નિતેશ તિવારીની રામાયણ 5 નવેમ્બરે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી જેવા મોટા સિતારાઓ છે. ફિલ્મને મોટાભાગના દર્શકો તરફથી પોઝિટિવ રિવ્યુ મળ્યા છે. જોકે દિવાળીના સપ્તાહમાં રિલીઝ થવાના કારણે બોક્સ ઓફિસ પર તેની ઓપનિંગ થોડી ધીમી રહી હતી. ત્યારપછી ગઈકાલે ધનતેરસનો દિવસ પણ નબળો રહ્યો, પરંતુ નાની દિવાળી રામાયણ માટે મોટી સાબિત થઈ છે.
ત્રીજા દિવસે રામાયણ ફિલ્મે કર્યો કમાલ
સૈકનિલ્કના અહેવાલ મુજબ, રામાયણ ફિલ્મે ત્રીજા દિવસે મોટો ઉછાળો નોંધાવ્યો છે. શનિવારે ફિલ્મે ભારતમાં નેટ 69.80 કરોડનું કલેક્શન કર્યું અને આ સાથે ફિલ્મની કુલ નેટ કમાણી 182.70 કરોડ થઈ ગઈ છે. જ્યારે ગ્રોસ કલેક્શન 218.25 કરોડ પર પહોંચ્યું છે. વર્લ્ડવાઇડ સ્તરે પણ ફિલ્મે ત્રીજા દિવસે 60 કરોડનું કલેક્શન કર્યું, જેનાથી વિશ્વભરની કુલ કમાણી 375.50 કરોડ સુધી પહોંચી ગઈ છે.

શનિવારે કલેક્શનમાં 45 ટકાનો મોટો ઉછાળો
શનિવારે ફિલ્મના કલેક્શનમાં આશરે 45 ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. જેમાં સૌથી મોટો ફાળો હિન્દી ભાષાનો રહ્યો, જેના દેશભરમાં 19 હજારથી વધુ શો યોજાયા હતા અને ત્યાંથી નેટ 53 કરોડની કમાણી થઈ હતી. જોકે અન્ય ભાષાઓએ પણ કલેક્શનમાં સારો ટેકો આપ્યો હતો. કન્નડમાં 6.30 કરોડ, તેલુગુમાં ₹6 કરોડ, તમિલમાં 2.50 કરોડ અને મલયાલમમાં 2 કરોડનું નેટ કલેક્શન રહ્યું હતું. હિન્દીની સરખામણીએ પ્રાદેશિક ભાષાઓમાં રામાયણની ઓક્યુપન્સી ઘણી મજબૂત જોવા મળી હતી.

પ્રાદેશિક ભાષાઓમાં હાઉસફુલ રહ્યા રામાયણના શો
બુક માય શો પર પણ હિન્દી કરતાં કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓના શો વધારે હાઉસફુલ જોવા મળ્યા હતા. પરંતુ ત્યાં સૌથી મોટી મુશ્કેલી મર્યાદિત શોની રહી હતી. હિન્દી સિવાય તેલુગુમાં રામાયણના એક હજારથી વધુ શો રાખવામાં આવ્યા છે, જ્યારે કન્નડ, તમિલ અને મલયાલમમાં લિમિટેડ શો જ મળ્યા છે. જો ત્યાં પણ શોની સંખ્યા વધારવામાં આવે તો કમાણીમાં મોટો ઉછાળો આવવો નક્કી છે. પોઝિટિવ વર્ડ ઓફ માઉથની સીધી અસર કમાણી પર દેખાઈ રહી છે. આજે દિવાળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, જેથી લોકો તહેવારોની ઉજવણીમાં વ્યસ્ત રહેશે.

2000 કરોડનું તોતિંગ બજેટ
રામાયણ ફિલ્મનો પહેલો ભાગ 2000 કરોડના જંગી બજેટમાં બન્યો હોવાથી અપેક્ષાઓ ઘણી વધારે હતી. એ બજેટના પ્રમાણમાં શરૂઆતની ધીમી કમાણી થોડી નિરાશાજનક રહી હતી. જોકે ઘણા વિશ્લેષકોનું માનવું છે કે દિવાળીના તહેવારની વ્યસ્તતાને કારણે બોક્સ ઓફિસ પર આવો માહોલ સર્જાયો હતો. દિવાળીના બીજા દિવસે એટલે કે સોમવારે કમાણીમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળી શકે છે.
આ પણ વાંચો-Sunny Deol on Ramayana : 'દરેક હિન્દુસ્તાની જુએ રામાયણ...' સની દેઓલે ફેન્સને કરી ખાસ અપીલ!