રણબીર કપૂરની રામાયણ પાર્ટ 1 આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. થોડા સમય પહેલા જ ફિલ્મનું પહેલું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. એક તરફ મેકર્સ ફિલ્મની રિલીઝની તૈયારીઓમાં વ્યસ્ત છે, તો બીજી તરફ રામાયણ પાર્ટ 1ને લઈને નવી મુશ્કેલીઓ સામે આવી રહી છે.

વિવાદ શું છે?

શ્રી રામલીલા મહાસંઘે રામાયણના મેકર્સને અપીલ કરી છે કે ફિલ્મ દુનિયાભરમાં રિલીઝ થાય તે પહેલાં તેમના પ્રતિનિધિઓ માટે ખાસ પ્રીવ્યૂ સ્ક્રીનિંગ રાખવામાં આવે. સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે કે જો આ માગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ વિરોધ પ્રદર્શન કરશે.

રામલીલા મહાસંઘે રામાયણની સ્ક્રીનિંગની માગ કરી

રામલીલા મહાસંઘના અધ્યક્ષ અર્જુન કુમારે નિર્દેશક નિતેશ તિવારી અને ફિલ્મની પ્રોડક્શન કંપનીને લખેલા પત્રમાં દિવાળી 2026 પહેલાં ભારત અને વિદેશમાં રિલીઝ થનારી રામાયણ પાર્ટ 1નું પ્રીવ્યૂ સ્ક્રીનિંગ કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે ફિલ્મમાં એવો કોઈ સીન ન હોવો જોઈએ જેનાથી હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે.
https://www.instagram.com/reel/DbZNhq9saqj/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

આ માગ વર્ષ 2023માં આવેલી ફિલ્મ આદિપુરુષને લઈને થયેલા વિવાદ બાદ કરવામાં આવી છે. તે ફિલ્મમાં હિંદુ મહાકાવ્યના પાત્રો અને સ્થળોને દર્શાવવાની રીતની ભારે ટીકા થઈ હતી. અર્જુન કુમારે જણાવ્યું કે સનાતન સમાજ અને પરંપરાગત રામલીલા સાથે જોડાયેલા લોકોએ 'આદિપુરુષ'માં લંકાને સોનેરી બદલે કાળા રંગમાં દર્શાવવી અને રાવણ તેમજ તેની સેનાને પરંપરાથી અલગ રીતે રજૂ કરવાના મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. મહાસંઘને મળેલી માહિતી મુજબ 'રામાયણ'માં પણ કેટલાક એવા દૃશ્યો હોઈ શકે છે જે ભારત અને વિદેશમાં રહેતા હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી શકે.

વિરોધ પ્રદર્શનની ચેતવણી

રામલીલા મહાસંઘના અધ્યક્ષે એક પ્રેસ નોટમાં જણાવ્યું કે આ કારણસર સંગઠને ફિલ્મનું ખાસ પ્રીવ્યૂ સ્ક્રીનિંગ કરવાની માગ કરી છે, જેથી રિલીઝ પહેલાં કોઈ વાંધાજનક દૃશ્ય અથવા ડોયલોગ હોય તો તેને દૂર કરી શકાય. તેમણે વધુમાં ચેતવણી આપી કે જો ફિલ્મના નિર્માતાઓ આ માગ સ્વીકારશે નહીં તો શ્રી રામલીલા મહાસંઘ અને અનેક હિંદુ સંગઠનો મળીને દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં સિનેમા હોલની બહાર વિરોધ પ્રદર્શન કરશે.

રામાયણ પાર્ટ 1ક્યારે રિલીઝ થશે?

રામાયણનું ટ્રેલર થોડા સમય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલરમાં યશના રાવણના પાત્રથી લઈને રણબીર કપૂરના ભગવાન રામના રોલ અને અરુણ ગોવિલના રાજા દશરથના પાત્રની ઝલક જોવા મળી હતી. સાઈ પલ્લવી સીતાના પાત્રમાં, રવિ દુબે લક્ષ્મણના પાત્રમાં અને રકુલ પ્રીત સિંહ શૂર્પણખાના પાત્રમાં જોવા મળ્યા હતા. ટ્રેલરમાં રામ અને સીતાના લગ્ન, સીતાનું અપહરણ અને રામ-રાવણ યુદ્ધની તૈયારીઓ જેવા મહત્વના પ્રસંગો પણ દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં સની દેઓલ હનુમાનની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મનું સંગીત હાન્સ ઝિમર અને એ.આર. રહમાને તૈયાર કર્યું છે. રામાયણ પાર્ટ 1 દિવાળી 2026માં સિનેમાઘરોમાં રિલીઝ થશે, જ્યારે રામાયણ પાર્ટ 2 દિવાળી 2027માં રિલીઝ થશે.

આ પણ વાંચો-Iconic Movie : સની દેઓલની એ સુપરહિટ ફિલ્મ, જે 2.5 કરોડમાં બની અને કમાયા 20 કરોડ!