સની દેઓલ પોતાના પિતા ધર્મેન્દ્ર અને પરિવારની ખૂબ જ નજીક રહ્યા છે અને તેઓ આ વાત હંમેશાં વ્યક્ત પણ કરતા આવ્યા છે. સોશિયલ મીડિયા પર પણ તેઓ અવારનવાર પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ અને આદર દર્શાવતા રહે છે. હાલમાં જ સની દેઓલ પોતાના પુત્ર રાજવીર દેઓલ સાથે પોતાના પિતા સાથે જોડાયેલી એક ખાસ જગ્યાએ પહોંચ્યા હતા, જેનો વીડિયો તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સની દીકરા રાજવીર સાથે લોનાવાલામાં આવેલા ધર્મેન્દ્રના ફાર્મહાઉસ પહોંચ્યા હતા. આ વીડિયો શેર કરતાં તેમણે એક ભાવુક નોટ પણ લખી અને જણાવ્યું કે તેઓ પિતાને ખૂબ યાદ કરી રહ્યા છે.
પિતા ધર્મેન્દ્રના ફાર્મહાઉસ પહોંચ્યા સની દેઓલ
સની દેઓલે શેર કરેલા વીડિયોમાં ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો જોવા મળે છે. ખેડૂતો ખેતરમાં ડાંગરની લણણી અને ઝૂડણી કરતા નજરે પડ્યા હતા. તેઓ સૂકા પાકના પૂળા ઉપાડીને પરંપરાગત રીતે અનાજ છૂટું પાડવા માટે તેને ડ્રમ પર પછાડતા દેખાયા હતા. થોડી ક્ષણો બાદ વીડિયોમાં સની દેઓલ અને તેમનો દીકરો રાજવીર જોવા મળે છે, જેઓ ફાર્મહાઉસ પર કેટલીક અંગત ક્ષણો વિતાવતા નજરે પડે છે. રાજવીરને આખું ફાર્મ બતાવતાં સની કહે છે, પપ્પાનું ફાર્મ... તારા માટે મોટા પપ્પાનું ફાર્મ. વીડિયો શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું, મિસ યુ પપ્પા અને સાથે ઘણા લાલ હાર્ટ ઇમોજી પણ મૂક્યા હતા.
https://www.instagram.com/reel/DfWOP0Zo2G5/?utm_source=ig_web_copy_link&obrf=NTc4MTIwNjQ2YQ==
ધર્મેન્દ્રનું ફાર્મહાઉસ
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અવારનવાર લોનાવાલા સ્થિત ફાર્મહાઉસમાંથી પોતાના વીડિયો શેર કરતા રહેતા હતા. આ જગ્યા તેમના માટે માત્ર એક હોલિડે હોમ કરતાં ઘણી વિશેષ હતી. આશરે 100 એકરમાં ફેલાયેલી આ પ્રોપર્ટીમાં તેઓ ખેતી પણ કરતા હતા અને પોતે પણ ખેતીના કામમાં સમય આપતા હતા. ફળ-શાકભાજીથી લઈને અનાજ સુધી બધું જ તેઓ પોતાના ફાર્મહાઉસમાં ઉગાડતા હતા, જે તેમને ખૂબ પસંદ હતું. તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દોડધામથી દૂર કુદરતના સાનિધ્યમાં ફાર્મહાઉસ પર સમય વિતાવવો અત્યંત ગમતો હતો. તેઓ સોશિયલ મીડિયા પર અવારનવાર ફાર્મહાઉસની જીવનશૈલીની ઝલક શેર કરતા રહેતા હતા.

રામાયણમાં સની દેઓલ
વર્કફ્રન્ટની વાત કરીએ તો સની દેઓલ હાલ નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'ને લઈને ભારે ચર્ચામાં છે, જેમાં તેઓ હનુમાનજીની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મના પોસ્ટ-ક્રેડિટ સીનમાં હનુમાનજી તરીકે સની દેઓલની એક ઝલક જોવા મળી છે, જેની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. જોકે, મેકર્સે હજુ પણ તેમના લુક પરથી સંપૂર્ણ પડદો ઉઠાવ્યો નથી.

આ ક્લિપમાં પાવરફુલ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે તેમની એન્ટ્રી દર્શાવવામાં આવી છે, જેમાં તેઓ જંગલમાં પોતાના વિશાળ શરીર સાથે દોડતા નજરે પડે છે. ત્યારબાદ એક વાઇડ શોટમાં તેઓ હવામાં ઊડતા અને શ્રી રામનો જયઘોષ કરતા જોવા મળે છે.
આ પણ વાંચો-Ramayanaમાંથી સામે આવી હનુમાનજીની પ્રથમ ઝલક! હાથમાં ગદા ઉઠાવી ગર્જના કરતા જોવા મળ્યા સની દેઓલ!