રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ રામાયણ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. બે ભાગમાં બની રહેલી આ ફિલ્મમાં દિગ્ગજ અભિનેતા સની દેઓલ હનુમાનજીની ભૂમિકામાં જોવા મળવાના છે. જોકે અત્યાર સુધી ટીઝર કે ટ્રેલરમાં તેમની કોઈ સત્તાવાર ઝલક દર્શાવવામાં આવી નહોતી, કારણ કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે સની દેઓલનું હનુમાનજી તરીકેનું ઇન્ટ્રોડક્શન ફિલ્મના બીજા ભાગમાં થશે. પરંતુ હવે રામાયણ રિલીઝ થતાં જ સની દેઓલની દમદાર ઝલક સામે આવી ગઈ છે.
હાથમાં ગદા ધારણ કરી જોવા મળ્યા સની દેઓલ
રામાયણ રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મના ઘણા સીન વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર નેટિઝન્સે સની દેઓલની ઝલક અંગે પણ ખુલાસો કર્યો છે. સની દેઓલ ફિલ્મના મુખ્ય ભાગમાં જોવા મળ્યા નથી, પરંતુ તેમની ઝલક ફિલ્મના અંતે પોસ્ટ-ક્રેડિટ સીનમાં દર્શાવવામાં આવી છે.

હનુમાનજીની ભૂમિકા ભજવી રહેલા સની દેઓલનો ચહેરો તો સામે આવ્યો નથી, પરંતુ મળેલી ઝલક પરથી સ્પષ્ટ દેખાય છે કે તેઓ યુદ્ધના કોઈ દ્રશ્યમાં ગર્જના કરતા જોવા મળી રહ્યા છે. તેમાં સની દેઓલની બેક સાઈડ (પાછળનો ભાગ) દર્શાવવામાં આવી છે. તેમણે હાથમાં ગદા ઉઠાવી રાખી છે, તેઓ હવામાં ઉડતા દેખાય છે અને ભગવાન શ્રી રામનો જયકારો બોલાવે છે. આ દ્રશ્ય દરમિયાન અત્યંત પાવરફુલ બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ વાગતું સંભળાય છે.
બીજા ભાગમાં ધૂમ મચાવશે સની દેઓલ
સની દેઓલની સંપૂર્ણ એન્ટ્રી રામાયણના બીજા ભાગમાં જોવા મળશે. અગાઉ એવી ચર્ચા હતી કે બીજો ભાગ વર્ષ 2027ની દિવાળી પર રિલીઝ થવાનો હતો, જોકે બાદમાં અહેવાલો આવ્યા કે હવે તે આ સમયે રિલીઝ નહીં થાય. મેકર્સે હજુ સુધી બીજા ભાગની નવી રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરી નથી.
રામાયણ વિશે
રામાયણનું દિગ્દર્શન નિતેશ તિવારીએ કર્યું છે અને તેના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા છે. ફિલ્મમાં રણબીર કપૂરે ભગવાન શ્રી રામ, સાઈ પલ્લવીએ માતા સીતા, યશે રાવણ અને રવિ દુબેએ લક્ષ્મણજીની ભૂમિકા ભજવી છે. મેકર્સે રામાયણના બંને ભાગ માટે આશરે 4 હજાર કરોડનો જંગી ખર્ચ કર્યો છે.
આ પણ વાંચો-Virat Kohli Family : પત્ની અનુષ્કાને તો આખી દુનિયા જાણે છે, પણ વિરાટના પરિવારમાં બીજું કોણ-કોણ છે?