રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ રામાયણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મની ચોમેર પ્રશંસા થઈ રહી છે. સિનેમેટોગ્રાફીથી લઈને ગ્રાફિક્સ અને એનિમેશન સુધીનો દરેક અનુભવ અદ્ભુત રહ્યો છે. આ 4000 કરોડના બજેટવાળી રામાયણને ભવ્ય બનાવવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે.
રાવણનું 1 કરોડનું સિંહાસન અને શૂર્પણખાનો આલીશાન રથ
રામાયણના સેટને અતિ ભવ્ય બનાવવા માટે મેકર્સે જીવ રેડી દીધો છે. સખત મહેનતની સાથે સાથે પાણીની જેમ પૈસા પણ વહાવવામાં આવ્યા છે. ફિલ્મમાં રાવણનું જે ભવ્ય સિંહાસન દર્શાવવામાં આવ્યું છે તેની કિંમત 1 કરોડ છે, જ્યારે રકુલ પ્રીત એટલે કે શૂર્પણખાના રથ પર તેના કરતાં પણ વધુ ખર્ચ કરવામાં આવ્યો છે.
રામાયણ માટે 150થી વધુ સેટ તૈયાર કરાયા
આર્ટ ડાયરેક્ટર રમેશે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં રામાયણના સેટ વિશે જણાવ્યું હતું કે રામાયણની દુનિયાને મોટા પડદા પર આટલી ભવ્યતા સાથે કેવી રીતે રજૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે જટાયુનું એક 24 ફૂટનું મોડેલ તૈયાર કરવામાં આવ્યું હતું. ફિલ્મનું ભવ્ય શૂટિંગ કરવા માટે 150થી પણ વધુ સેટ તૈયાર કરવામાં આવ્યા હતા, જેનું નિર્માણ એપ્રિલ 2024માં શરૂ થયું હતું અને તે મુંબઈની ફિલ્મ સિટીમાં જ બનાવવામાં આવ્યા હતા.
રાવણના સિંહાસન પાછળ 1 કરોડનો ખર્ચ
રમેશના જણાવ્યા અનુસાર, રામાયણમાં રાવણના સિંહાસન પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચાયા છે. આ સિંહાસન તૈયાર કરવામાં આશરે 4 મહિનાનો સમય લાગ્યો હતો અને તેના પર લગભગ 1 કરોડનો ખર્ચ થયો હતો. તેને ફાઈબરમાંથી તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલાં માટીનો આધાર બનાવવામાં આવ્યો હતો. સિંહાસનને ભવ્ય લુક આપવા માટે તેના પર 24 કેરેટ સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શૂર્પણખાના સ્પેશિયલ રથ પર તો રાવણના સિંહાસન કરતાં પણ વધુ ખર્ચ થયો હતો. તેને 3 મહિનામાં તૈયાર કરવામાં આવ્યો હતો અને તેના પર આશરે 1.5 કરોડનો ખર્ચ થયો હતો.
6 વર્ષની મહેનત બાદ બન્યું પુષ્પક વિમાન
આટલું જ નહીં, રાવણના પુષ્પક વિમાન અંગે પણ રસપ્રદ માહિતી સામે આવી છે કે ડાયરેક્ટર નિતેશ તિવારી તેના પર છેલ્લા 6 વર્ષથી કામ કરી રહ્યા હતા. આ વિમાન 50 ફૂટ પહોળું હતું અને તે એટલું વિશાળ હતું કે કોઈ એક સ્ટુડિયોમાં સમાઈ શકે તેમ નહોતું. તેથી તેને 4 અલગ-અલગ ટુકડાઓમાં 40 થી 50 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું હતું. આ સાથે જ 24 ફૂટ ઊંચું જટાયુનું મોડેલ પણ તૈયાર કરાયું હતું.

રમેશે વધુમાં જણાવ્યું કે રાવણની સોનાની લંકા બનાવવામાં પણ ઘણો સમય લાગ્યો હતો. તેને બનાવવા માટે 500થી 600 કારીગરોએ સતત કામ કર્યું હતું. જ્યારે ક્રાઉડ સીન શૂટ કરવામાં આવ્યા ત્યારે 1000 જેટલા ડાન્સર્સ અને જુનિયર આર્ટિસ્ટ્સને સાઈન કરવામાં આવ્યા હતા. નિતેશ તિવારી શૂટિંગના 4 દિવસ પહેલાં જ સ્ટોરીબોર્ડ અને કોન્સેપ્ટ આર્ટનું ઝીણવટપૂર્વક રિવ્યૂ કરી લેતા હતા અને સેટનું નિરીક્ષણ પણ જાતે કરતા હતા.
રામાયણના બીજા ભાગ પર પણ કામ શરૂ
રામાયણ રિલીઝ થયા બાદ ફેન્સ અને દર્શકો ફિલ્મના બીજા ભાગ માટે પણ અત્યંત ઉત્સાહિત થઈ ગયા છે. ફિલ્મના પહેલા ભાગમાં હનુમાન અને મેઘનાદનો પોસ્ટ-ક્રેડિટ સીન દર્શાવાયો છે, જેણે દર્શકોની ઉત્સુકતા બમણી કરી દીધી છે. ફિલ્મના બીજા ભાગ પર હાલ કામ ચાલી રહ્યું છે અને તે વર્ષ 2027ની દિવાળીના અવસરે રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો-Dharmendra Farmhouse : પુત્ર રાજવીર સાથે પિતાના ફાર્મહાઉસ પહોંચ્યા સની દેઓલ, યાદ કરીને થયા ભાવુક!