી પછી દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવને દોષિત ઠેરવીને 3 મહિનાની જેલની સજા ફટકારી હતી. આ સજા સામે રાહત મેળવવા માટે એક્ટરે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટમાં પણ રૂપિયા જમા કરાવવાની શરતે જ રાહત મળી હતી, જેનું પાલન કરવામાં એક્ટર વારંવાર નિષ્ફળ રહ્યા છે. હવે આવતીકાલનો દિવસ એક્ટરના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પણ વાંચો-Record Breaker : દૃશ્યમ 3 સામે 4 ફિલ્મો ફેઇલ! બની ગઈ 2026ની 7મી હાઈએસ્ટ ગ્રોસર